વિશ્મય શાહે સર્વોચ્ચ અદાલતમાં જામીન માંગ્યા

Vismaya Shah sought bail in the Supreme Court

શહેરના બહુ ચર્ચિત BMW હિટ એન્ડ રન કેસના દોષિત વિસ્મય શાહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી જામીન માગ્યા છે. આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ગત ફેબ્રુઆરીમાં સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની જેલની સજા યથાવત રાખી હતી. આમ વિસ્મય શાહે આ 5 વર્ષની સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ પહેલા સેશન્સ કોર્ટે વિસ્મયને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેની સામે વિસ્મયે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જોકે, હાઈકોર્ટે પણ તેને કોઈ રાહત ન આપી પાંચ વર્ષની સજા યથાવત રાખી આત્મસમર્પણ કરવા આદેશ કર્યો હતો. જેની સામે હવે વિસ્મયે સુપ્રીમમાં અપીલ કરી જામીન પણ માગ્યા છે. વિસ્મયની અરજી પર સુપ્રીમમાં આવતા સપ્તાહથી સુનાવણી શરુ થાય તેવી શક્યતા છે.

વિસ્મયે રાહુલ પટેલ અને શિવમ દવે નામના બે યુવકોને પોતાની BMW કારથી ટક્કર મારી હતી. 2015માં નીચલી કોર્ટે વિસ્મયને દોષિત ઠેરવીને પાંચ વર્ષની જેલની સજા કરી હતી. આ કેસમાં પક્ષકાર બનેલા રાહુલ પટેલના પિતાએ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરીને કહ્યું હતું કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી હવે તેઓ કેસ આગળ ચલાવવા નથી ઈચ્છતા.જો કે રાજ્ય સરકારે આ સમાધાનનો વિરોધ કરી આ કેસ ગંભીર હોવાથી વિસ્મયને સજા કરવા દલીલ કરી હતી. સરકારે એમ પણ જણાવ્યું હતું કે વિસ્મયને મુક્ત ન કરી શકાય, જો તેમ કરાયું તો સમાજમાં ખોટો દાખલો બેસશે.

હિટ એન્ડ રનના કેસમાં દોષિત એવા વિસ્મય શાહ સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં હિટ એન્ડ રનની એફઆઈઆર નોંધાઈ હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. હાઈકોર્ટમાં સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ચિક્કાર દારૂ પીને વિસ્મય રિક્ષાને ટક્કર મારીને નાસી જવા જતાં પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. આરોપી વિસ્મય સાબરમતી જેલમાં મોબાઇલ સાથે ઝડપાયો હતો. આ ગુના બદલ જેલ ઓથોરિટીએ આઇપીસી તથા જેલ મેન્યૂઅલ પ્રમાણે એકાંત વાસમાં રહેવાની સજા ફટકારી હતી. તેમજ 2018ની 31 ડિસેમ્બરે પણ વિસ્મય બાલાજી કુટિરમાં દારૂની તેના મિત્રો સાથે દારૂની મહેફીલ માણતા ઝડપાયો હતો. આ કેસમાં કોર્ટે અમદાવાદ ન છોડવાની શરતે જામીન આપ્યા હતા.