દેશના રાજકીય તખ્તા પર લાંબા સમયથી અમિત શાહની ગેરહાજરી અને તેમની તબિયત ચર્ચાનો મુદ્દો બનતી જાય છે. શાહ છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ગાયબ છે. કોરોનાનો ચેપ લાગતાં ગુરૂગ્રામની ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી શાહ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. 17 ઓગસ્ટે તબિયત બગડતાં તેમને ફરી એઈમ્સમાં દાખલ કરાયા.
શાહની તબિયત સારી હોવાનું એઈમ્સ દ્વારા વારંવાર કહેવાયું છે. છેલ્લા એક અઠવાડિયામાં શાહના બે વાર કોરોના રીપોર્ટ કરાયા ને બંને વાર રીપોર્ટ નેગેટિવ આવ્યા એવા પણ અહેવાલ છે. શાહ એ રીતે સ્વસ્થ હોવા છતાં કેમ હજુ હોસ્પિટલમાં છે એ સવાલ પૂછાઈ રહ્યો છે.
સૂત્રોના મતે, એઈમ્સના ડોક્ટરોએ શાહને હમણાં સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે કે જેથી તબિયત ના બગડે. કોરોનાની સારવાર વખતે પણ ડોક્ટરોએ શાહને સંપૂર્ણ આરામ કરવા કહેલું પણ શાહે એ સલાહને ગણકારી નહોતી. તેના કારણે ચાર દિવસમાં જ ફરી હોસ્પિટલમાં દાખલ થવું પડયું તેથી શાહ આ વખતે ડોક્ટરોની સલાહનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે.