અમરેલાના સણોસરા ખાતે કેન્દ્રવર્તી કક્ષાનો પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું હતું, જેમાં કુલ ૧૨ થી ૧૩ સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં નાકરાણી યુગ સંજયભાઈ ધો-૮ માં પ્રથમ નંબરે આવેલ છે. આવતા દિવસોમાં તે સિહોર બ્લોક કક્ષાએ જશે. તેણે ગાંધીજીના પુસ્તકનું વિવરણ કર્યું હતું.
વાંચનથી જ લેખકો પેદા થતાં હોય છે. ગુજરાતમાં પુસ્તકોને એવોર્ડ આપતી અનેક સંસ્થાઓ છે. જે આવા યુવાનોને પ્રોત્સાહન આપે છે.
૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે કેટલાક અંગ્રેજ અમલદારોએ ભેગા મળીને અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયાટી’(આજની ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના કરી. એ અંગેની પહેલ કરી હતી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે. પોતે કરવાનાં જે કામો સોસાયટીએ ઠરાવ્યાં હતાં તેમાંનું એક કામ ‘નિબંધો’ માટે ઇનામી હરીફાઈ યોજીને તેમાંનાં યોગ્ય લખાણોને પુસ્તક રૂપે પ્રગટ કરવાનું કામ પણ હતું. મુંબઈમાં કેપ્ટન જર્વિસની આગેવાની હેઠળ ‘નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલબુક્સ સોસાયટી’ આવી હરીફાઈઓ યોજતી હતી.
ગુજરાતમાં પુસ્તકો અંગેના 300 જેટલાં પુરસ્કાર-એવોર્ડ આપવામાં આવે છે તે અહીં આપવામાં આવ્યા છે.
ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રથમ પુસ્તક માટેનાં પારિતોષિકો નીચે મુજબ છે.
૧. શ્રી તખ્તસિંહ પરમાર પારિતોષિક :
આ પારિતોષિક લેખકના પ્રથમ સર્જનાત્મક પુસ્તક(કવિતા, નાટક, નવલકથા સ્વરૂપના)ને આપવામાં આવે છે.
૨. શ્રી દિનકર શાહ ‘કવિ જય’ પારિતોષિક :
આ પારિતોષિક કવિના પ્રથમ કાવ્યસંગ્રહને આપવામાં આવે છે.
૩. શ્રી ધનરાજ કોઠારી પારિતોષિક :
આ પારિતોષિક લેખકના પ્રથમ સર્જનાત્મક પુસ્તકને આપવામાં આવે છે.
* નિયમિત સાહિત્યિક પુરસ્કાર :
પ્રથમ પુસ્તકને પુરસ્કાર મળે તો ઠીક, બાકી અહીંથી પુરસ્કારોની યાદી અટકી જતી નથી. ક્યારેક પ્રથમ પુસ્તક પુરસ્કૃત ન થયું હોય એવાં સાહિત્યકારો પણ આગળ જતાં સાહિત્યવિશ્વમાં વિવિધ માન-અકરામ કે પુરસ્કારોથી પોંખાયા છે જ, માટે ‘શો મસ્ટ ગો ઑન’ એમ સાહિત્યિક યાત્રા આગળ ધપાવવી જોઈએ. અહીં પ્રથમ સિવાયનાં પુસ્તકો પૈકી વિવિધ સંસ્થાઓ તરફથી મળતાં પુરસ્કારો તેમ જ વિશિષ્ટ પુરસ્કારો વિશે માહિતી મેળવીશું.
* ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર :
૧૯૬૫થી ભારતીય ભાષાઓમાં સત્ત્વશીલ સર્જનને ધ્યાને લઈને કોઈ એક ભાષાના સર્જકને આપવામાં આવતો ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ એ સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧૧,૦૦,૦૦૦ રૂપિયાનો ચેક અને સરસ્વતીદેવીની કાંસ્ય પ્રતિમા તેમ જ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવે છે.
