ટામેટાના ભાવ 3 વર્ષના તળીયે, 4-10 રૂપિયાના ભાવે ખેડૂતોનું વેચાણ

દિલ્હી, 24, મે 2020

દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદની જથ્થાબંધ માર્કેટોમાં ટામેટાના ભાવ ઘટીને 3 વર્ષની નીચી સપાટીએ પ્રતિ કિલોગ્રામ 4-10 રૂપિયાના ભાવે વેચાયા હતા. ગયા વર્ષે 22 મેના રોજ દિલ્હીના આઝાદપુર જથ્થાબંધ બજારમાં ટામેટાની કિંમત કિલો દીઠ 14.30 રૂપિયા હતી. જ્યારે હૈદરાબાદ અને બેંગ્લોરમાં તેની કિંમત 30 રૂપિયા હતી. ગુજરાતમાં પણ એજ ભાવ હતો. હાલ ગુજરાતમાં 5-10 રૂપિયે કિલો ટામેટા વેચાય છે.

લોકડાઉનમાં લોકો સુધી માલ ન પહોંચતા ઓછી માંગને કારણે ટમેટાના ભાવમાં ઘટાડો થયો છે. વળી, ઝડપથી સડી જતા ટમેટાને સરળ પરિવહન સુવિધા ન મળી શકવાના કારણે પણ તેના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. આઝાદપુર મંડીમાં હાલનો આદર્શ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ .440 છે. ગયા વર્ષે, ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 1,258 હતો. દિલ્હીમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ટામેટાં સપ્લાય આવે છે.

હૈદરાબાદના બોવેનપલ્લી જથ્થાબંધ બજારમાં ટામેટાની કિંમત કિલોદીઠ રૂ. 5 હતી. એક વર્ષ પહેલા આ 34 રૂપિયા હતી. આ જ રીતે શુક્રવારે બેંગાલુરુમાં ટમેટાંના જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 10 રૂપિયા હતા. જે એક વર્ષ પહેલા 30 રૂપિયા હતો.

ફૂડ પ્રોસેસીંગ મંત્રાલય બજાર જોડાણ પૂરા પાડવા માટે 52 જિલ્લાઓને ટ્રેક કરે છે. આમાંથી 40માં ટામેટા ઉગાડતા વિસ્તારોમાં ટમેટાના ભાવ 3-વર્ષના મોસમી સરેરાશથી નીચે ચાલી રહ્યા છે. કર્ણાટકના કોલા જિલ્લાના 5 ટામેટા ક્લસ્ટરોમાં ગુણવત્તાના આધારે ટમેટાંની કિંમત રૂ .3-8 પ્રતિ કિલો ચાલી રહી છે. એક વર્ષ પહેલા આ કિંમત પ્રતિ કિલો રૂ. 14-35 હતી.

આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં દેશમાં ટોમેટા સૌથી વધુ પાકે છે. ચાલુ વર્ષે બંને રાજ્યોમાં કુલ 42 લાખ ટન ટમેટાંનું ઉત્પાદન થવાની સંભાવના છે. દેશમાં ટમેટાંની વાર્ષિક માંગ 111 લાખ ટન છે. તે ફક્ત ઘરેલું ઉત્પાદનમાંથી જ પૂરા પાડવામાં આવે છે. મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં વર્ષ 2019-20માં પાકની સીઝનમાં (જુલાઈ-જૂન) માં 193.28 લાખ ટન ટમેટાંનું ઉત્પાદન થવાની સંભાવના છે.