હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા નહીં આપો તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ધમકી સામે મોદી ઝૂકી ગયા કેમ ?

ટ્રમ્પની ધમકી અને ભારતના સાર્વભૌમત્વનું સત્યાનાશ
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને એવી ધમકી આપવામાં આવી કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન નામની દવાની નિકાસ પર ભારત સરકારે જે પ્રતિબંધ મૂક્યો છે તે જો ભારત નહિ ઉઠાવી લે અને અમેરિકાને એ દવાની ભારતમાંથી આયાત નહિ કરવા દે તો અમેરિકા ભારત સામે “બદલો” લેશે. “બદલો લેવો” એટલે સામેની વ્યક્તિ કે સંસ્થા કે દેશને નુકસાન થાય તેવું પગલું ભરવું. દેખીતી રીતે જ આ ધમકી કહેવાય અને એને વશ થઈએ તો એ ભારતના સાર્વભૌમત્વનો ભંગ થયો કહેવાય. કેવી રીતે?:

(૧) ભારતના બંધારણના આમુખમાં ભારત એક સાર્વભૌમ(sovereign) દેશ હશે એમ કહેવામાં આવ્યું છે. સાર્વભૌમત્વ(sovereignty) બે પ્રકારનું હોય: આંતરિક(internal) અને બાહ્ય(external). બાહ્ય સાર્વભૌમત્વ એટલે ભારત કોઈ વિદેશી સરકાર, કંપની, સંસ્થા કે વ્યક્તિનું કહ્યું નહિ કરે એટલે કે તેમના આદેશો નહિ માને, સિવાય કે તે ભારતને પોતાને અનુકૂળ હોય અને લાભદાયી હોય.
(૨) આવી ધમકી કોઈ એક દેશના વડાએ બીજા દેશને કોઈ દવાની બાબતમાં આપી હોવાનું જાણમાં નથી. આવી ધમકી આપવાનું કોઈ સંસ્કારી પુરુષને ના જ શોભે. પરંતુ આ ધમકીને વશ થઇને આપણે વર્તીએ તો આપણે આપણું સાર્વભૌમત્વ ગુમાવ્યું જ કહેવાય.
(૩) ભારત સરકારે કોરોના વાયરસના ઈલાજ માટે આ દવાની વધુ જરૂર પડી શકે છે એવી ધારણાને લીધે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકાની હાલત ખરાબ છે આ મહામારીમાં, એટલે ટ્રમ્પ દ્વારા ધમકી આવી કારણ કે તેમને એ દવા જોઈએ છે. પણ આપણે એ નજીકના ભવિષ્યમાં વધારે પ્રમાણમાં જોઈશે તો? એટલે તો ભારત સરકારે તેની નિકાસ પર તત્કાળ પ્રતિબંધ મૂકેલો. હવે ટ્રમ્પનું કહ્યું આપણા પોતાના હિતને જોખમમાં મૂકીને કે ના મૂકીને માનીએ તો એ ભારતના બાહ્ય સાર્વભૌમત્વનો સરેઆમ ભંગ જ કહેવાય.
(૪) બંધારણની કલમ-૧૯(૨)માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા દેશના સાર્વભૌમત્વને હાનિ પહોંચે તે રીતે કોઈ નાગરિક દ્વારા ના ભોગવી શકાય એમ લખવામાં આવ્યું છે. હવે શું ભારત સરકાર પોતે જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ધમકીને વશ થાય તો ભારત સરકારે પોતે જ દેશના સાર્વભૌમત્વને હાનિ પહોંચાડી એમ ના કહેવાય?
(૫) બંધારણની કલમ-૫૧એ(સી)માં એમ લખવામાં આવ્યું છે કે ભારતના દરેક નાગરિકની એ ફરજ રહેશે કે તે ભારતના સાર્વભૌમત્વને માને અને તેનું રક્ષણ કરે. હવે જો દરેક નાગરિકની ફરજ હોય તો દેશની સરકારની કોઈ ફરજ ખરી કે નહિ?
(૬) ૧૯૪૫માં સ્થપાયેલા સંયુક્ત રાષ્ટ્રો(UN)ના ખતપત્રમાં કલમ-૨(૧)માં લખવામાં આવ્યું છે કે આ સંગઠન તેના તમામ સભ્ય દેશોની સાર્વભૌમ સમાનતા (sovereign equality) પર આધારિત છે. હવે અમેરિકા ભારતને ધમકી આપે તો આ સાર્વભૌમત્વમાં સમાનતા ક્યાં રહી?
(૭) અમેરિકા કોરોના મહામારીને લીધે મુસીબતમાં છે અને તેને ભારતે મદદ કરવી જ જોઈએ. *’સર્વે સુખિન: સન્તુ’* અને *’વસુધૈવ કુટુમ્બકમ’* એ તો આપણી ભવ્ય હિંદુ સંસ્કૃતિ છે. પણ 138 કરોડ ભારતીય *ભાઈઓ, બહેનો અને મિત્રો* ના સ્વમાન અને સાર્વભૌમત્વને ભોગે આ મહાન સંસ્કૃતિનું રક્ષણ થાય કેવી રીતે?