પોતાની હાર ન સ્વીકારતા ટ્રમ્પ સત્તા છોડ્યા પહેલા જો બાઈડેન માટે મુશ્કેલીઓ વધારીને જશે

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ચૂંટણીમાં મળેલી હારને હજી સ્વીકારવા માટે તૈયાર નથી તેમ લાગે છે.જોકે હરિફ ઉમેદવાર જો બાઈડેનની જીતની સત્તાવાર જાહેરાત જ બાકી છે ત્યારે એવી આંશકા વ્યક્ત કરાઈ રહી છે કે, પોતાના બચેલા કાર્યકાળમાં ટ્રમ્પ એવુ કરી જશે જેના કારણે બાઈડે્નની રાષ્ટ્પતિ પદ સંભાળ્યા બાદની મુશ્કેલીઓ વધી જશે.

ટ્રમ્પે જાન્યુઆરી મહિનામાં વ્હાઈટ હાઉસ છોડવાનુ છે. હવે તેમના શાસનના બાકીના દિવસોમાં ટ્રમ્પ ચીન સામે આર્થિક અને રાજકીય મોરચે મોટા નિર્ણયો લઈ શકે છે. ટ્રમ્પ કોરોના માટે ચીન પર સીધો આરોપ મુકતા આવ્યા છે.તેવામાં અમેરિકાને આ મહામારીના કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે ટ્રમ્પ ચીન પર કેટલાક પ્રતિબંધો પણ લાદી શકે છે.

ચીન સાથે વાટાઘાટો કરનાર ટીમના સભ્ય અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીના અધ્યાપક જેમ્સ ગ્રીનનુ કહેવુ છે કે, ટ્રમ્પ સરકારે ક્યારેય કોઈ ચોક્કસ ધારા ધોરણ બનાવ્યા જ નથી ત્યારે શાસન હેન્ડ ઓવર કરવાની પ્રક્રિયાને લઈને પણ ચિંતા થઈ રહી છે. ચાઈનિઝ મીડિયાના કહેવા પ્રમાણે પણ વિદેશ નીતિને લગતા નિર્ણયો માટે ટ્રમ્પને સેનેટની મંજૂરી લેવાની પણ જરુરી નથી.

આ સંજોગોમાં ટ્રમ્પ ચીન સામે કોઈ આકરો નિર્ણય કરવા પ્રેરાય તો નવાઈ નહી હોય. ટ્રમ્પ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોના વિઝા પર પ્રતિબંધ લગાવી શકે છે.આ સિવાય 2022માં ચીનમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિકમાં અમેરિકા ભાગ ના લે તેવો પ્રયત્ન પણ કરી શકે છે.

ટ્રમ્પ ચીનથી આયાત થતી વસ્તુઓ પર પહેલા જ જંગી એક્સપોર્ટ ડ્યુટી નાંખી ચુક્યા છે. ચીનના એપ ટિકટોક અને વી ચેટ પણ બેન કરી ચુક્યા છે અને ચીનની હુવેઈ કંપનીની ફાઈવ જી ટેકનોલોજી પર તેમણે જ અમેરિકામાં પ્રતિબંધ મુક્યો છે. ચીન પ્રત્યે અમેરિકાના લોકોની નકારાત્મક ધારણા પણ વધી છે. 73 ટકા અમેરિકન ચીન માટે નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે. આ સંજોગોમાં ટ્રમ્પના લીધેલા નિર્ણયો પાછા ખેંચવા માટે પણ બાઈડેનની સરકાર માટે મોટો પડકાર હશે.