કોવિડ-19નું ભારત બુલેટીન

દિલ્હી 8 મે 2020

દેશમાં કોવિડ-19ના કુલ 56,342 કેસ નોંધાયા છે જેમાંથી 16,540 દર્દી સાજા થઇ ગયા છે જે સાજા થવાનો દર 29.36% દર્શાવે છે.
• છેલ્લા 24 કલાકમાં 3390 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.
• 216 જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડનો કોઇ કેસ નોંધાયો નથી, 42 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં નવા કેસ નોંધાયા નથી, 29 જિલ્લામાં છેલ્લા 21 દિવસમાં અને 36 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોવિડના કોઇ નવા કેસ નોંધાયા નથી.
• ભારત સરકારે કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયામાં મદદ માટે અને જાહેર આરોગ્ય તૈયારીઓ મજબૂત કરવા માટે 500 મિલિયન ડોલરની સહાય માટે AIIB સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા
• લૉકડાઉન વચ્ચે ખાદ્યાન્નની ખરીદી ઝડપી ગતિએ ચાલી રહી છે.
• ભારતીય પોસ્ટે દેશભરમાં લેબોરેટરીઓમાં કોવિડ-19 પરીક્ષણની કીટ્સની ડિલિવરી કરી.Released at 1900 Hrs

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી કોવિડ -19 અંગે અપડેટ્સ
216 જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડનો કોઇ કેસ નોંધાયો નથી, 42 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં નવા કેસ નોંધાયા નથી, 29 જિલ્લામાં છેલ્લા 21 દિવસમાં અને 36 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોવિડના કોઇ નવા કેસ નોંધાયા નથી અને 46 જિલ્લામાં છેલ્લા સાત દિવસથી કોઇ નવા કેસ નોંધાયા નથી. દેશમાં અત્યાર સુધીમાં 16,540 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1273 દર્દી સાજા થયા છે જે 29.36% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. સાજા થવાનો આ દર સતત વધી રહ્યો છે જે વર્તમાન સમયમાં દર્શાવે છે કે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા દર ત્રણમાંથી 1 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 56,,342 થઇ છે. ગઇકાલથી અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 3390 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને તામિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે તેમણે લીધેલા પગલાંની સમીક્ષા કરી હતી. ICMR દ્વારા PLACID ટ્રાયલ નામથી મલ્ટી-સેન્ટર ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરવામાં આવી છે જે સામાન્ય બીમારીની અવસ્થામાં કોવિડ-19 સંબંધિત જટીલતાને મર્યાદિત કરવા માટે કોન્વેન્સલેન્ટ પ્લાધ્માની સલામતી અને કાર્યદક્ષતાનું આકલન કરવા માટે છે.

ભારત સરકારે 500 મિલિયન ડોલરની કોવિડ-19 સહાય માટે AIIB સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા
ભારત સરકાર અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) વચ્ચે આજે 500 મિલિયન અમેરિકી ડોલર “કોવિડ-19 ઇમરજન્સી પ્રતિક્રિયા અને આરોગ્ય તંત્ર તૈયારી પરિયોજના” સહાય માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કોવિડ-19 મહામારી સામે ભારતની પ્રતિક્રિયામાં આર્થિક સહાય અને જાહેર આરોગ્યની તૈયારીઓ વધુ મજબૂત કરવા માટે આ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેંક તરફથી ભારતને આરોગ્ય ક્ષેત્ર માટે આ સૌથી પહેલી આર્થિક સહાય છે. આ નવી આર્થિક સહાયથી દેશમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સહકાર મળશે અને ચેપગ્રસ્ત લોકો, અતિ જોખમી વસ્તીઓ, તબીબી અને ઇમરજન્સી સેવાના લોકો અને સેવાપ્રદાતાઓ, તબીબી અને પરીક્ષણ સુવિદાઓ તેમજ રાષ્ટ્રીય અને પશુ આરોગ્ય એજન્સીઓને તેમની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ મળશે.

લૉકડાઉન વચ્ચે ખાદ્યાન્નની ખરીદી ઝડપી ગતિએ ચાલી રહી છે
સેન્ટ્રલ પૂલ માટે 400 LMT ઘઉંની ખરીદીના લક્ષ્યાંકની સામે અડધાથી વધુ ખરીદી થઇ ગઇ; 45 LMT ડાંગરની ખરીદી પણ થઇ, તેલંગાણા 30 LMT હિસ્સા સાથે સૌથી ટોચે; રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ PMGKAY હેઠળ 70 LMT ખાદ્યાન્નનો જથ્થો ઉપાડ્યો જે 3 મહિનાની કુલ ફાળવણીમાંથી લગભગ 58% છે.

