રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં ચાલતાં કૌભાંડને પગલે સામાજિક કાર્યકરે સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર ચાલે છે. જ્યારે મીડિયાકર્મીઓ પૂરવઠા અધિકારીને સવાલ પુછવા પહોંચ્યો તો તેઓ બરાબરનાં ભડક્યા હતા. અને મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણુક કરતાં કહ્યું હતું કે, સવાલ પુછવા હોય તો ચેમ્બર બહાર નીકળી જાઓ. સામાજિક કાર્યકર મહેશ બુધવાણીએ પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચારનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. બુધવાણીએ જણાવ્યું કે, સસ્તા અનાજના દુકાનધારકો પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. લાયસન્સ કાઢી આપવાના નામે પુરવાઠા વિભાગ દ્વારા રૂપિયા પડાવાય છે. આ મામલે મીડિયાકર્મીઓ દ્વારા પુરવઠા વિભાગના અધિકારી પૂજા બાવડાની પ્રતિક્રિયા લેવા માટે ગયા હતા.
પણ પુરવઠા અધિકારી પૂજા બાવડાએ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણુક કરી હતી. અને મીડિયાકર્મીઓને જણાવી દીધું હતું કે, સવાલ કરવા હોય તો ચેમ્બરની બહાર નીકળી જાઓ. પૂરવઠા અધિકારીએ મીડિયા કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગેરવર્તન કરતા લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાથે લોકોમાં એવી પણ ચર્ચા ઉઠી રહી છે કે પૂરવઠા વિભાગ તપાસનાં નામે નાટક ચલાવી રહ્યું છે.
સસ્તા અનાજની દુકાનમાં કાળા કારોબારનું રાજ્ય વ્યાપી કૌભાંડ સામે આવ્યું છે. સાયબર ક્રાઈમના રિપોર્ટ બાદ રાજકોટમાં કલેકટર તંત્ર હરકતમાં આવ્યું હતું. રાજકોટની વધુ 4 દુકાનોમાં પુરવઠા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફિંગર ઈમ્પ્રેશન લીધા વગર જ અનાજ વેંચવાની વિગતો સામે આવી હતી. કલેક્ટરે વધુ 4 દુકાનોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યાં છે. કલેક્ટર અને પુરવઠા વિભાગની તપાસથી ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
11 હજારો ટન અનાજ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચવાને બદલે બારોબાર વેપારીઓ સુધી પહોંચી જાય છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે, સરકારી સસ્તા અનાજની દુકાનોને નામે ચાલતા કૌભાંડએ સરકારની મીઠી રહેમ નજરો હેઠળ ઉછરતો છૂપો ભ્રષ્ટાચાર છે.
ફિંગર લીધા વગર બરોબર અનાજ વેચાયુ હોવાનું તપાસ માં બહાર આવ્યું છે. 4 દુકાનોના લાઇસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલાં બજરંગવાડીમાંથી કૌભાંડ ઝડપાયું હતું.
નોધનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી આ સસ્તા અનાજની દુકાનોમાં વ્યાપેલો ભ્રસ્તાચારનો વેપલો અત્યાર સુધી કેટલાય ગરીબ લોકોના ભાગનું અનાજ ચાઉં કરી ગયો છે. તે એક મોટો પ્રશ્ન છે. જો તેની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો શક્ય છે કે બહુ મોટા આંકડા સામે આવી શકે છે. જ્યાં સમાજનો એક વર્ગ છે કે જે ભૂખ્યા અને તરસ્યા લોકો માટે પાણી અને ભોજન ની વ્યવસ્થા કરવામાં જોડાય છે. તો બીજો વર્ગ એવો પણ છે કે જે તેમના હક્કનું તેમની થાળીમાંથી જ ઝુંટવી અને પોતાના એશ અને આરામ ની વ્યવસ્થા કરી રહ્યું છે.