મેચ ફિક્સિંગ સામે ભારતમાં કોઈ કાયદો જ નથી, સૌથી વધુ ફિક્સિંગ ભારતમાં થાય છે

વર્ષ 2013 માં IPL દરમિયાન થયેલી સ્પોટ ફિકિસંગ પછી ભારતીય ક્રિકેટ પર ડાઘ લાગ્યો હતો. ICCના એન્ટી કરપ્શન યુનિટને એમ કહીને BCCIની મુશ્કેલી વધારી છે કે, તે હાલમાં જે ભ્રષ્ટાચારને લગતા મામલાઓની તપાસ કરી રહી છે તેમાં મોટાભાગના કનેકશન ભારત સાથે જોડાયેલા છે અને ભારત તેનો અડ્ડો બનતો જાય છે.

કહેવામાં આવી રહ્યું છે કે IPL પછી હવે બુકીઓ દ્યરેલુ લીગને નિશાન બનાવી રહ્યા છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ એન્ટી કરપ્શન યુનિટના અધિકારી રિચાર્ડસને જણાવ્યુ કે અમે હાલમાં ભ્રષ્ટાચારથી જોડાયેલા દ્યણા કેસોની તપાસ કરી રહ્યા છીએ અને તેમાં 50 કેસ ભારત સાથે સંબંધિત છે.

જો કે અત્યાર સુધી આ કેસમાં કોઈ પણ ખેલાડીનું નામ સામે આવ્યું નથી. અધિકારીએ આગળ જણાવ્યુ કે ખેલાડીઓ ચેઇનનો અંતિમ હિસ્સો હોય છે. સમસ્યા એ છે કે જે ખરેખર તેનાથી જોડાયેલા છે તે મેદાનની બહાર બેસે છે. હું ભારતીય સરકારી એજન્સીઓને આવા આઠ નામ આપી શકું છું જે ખેલાડીઓને પૈસા આપીને ફસાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

ગત વર્ષે કર્ણાટક પ્રીમિયર લીગ (KPL)માં ઘણા લોકો પર ફિકિસંગના આરોપ લગાવ્યા હતા, જેમાં ખેલાડીઓ સાથે ટીમના માલિકો પણ સામેલ હતા. આ લોકો વિરુદ્ઘ તપાસ માટે એક ચાર્જશીટ પણ દાખલ થઈ ચુકી છે.

BCCIના એસીયુ અધ્યક્ષ અજિતસિંહે જણાવ્યુ કે ગેરકાયદેસર બેટથી પૈસા કમાવવા માટે આ બધું કરવામાં આવે છે. તેના માટે ટીમના અધિકારીઓ, માલિક, સ્પોર્ટસ સ્ટાફ અને ખેલાડીઓ સાથે સંપર્ક કરવામાં આવે છે. દર વર્ષે તેનાથી 3 થી 4 હજારનું ટર્ન ઓવર હાંસલ કરે છે.

ICCનું હેવુ છે કે ભારતમાં સ્થિતિ ત્યાં સુધી નહીં સુધારે જયાં સુધી અહીં ફિકિસંગના કાયદા મુજબ ગુનો જાહેર નથી કરાતો. રિચર્ડસને જણાવ્યુ કે મેચ ફિકિસંગ વિરુદ્ઘ કાયદા લાવનાર પ્રથમ દેશ શ્રીલંકા હતો તેથી ત્યાં ક્રિકેટ સુરક્ષિત છે. જયારે ઓસ્ટ્રેલિયામાં પણ સ્થિતિ સારી છે. જો કે ભારતમાં આ પ્રકારનો કોઈ કાયદો નથી જેથી BCCI ત્યાં યોગ્ય રીતે કામ નથી કરી શકતી.

ઓસ્ટ્રેલિયાના કાયદા મુજબ ઓસ્ટ્રેલિયા મોટી ટૂર્નામેન્ટ પહેલા તે કોઈ પણ વ્યકિતને પોતાના દેશમાં આવતા રોકી શકે છે. ભારતમાં 2021 ટી-20 વર્લ્ડ કપ અને 2023 વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે આવામાં કાયદામાં ફેરફાર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.