કેન્દ્રીય અન્ન અને જાહેર વિતરણ મંત્રીએ કહ્યું કે PM-GKAY હેઠળ સમગ્ર દેશમાં અંદાજે 80 કરોડ લોકોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને દાળનો પૂરવઠો પહોંચાડવાની મહા કવાયત ચાલી રહી છે
શ્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, FCIએ કુલ 2641 રેકમાં 74 LMT ખાદ્યાન્નનો જથ્થો લોડ કરીને અત્યાર સુધીમાં સર્વાધિક જથ્થાનો વિક્રમ સ્થાપિત કર્યો; મંત્રીએ કહ્યું કે, દેશમાં ત્રણ મહિના સુધી અંદાજે 19.50 કરોડ પરિવારોને વિનામૂલ્યે દાળ આવા માટે NAFED દ્વારા મોટું ઓપરેશન ચાલી રહ્યું છે; શ્રી પાસવાને જણાવ્યું હતું કે, “એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ” યોજના હેઠળ વધુ 5 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને રાષ્ટ્રીય ક્લસ્ટર એકીકૃત કરવાનું કહેવામાં આવ્યું છે. આ ક્લસ્ટર પહેલાંથી 12 રાજ્યોમાં અમલમાં છે. હવે, કુલ 17 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો રાષ્ટ્રીય ક્લસ્ટર સાથે એકીકૃત છે જે 60 કરોડ NFSA લાભાર્થીઓને 17 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેમના હકનો ખાદ્યાન્નનો જથ્થો વ્યાજબી ભાવની તેમની પસંદની કોઇપણ દુકાનેથી સમાન/ હાલમાં તેમની પાસે રહેલા રેશન કાર્ડના ઉપયોગથી ખરીદ કરવા માટે રાષ્ટ્રીય/ આંતર રાજ્ય પોર્ટેબલિટીની સુવિધા આપે છે.

ડૉ. હર્ષવર્ધને મુશ્કેલીના સમયમાં રેડ ક્રોસ સોસાયટીની સેવાઓની પ્રશંસા કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે નવી દિલ્હીમાં “વર્લ્ડ રેડ ક્રોસ ડે” નિમિત્તે યોજાયેલા રેડ ક્રોસ સોસાયટીની શતાબ્દી ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે સ્વૈચ્છિક સંગઠનો, NGO અને સામાન્ય લોકોને અપીલ કરી હતી કે તેઓ મોટી સંખ્યામાં આગળ આવીને સ્વૈચ્છિક ક્તદાનને પ્રોત્સાહન આપે. તેમણે લોકોને વર્ષમાં ઓછામાં ઓછી એક વખત તેમના જન્મદિવસ અથવા લગ્નતિથિએ રક્તદાન કરીને આ દિવસને માત્ર તેમના માટે જ નહીં પરંતુ રક્તની જરૂરિયાત ધરાવતા લોકો માટે પણ વિશેષ બનાવવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, IRCS મોટી સંખ્યામાં લોકોમાં જાગૃતિ ફેલાવવામ માટે આગળ આવે અને કોરોના દર્દીઓ તેમજ ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય કોરોના યોદ્ધાઓ પ્રત્યે ભેદ રાખવાની જરૂર નથી તેવી સમજણ આપે અને તેમને કાર્યસ્થળે પૂરા ઉત્સાહ સાથે સકારાત્મક માહોલનું સર્જન કરવામાં લોકોને પ્રોત્સાહિત કરે.

ભારતીય નૌસેનાના વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE)ને INMAS (ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુક્લિઅર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સિસ)ની માન્યતા
ભારતીય નૌસેના દ્વારા તૈયાર કરવામાં આવેલા વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE)ને દિલ્હી સ્થિત DRDOની સંસ્થા INMAS (ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુક્લિઅર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સિસ)ની માન્યતા આપવામાં આવી છે અને તબીબી કોવિડની પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવા માટે જથ્થાબંધ ઉત્પાદન કરવાનું પણ આ PPEને પ્રમાણિત કરવામાં આવ્યા છે. આ સંસ્થાને PPEનું પરીક્ષણ કરીને તેને પ્રમાણપત્ર આપવાનુ કામ સોંપવામાં આવ્યું છે.

