દેશમા આજે સતત 9મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 48 પૈસા વધીને 76.26 પ્રતિ લીટર થયો છે તો ડીઝલમાં 59 પૈસા વધતા ભાવ રૂ. 74.62 થયો છે. તો બીજી તરફ ક્રૂડનો ભાવ 8 ટકા ઘટીને 38.73 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આખરે એવી શું છે કે ક્રૂડ સસ્તુ હોવા છતા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂ. અને ડીઝલમાં રૂ. 5.26નો વધારો થયો છે.
નિષ્ણાંતોનું કહેવુ છે કે આની પાછળ હાલના દિવસોમાં ક્રૂડ પર કેન્દ્ર દ્વારા વધારવામાં આવેલ એકસાઈઝ ડયુટી અને રાજ્યો દ્વારા વેટમાં કરવામાં આવેલ વધારો છે. ક્રૂડનો ભાવ 70 ટકા સુધી ઘટી જતા એકસાઈઝ 10 રૂ. વધારવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર તરફથી પેટ્રોલ અને ડીઝલ પર લગાવાતા ટેકસને જોઈએ તો પેટ્રોલ પર રૂ. 49.42 અને ડીઝલ પર 48.09 રૂ. નો ટેકસ લાગે છે.
દેશમાં પેટ્રોલનું આધાર મૂલ્ય 17.96 રૂ. છે અને ડીઝલનું 18.49 રૂ. છે. પેટ્રોલમાં 17.96 રૂ. બેઝ પ્રાઈઝ છે તેમાં ભાડા તથા અન્ય ખર્ચના 32 પૈસા, ડીલરનો રેટ 18.28 પૈસા, એકસાઈઝ ડયુટી 32.98, ડીલરનું કમિશન 3.56, વેટ 16.44 અને પ્રજાને મળે છે 71.26માં. જ્યારે ડીઝલમાં બેઈઝ પ્રાઈઝ 18.49 છે તેમાં ભાડા અને અન્ય ખર્ચના 29 પૈસા, ડીલરનો રેટ 18.78, એકસાઈઝ ડયુટી 31.83, ડીલરનું કમિશન 2.52, વેટ 16.26 અને પ્રજાને મળે છે 69.39માં ડીઝલ.
આ ગણતરી 1લી જુનના રોજ દિલ્હીમાં રહેલા રેટ પર આધારીત છે. તે પછી ભાવ સતત વધ્યા છે. જો ક્રૂડ પર લાગતા ટેકસ અને વેટને જોવામા આવે તો ભારતમાં તે 69 ટકા લાગે છે. આ જ અમેરિકામાં 19 ટકા, જાપાનમાં 47 ટકા, બ્રિટનમાં 62 ટકા, ફ્રાન્સમાં 63 ટકા અને જર્મનીમાં 65 ટકા ટેકસ અને વેટ લાગે છે.