કોરોના વાઇરસ માટે હોટલમાં થર્મલ  સ્ક્રીનીંગ ફરજીયાત કરાયું

Thermal screening is compulsory in hotels for corona virus

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસના અનુસંધાનમાં સંભવિત ઇન્ફેક્શન સામે અગમચેતીના પગલાં રૂપે તમામ હોટલમાં આવતા પ્રવાસીઓ તેમજ હોટલ કર્મચારીઓના થર્મલ સ્ક્રીનીંગ માટેની વ્યવસ્થા કરવી ફરજિયાત છે.

આ ઉપરાંત હોટલમાં સેનીટેશન માટે યોગ્ય ગુણવત્તાયુક્ત સેનીટાઇઝર, માસ્ક વગેરે ઉપલબ્ધ કરાવવા જરૂરી છે. કોઇપણ પ્રવાસી કે હોટલ કર્મચારીના શરીરનું તાપમાન ૯૯ ફેરનહીટ અથવા તેથી વધુ હોય તો તાત્કાલિક સ્થાનિક આરોગ્ય તંત્રને જાણ કરવી જેવા અગમચેતીના પગલા લેવા જરૂરી છે. આ બાબતે વધુ જાણકારી માટે CORONA (COVID 19) HELPLINE : INDIA : 011-23978046 ઉપર સંપર્ક કરી શકાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રીની યાદીમાં વધુમાં જણાવાયું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં સંભવિત કોરોના વાયરસ સામે ઇન્ફેક્શનની અગમચેતી તરીકે નાગરિકોમાં માસ્ક અને હેન્ડ સેનીટાઇઝરની વ્યાપક માંગ ઉભી થઇ છે. આ બનાવટો મુખ્યત્વે દવાની દુકાનો દ્વારા ઉપલબ્ધ થતી હોય તે અંગે કેમીસ્ટ મિત્રોને તેનું વ્યાજબી ભાવે વધુ નફાખોરી નહી કરીને ગ્રાહકોને સરળતાથી મળી રહે અને આવી કપરી પરિસ્થિતીમાં માનવતાના ભાગરૂપે તેમજ સમાજને મદદરૂપ થવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વધુમાં જણાવાયું છે કે આ માસ્કનો ઉપયોગ જે વ્યક્તિઓને ઇન્ફેક્શન થયેલ છે તે અન્ય જગ્યાએ ફેલાય કે પ્રસરે નહી તથા તેની સારવાર સાથે જોડાયેલા નજીકના તેની સારસંભાળ રાખતા વ્યક્તિને અગમચેતીના ભાગરૂપે ઉપયોગમાં લેવો જરૂરી છે. જ્યારે સ્વસ્થ નાગરિકોએ તેનો બિનજરૂરી ઉપયોગ ન કરવા અને સંગ્રહના કારણે બજારમાં તેની ખોટી અછત ન સર્જાય તે હેતુથી તેમાં સાથ સહકાર આપવા અપીલ કરાઇ છે.
રાજ્યની ૧૦૪ ફિવર હેલ્પલાઇન નંબર દ્વારા કોરોના વાયરસ અને તેને લગતી માહિતી ઉપલબ્ધ થઇ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ આ અંગે વધુ નફાખોરી કે ગેરરિતી અંગેની કોઇપણ માહિતીની જાણ ૧૦૪ ફિવર હેલ્પલાઇન નંબર ઉપર કરી શકાશે તેમ પણ વધુમાં જણાવાયું છે.