ભારતીય પોસ્ટે ICMRના પ્રાદેશિક ડીપોમાંથી અંતરિયાળ વિસ્તારો સહિત સમગ્ર દેશમાં પરીક્ષણ લેબો સુધી કોવિડ-19ના પરીક્ષણની કીટ્સ પહોંચાડી
ભારતીય પોસ્ટે ICMRના 16 પ્રાદેશિક ડીપોમાંથી સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે નિયુક્ત 200 વધારાની લેબ સુધી કોવિડ-19 પરીક્ષણની કીટ્સની ડિલિવરી કરવા માટે ICMR સાથે જોડાણ કર્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા સમગ્ર દેશમાં દરરોજ 1 લાખ પરીક્ષણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે, ભારતીય પોસ્ટે સમગ્ર દેશમાં 1,56,000 પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્ક સાથે ફરી એકવાર કોવિડ સામેના યુદ્ધના એક મજબૂત યોદ્ધા તરીકે આગળ આવવાની પહેલ કરી છે. ભારતીય પોસ્ટે અંતરિયાળ વિસ્તારોમાં કન્સાઇન્મેન્ટની ડિલિવરી કરી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ મહામહિમ ચાર્લ્સ મિશેલ વચ્ચે ફોન પર ચર્ચા થઈ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ મહામહિમ ચાર્લ્સ મિશેલ સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને યુરોપિયન યુનિયનમાં કોવિડ-19 રોગચાળાને લઈને પ્રવર્તમાન સ્થિતિ અને આ માટે લેવામાં આવેલી રહેલા પગલાં વિશે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે રોગચાળાના સમયમાં પારસ્પરિક સાથસહકાર આપવાની પ્રશંસા કરી હતી, જેમાં આવશ્યક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના પુરવઠાની સુનિશ્ચિતતા સામેલ છે. બંને નેતાઓએ કોવિડ-19ને કારણે આરોગ્ય અને આર્થિક ક્ષેત્રમાં ઊભી થયેલી સમસ્યાઓનું સમાધાન કરવા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંકલન કરવાના મહત્ત્વને ઓળખ્યું હતું.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જાપાનના સંરક્ષણમંત્રી સાથે કોવિડ-19ના ઉપશમન બાબતે ફોન પર ચર્ચા કરી
બંને દેશના સંરક્ષણમંત્રીઓએ કોવિડ-19 મહામારી સામે તેમના દેશમાં પ્રતિક્રિયાના પગલાં અંગે ચર્ચા કરી હતી. શ્રી રાજનાથસિંહે શ્રી કોનોને કોવિડ-19 સામે આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં ભારતના યોગદાન વિશે માહિતી આપી હતી અને આ વૈશ્વિક મહામારી સામે લડવા માટે પારસ્પરિક યોગદાન અંગે ચર્ચા કરી હતી. તેઓ એ વાતે પણ સંમત થયા હતા કે, ભારત- જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી બંને દેશોને કોવિડ-19 પછી તે સંબંધિત પડકારોનો સામનો કરવા માટે અન્ય દેશોની સાથે મળીને કામ કરવામાં સારો આધાર પૂરો પાડે છે.

શ્રી ગડકરીએ ઇવેન્ટ અને મનોરંજન ઉદ્યોગને તેમજ નાના ફાઇનાન્સિંગ ઉદ્યોગોને સકારાત્મક રહેવા અને વર્તમાન પરિસ્થિતિમાંથી નવી તકો શોધવા માટે આહ્વાન કર્યું
કેન્દ્રીય MSME અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇવેન્ટ્સ અને મનોરંજન મેનેજમેન્ટ એસોસિએશન અને ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કોવિડ-19ની તેમના ક્ષેત્રો પર અસરો અંગે ચર્ચા કરી હતી. શ્રી ગડકરીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આ ક્ષેત્ર ખૂબ અદભૂત કામ કરી રહ્યું છે અને તેમના કૌશલ્ય તેમજ દૂરંદેશીને વ્યાપક રીતે સ્વીકૃતિ મળી છે.

