આજકાલ મોટા ભાગના યુવાઓનું સપનું હોય છે કે તેઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને એક પાવરફૂલ જોબ મેળવે અને દેશની સેવા કરવાનો તેમને મોકો મળે, જેમાં હવે ગુજરાતના ઉમેદવારો પણ બાજી મારી રહ્યાં છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી-2019) નું ફાઈનલ પરિણામ આવી ગયું છે અને તેમાં ગુજરાતનાં 18 ઉમેદવારો સફળ થયા છે, જેમાં સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 94 અને ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, તેને આ સફળતાનો શ્રેય પરિવારને અને ભગવાનને આપતાં જણાવ્યું કે, યુપીએસસીની પરીક્ષામાં ધીરજ ખૂબ મહત્વની છે, આ મારો બીજો પ્રયત્ન હતો જેમાં મને આ સફળતા મળી છે, મુંબઈ આઈઆઈટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનાં ચોથા વર્ષમાં એટલે કે 2016માં મને યુપીએસસી અંગે વિચાર આવ્યો હતો અને ત્યારથી તૈયારી શરૂ કરી હતી જેમાં હાર્ડવર્કને બદલે સ્માર્ટ વર્કથી પરીક્ષા પાસ કરી છે.
કાર્તિકે જણાવ્યું કે, હું ફૂલ ટાઈમ યુપીએસસીની તૈયારી કરતો હતો, મોટા ભાગે લોકો હાર્ડવર્ક પસંદ કરતાં હોય છે, રોજની 15થી 18 કલાક તૈયારી કરતા હોય છે, જેની સામે મેં સ્માર્ટ વર્કથી રોજના 8 કલાક જેટલી તૈયારી કરી હતી, બધુ વાંચવાની જગ્યાએ મેં એ નક્કી કર્યું હતું કે જે જરૂરી છે એટલું જ વાંચન કરવું, અને મે રિવિજન પર વધુ ફોકસ કર્યું હતું, કંટાળો આવે ત્યારે કોમેડી મુવી જોઈ લેતો હતો સાથે સારી ફેક્લટીના વીડિયો મોબાઈલમાં જોઈને તૈયારી કરતો હતો, મે 8મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો હતો, અને યુપીએસસીના ઇન્ટરવ્યું માટે દિલ્હીમાં ક્લાસીસ જોઇન કર્યા હતા.
ભાવનગર જિલ્લાનાં ગારીયાધારના વતની નાગજીભાઈ જીવાણીના પુત્ર કાર્તિકનો જન્મ 29 સપ્ટેમ્બર 1994માં સુરતમાં થયો હતો, બે બહેનોથી નાના કાર્તિકે સુરતમાં 8 ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરીને બાદમાં ઈંગ્લિશ મીડિયમની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, 12 સાયન્સમાં સારા માર્કસ સાથે પાસ થઈને કાર્તિકે જેઈઈની પરીક્ષા પાસ કરીને મુંબઈ આઈઆઈટીમાંથી મિકેનિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો.