ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરનું કાર્ટુન બતાવવા મુદ્દે એક સ્કૂલ શિક્ષકનું ગળું કાપી હત્યા કરી દેવાઈ અને ત્યાર પછી કાર્ટૂન બતાવનારા શિક્ષકનો બચાવ કરનારા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં વિરૂદ્ઘ દુનિયાના મુસ્લિમ દેશોમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જોકે, આ વિવાદ વચ્ચે ચીનમાં સરકારી ચેનલ પર મોહમ્મદ પયગંબરની તસવીર દર્શાવાઈ હતી. પરંતુ આ મુદ્દે પાકિસ્તાન સહિત સમગ્ર મુસ્લિમ દેશોએ ચૂપકિદી સેવી રાખી છે. મુસ્લિમ દેશો ચીનમાં ઉઈગુર મુસ્લિમો પર થતા અત્યાચાર મુદ્દે પણ મૌન છે.
ચીનની સરકાર દ્વારા સંચાલિત ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝન (સીસીટીવી)એ તાજેતરમાં મોહમ્મદ પયગંબરનું એક કેરિકેચર પ્રસારિત કર્યું હતું. ઉઈગુર કાર્યકર અર્સલાન હિદાયતે ચીનની ટીવી શ્રેણીની આ કિલપ ટ્વીટ કરી હતી. આ કિલપમાં તાંગ રાજવંશના દરબારમાં એક આરબ રાજદૂતને દર્શાવાયો છે. આરબ રાજદૂત ચીનના સમ્રાટને મોહમ્મદ પયગંબરની તસવીર સોંપતો જોવા મળે છે. ચીનમાં ટીવી પર ખુલ્લેઆમ આ રીતે મોહમ્મદ પયગંબરનું કેરીકેચર દર્શાવવા અંગે લોકોને ભારે આશ્યર્ય થયું છે. મોહમ્મદ પયગંબરનું કેરિકેચર આ રીતે દર્શાવવાને પગલે સોશિયલ મીડિયા પર અનેક યુઝરે સવાલો કર્યા છે.
તેમનું કહેવું છે કે ટીવી શોમાં મોહમ્મદ પયગંબરને દર્શાવવા એ શું ઈશનિંદા નથી? કેટલાક યુઝર્સે સવાલ કર્યો છે કે ઝિનજિયાંગમાં ઉઈગુર મુસ્લિમો પર ચીનમાં થતા અત્યાચાર વચ્ચે આ રીતે ટીવી શો પર મોહમ્મદ પયગંબરને દર્શાવ્યા પછી પણ શું દુનિયાના મુસ્લિમ દેશો ચીનના સામાનનો બહિષ્કાર કરશે? કેટલાક યુઝર્સે સવાલ કર્યો છે કે ફ્રાન્સમાં કાર્ટૂન વિવાદ અંગે પાકિસ્તાન અને તુર્કી સહિત અનેક મુસ્લિમ દેશોએ પ્રમુખ ઈમેન્યુઅલ મૈંક્રો પર ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકયો હ તો. જોકે, હવે ચીનના મુદ્દે આ દેશોએ ચૂપકિદી જાળવી રાખી છે. દરમિયાન ભારત આતંકવાદનો સામનો કરવા મુદ્દે ફ્રાન્સ સાથે મજબૂતીથી ઊભું રહ્યું છે.
યુરોપમાં વધતા ઈસ્લામિક કટ્ટરપંથ અંગે ભારતના વિદેશ સચિવ હર્ષ વી. શ્રૂંગલાએ તેમના જર્મન સમકક્ષ સાથે ચર્ચા પણ કરી હતી. અહેવાલો મુજબ ભારતના વિદેશ સચિવે જર્મનીમાં કહ્યું કે ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલા લોકતાંત્રિક મૂલ્યો અને અભિવ્યકિતની આઝાદી બંને માટે જોખમી છે. ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલા અમારી એ વાતને સાબિત કરે છે કે આતંકની કોઈ સરહદો નથી. દુર્ભાગ્યવશ આતંકીઓ તેમના આશયમાં એક થઈ ગયા છે, પરંતુ આપણે પીડિતોએ એકત્ર થવાનું બાકી છે. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે કેટલાક દેશ આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિ મેળવવા તેઓ પોતે જ આતંકથી પીડિત હોવાનો દાવો કરી રહ્યા છે.