પર્યટન મંત્રાલયે “દેખો અપના દેશ” શ્રેણી અંતર્ગત “ગોવા- ક્રુસિબલ ઓફ કલ્ચર” નામથી 16મા વેબિનારનું આયોજન કર્યું
ભારત સરકારના પર્યટન મંત્રાલય દેખો અપના દેશ શ્રેણી અંતર્ગત 7 મે 2020ના રોજ “ગોવા- ક્રુસિબલ ઓફ કલ્ચર” નામથી 16મા વેબિનારનું આયોજન કરીને ભારતના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ ‘ગોવા’ વિશે ‘ખૂબ ઓછા જાણીતા’ અથવા ‘અજાણ્યા’ પર્યટનના અનુભવોની માહિતી આપી હતી. આ રીતે ગોવામાં જોવાલાયક અજાણ્યા સ્થળોના સૌંદર્ય વિશે સહભાગીઓને રૂબરૂ કર્યા હતા.

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

· પંજાબઃ પંજાબ સરકારે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતાં વિસ્થાપિત શ્રમિકો/ મુસાફરોના પરિવહન દરમિયાન રાજ્ય પરિવહન નિગમો (પંજાબ રોડવેઝ/ PRTC/ PUNBUS) અને ખાનગી બસ ચાલકો માટે સ્વચ્છતા અને સેનિટાઇઝેશનની જાળવણી કરવા માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજ્યમાં ઘઉંના મબલખ ઉત્પાદન સાથે, પંજાબે કોવિડ-19 મહામારીની વચ્ચે કર્ફ્યૂ/લૉકડાઉન દરમિયાન અનેક મુશ્કેલીઓ હોવા છતાં ઘઉંની ખરીદીમાં 100 LMTનું સીમાચિહ્ન સફળતાપૂર્વક પાર કરી લીધું છે.

· હરિયાણાઃ કેન્દ્ર સરકારે કોવિડ-19 સંબંધિત જાહેર ફરિયાદોના સમયસર નિકાલ માટે હરિયાણા સરકારની ભારે પ્રશંસા કરી છે. 30 માર્ચ, 2020થી 6 મે 2020ના સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલી કુલ 2,827 ફરિયાદોમાંથી 2,436 ફરિયાદોનું સમાધાન કરી દેવામાં આવ્યું છે. હરિયાણા સરકાર રોજગારી પુરી પાડવા અને રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવા કટિબદ્ધ છે, જેના માટે https://saralharyana.gov.in/ પોર્ટલ ઉપર સ્વયંસંચાલિત પરવાનગીઓ આપવામાં આવી રહી છે અને અત્યાર સુધી 19,626 એકમોને પરવાનગી આપવામાં આવી છે, જ્યારે 11,21,287 કામદારોને કામ કરવાની મંજૂરી અપાઇ ચૂકી છે.

· હિમાચલ પ્રદેશઃ કોરોના મહામારીની પરિસ્થિતિની વચ્ચે રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરવા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરતાં મુખ્યમંત્રીએ દેશના અન્ય ભાગોમાંથી રાજ્યમાં પરત ફરી રહેલા લોકો ક્વૉરેન્ટાઇનના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા તેમને નિર્દેશો આપ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે દેશના અન્ય ભાગોમાંથી રાજ્યમાં પરત ફરી રહેલા તમામ લોકોની ફરજિયાત તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે તે અથવા તેણીને હોમ ક્વૉરેન્ટાઇન કે સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રાખવાની જરૂર છે.

· કેરળઃ આજે રાત્રે બહેરીનમાંથી 177 ભારતીયો અને સાઉદી અરેબિયામાં ફસાયેલા 162 ભારતીય ધરાવતી બે ફ્લાઇટ આજે રાત્રે અનુક્રમે કોચી અને કોઝિકોડેમાં ઉતરાણ કરશે. 1,150 સ્થળાંતરિત શ્રમિકો ધરાવતી એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન આજે સાંજે ત્રિસૂરથી ઉત્તરપ્રદેશ માટે રવાના થશે. અત્યારે રાજ્યમાં કોવિડ-19ના માત્ર 25 સક્રિય કેસો છે.

· તામિલનાડુઃ આજે રાજ્યમાં સામાજિક અંતરના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને હજારો લોકો દારૂની દુકાન ઉપર ઉમટી પડ્યાં હતા. તાસમેક એકમો ફરી ખોલવા સામે અનેક સ્થાનોએ લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. રાજ્ય સરકાર લૉકડાઉન બાદ બસને પોતાની ક્ષમતાના 50 ટકા સાથે કામગીરી કરવા અને કોવિડ યોદ્ધાઓ માટે અલગ સેવા પુરી પાડવા જાહેર પરિવહન સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ગઇકાલ સુધી રાજ્યમાં કુલ 5,409 કેસ નોંધાયાં હતા, જેમાંથી 3,822 કેસો સક્રિય છે અને 37 લોકોના મરણ નીપજ્યાં છે. કુલ 1,547 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તાજેતર નોંધાયેલા કેસોમાંથી મોટાભાગના કેસો કોયેમ્બેડુ બજાર સાથે જોડાયેલા છે.

· કર્ણાટકઃ રાજ્યમાં આજે અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધારે 45 નવા કેસો નોંધાયા હતાં. આ કેસો પૈકી બેંગ્લોરમાંથી 7, બેલ્લારીમાંથી 1, બેલાગાવીમાંથી 11, દેવાનગેરેમાંથી 14 અને ઉત્તર કન્નડામાંથી 12 કેસો નોંધાયાં હતા. આજે 14 લોકોને રજા આપવામાં આવી છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી 750 કેસો નોંધાઇ ચૂક્યાં છે અને 30 લોકોના મરણ નીપજ્યાં છે, જ્યારે 371 લોકોને રજા આપવામાં આવી છે. આ દરમિયાન રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે આવતીકાલથી દારૂના વેચાણ માટે તમામ દારૂની દુકાનો, પબ અને બાર ખોલી દેવામાં આવશે.

· આંધ્રપ્રદેશઃ ચિત્તુર જિલ્લા પોલીસે તાજેતરમાં ચેન્નઇના કોયામ્બેડુ બજારમાંથી માલસામાન લઇને પરત ફરેલા ડ્રાઇવર અને ક્લિનર તથા ખેડૂતોનું ઊંડાણપૂર્વક ટ્રેકિંગ શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન 7,320 નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ કોવિડ-19ના 54 નવા પોઝિટીવ કેસો નોંધાયાં હતાં, 62 લોકોને રજા આપવામાં આવી છે અને 3 લોકોના મરણ થયા છે. કુલ કેસો વધીને 1,887 થયા છે, જેમાંથી 1,004 સક્રિય છે, 842 સાજા થયા છે અને કુલ 41 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટીવ કેસો ધરાવતાં જિલ્લાઓમાં 547 કેસો સાથે કુર્નૂલ, 374 કેસો સાથે ગુંતૂર અને 322 કેસો સાથે ક્રિશ્નાનો સમાવેશ થાય છે.

· તેલંગાણા: દેશવ્યાપી લૉકડાઉનના કારણે સમગ્ર દેશના વિવિધ ભાગોમાંથી વિસ્થાપિત શ્રમિકો તેમના ગૃહ રાજ્યમાં પર આવી રહ્યા છે તેવા સમયમાં, 225 વિસ્થાપિત શ્રમિકો સાથેની શ્રમિક વિશેષ ટ્રેન શુક્રવારે બિહારથી તેલંગાણા આવી પહોંચી હતી. હૈદરાબાદ સ્થિત રસી અને બાયો થેરાપેટિક્સ ઉત્પાદક ભારત બાયોટેક કોવિડ-19 થેરાપી માટે માનવીય એન્ટીબોડી તૈયાર કરશે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસ 1122 થયા છે જેમાંથી સક્રિય કેસ -400, સાજા થયા -693 અને મૃત્યુ થયા- 29.

· આસામ: આસામમાં કોવિડ-19ના વધુ ત્રણ કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. કુલ કેસની સંખ્યા વધીને 56 થઇ છે જેમાંથી સક્રિય કેસ 21 છે અને 31 દર્દી સાજા થયા છે જ્યારે 1નું મૃત્યુ થયું હોવાનું આરોગ્ય મંત્રીએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું. ગુવાહાટીમાં નોંધાયેલા નવા કોવિડ-19 પોઝિટીવ કેસને ધ્યાનમાં રાખતા, નીચે દર્શાવેલા વિસ્તારોને ચેપગ્રસ્ત ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જે – અમીયો નગર, ડૉ. બી. બરુઆ કેન્સર હોસ્પિટલની નજીક ચાંદમરી વિસ્તાર અને ગૌહતી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે.

· મણીપૂર: કૃષિ નિયામકે જણાવ્યું હતું કે, ખરીફ 2020 મોસમ માટે ગયા વર્ષની જેટલા જથ્થામાં જ યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવા માટે તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. મણીપૂર સોશિયલ વેલફેર વિભાગે તમામ જિલ્લામાં આંગણવાડી કામદારો અને સુપરવાઇઝરોને ICDS-CAS એપ્લિકેશન સાથે સ્માર્ટફોન આપ્યા છે જેથી આગણવાડીની પ્રવૃત્તિઓ અને લાભાર્થીઓમાં રેશનના વિતરણની કામગીરી પર વાસ્તવિક સમયમાં દેખરેખ રાખી શકાય.

· મિઝોરમ: સરકારે રાજ્યના સત્તાધિકારીઓને જાણ કર્યા વગર રાજ્યમાં પરત આવેલા 150થી વધુ લોકોને ક્વૉરેન્ટાઇન કર્યા છે.

· નાગાલેન્ડ: રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે, લૉકડાઉનમાં છુટછાટ તબક્કાવાર આપવામાં આવશે જે દૈનિક કેસોના અહેવાલોના પરિણામના આધારે આપવામાં આવશે. નાગાલેન્ડ સરકાર નિવૃત્ત કર્મચારીઓના બેંક ખાતામાં સીધુ જ પેન્શન જમા કરાવશે. પેન્શનરોને SBIમાં ખાતું ખોલાવવાનું કહેવામાં આવ્યું.

· મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં ગુરુવારે કોવિડ-19ના નવા 1216 કેસ નોંધાયા છે જેથી કુલ કેસનો આંકડો વધીને 17974 થયો છે. આ કેસોમાંથી, 11394 કેસ માત્ર મુંબઇમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે એક જ દિવસમાં 43 દર્દીના મૃત્યુ થયા છે જે એક દિવસમાં સર્વાધિક આંકડો છે. આ સાથે કુલ 694 દર્દીના મૃત્યુ નીપજ્યાં છે. દરમિયાન, રાજ્યમાં પરીક્ષણ કરવામાં આવેલા લોકોની સંખ્યા 2 લાખથી વધુ થઇ છે. મહારાષ્ટ્રની સરકાર અને મધ્યપ્રદેશની સરકારે ઔરંગાબાદ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા પોતાના રાજ્યોના લોકોના પરિવારજનોને દરેકને રૂપિયા 5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. 16 વિસ્થાપિત શ્રમિકો ઔરંગાબાદમાં કારમાડ નજીક રેલવેના ટ્રેક પર સૂતા હતા ત્યારે તેમના પરથી ટ્રેન પસાર થતા તેમના મરણ નીપજ્યાં છે.

· ગુજરાત: રાજ્યમાં કોવિડના નવા 388 કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસની સંખ્યા સાત હજારથી વધીને 7,013 થઇ છે. બધુવારે રાત્રિથી નવા નોંધાયેલા 388 કેસોમાંથી 275 કેસ માત્ર અમદાવાદ જિલ્લામાં જ નોંધાયા છે. ગુજરાતમાં કોવિડના કારણે કુલ 425 વ્યક્તિના મોત નીજપ્યાં છે. કોવિડ અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલ મળી રહે અને લક્ષણનો ન દેખાતા હોય તેવા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ક્વૉરેન્ટાઇન સુવિધા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 800 બેડ સાથેની 8 ખાનગી હોસ્પિટલ અને 3000ની ક્ષમતા ધરાવતી 60 હોટેલ લીધી છે.

· રાજસ્થાન: રાજસ્થાનમાં કોરોના વાયરસના વધુ 26 કેસ નોંધાતા રાજ્યમાં કોવિડ-19ના કુસ કેસોની સંખ્યા 3453 થઇ હોવાનું આજે રાજ્ય આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 97 દર્દીના મરણ નીપજ્યાં છે જ્યારે 1596 દર્દી આ વાયરલ ઇન્ફેક્શનમાંથી સાજા થયા છે.

· મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને 3252 થઇ છે જ્યારે 1231 દર્દી અત્યાર સુધીમાં સાજા થયા છે. રાજ્યમાં કુલ 193 દર્દી આ બીમારીથી મૃત્યુ પામ્યા છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર ભોપાલ અને ઉજ્જૈન સૌથી વધુ અસરગ્રસ્ત શહેરો છે.