* કેન્દ્રીય સાહિત્ય અકાદમીનાં પારિતોષિક :
મિનિસ્ટ્રી ઑફ કલ્ચર અંતર્ગત દિલ્હી સ્થિત કેન્દ્રીય સાહિત્ય અકાદમી ૨૪ ભારતીય ભાષાઓમાં વિવિધ પુરસ્કારો આપે છે, જે નીચે મુજબ છે. આ માટે પહેલાં ગ્રાઉન્ડ લિસ્ટ બને છે, ત્યાર બાદ નિર્ધારિત ત્રિ-સ્તરીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પુરસ્કાર માટેની ઘોષણા થાય છે. આ ત્રિ-સ્તરીય પ્રક્રિયામાં પ્રિલિમનરી લિસ્ટ બન્યા બાદ સલાહકાર સમિતિ જે એ જ નામ કાયમ રાખીને અથવા તો ઉમેરીને નવું લિસ્ટ બનાવે છે, જેમાંથી અંતિમ લિસ્ટ જ્યુરી પાસે મોકલવામાં આવે છે અને ભારતીય સર્જકની પસંદગી કરવામાં આવે છે. સાહિત્ય અકાદમીનાં પુરસ્કારો માટે સંપાદન તેમ જ પદવી માટે લખાયેલ શોધનિબંધ માન્ય ગણવામાં નથી આવતા.
૧. સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર :
યુવા સાહિત્યકારની ૩૫ વર્ષની વયમર્યાદાને ધ્યાને લઈ તેનાં પ્રથમ અથવા તો તેની કૃતિમાંની કોઈ એક કૃતિને ૨૦૧૧થી યુવા પુરસ્કાર આપવામાં આવે છે. આ માટે યુવા સાહિત્યકારની વય જે તે ઍવોર્ડ વર્ષની ૧ જાન્યુઆરીએ નિયત કરવામાં આવે છે. પ્રતિ વર્ષ ૧૬ ઑગસ્ટ સુધીમાં જન્મતારીખના પ્રમાણિત આધાર સાથે યુવા સાહિત્યકારે પુસ્તક મોકલવાનું રહે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે. યુવા પુરસ્કાર મરણોત્તર નથી આપવામાં આવતો.
૨. સાહિત્ય અકાદમી બાલસાહિત્ય પુરસ્કાર :
બાળસાહિત્યકારને બાળ સાહિત્યના કોઈ પુસ્તક અથવા તો તેના સમગ્ર સર્જનને ધ્યાને લઈ ૨૦૧૦થી આ પુરસ્કાર આપવામાં આવે છે. આ માટે જે વર્ષનો એવોર્ડ હોય તે વર્ષ પહેલાના પાંચ વર્ષમાં પુસ્તક પ્રકાશિત થયું હોવું જરૂરી છે. જેમ કે વર્ષ ૨૦૧૭નો ઍવોર્ડ હોય તો પુસ્તક ૨૦૧૦થી ૨૦૧૫માં પ્રકાશિત થયું હોવું જોઈએ. આ પુરસ્કાર અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે. બાલસાહિત્ય પુરસ્કાર મરણોત્તર પણ આપવામાં આવે છે.
૩. સાહિત્ય અકાદમી પુરસ્કાર :
મૂર્ધન્ય સાહિત્યકારને તેના શ્રેષ્ઠ સર્જનાત્મક પુસ્તકને અથવા તો સમગ્ર સર્જનને ધ્યાને લઈ ૧૯૫૫થી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવે છે. એ નોંધનીય છે કે જે કૃતિ અકાદમીના અન્ય પુરસ્કારથી પુરસ્કૃત થઈ હોય તે આ પુરસ્કાર માટે ધ્યાનમાં લેવામાં આવતી નથી. જે વર્ષનો ઍવોર્ડ હોય તે વર્ષ પહેલાના ત્રણ વર્ષમાં પુસ્તક પ્રકાશિત થયું હોવું જરૂરી છે. જેમ કે વર્ષ ૨૦૧૭નો ઍવોર્ડ હોય તો પુસ્તક ૨૦૧૩થી ૨૦૧૫માં પ્રકાશિત થયું હોવું જોઈએ. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર મરણોત્તર પણ આપવામાં આવે છે, પરંતુ તેના માટે જે વર્ષનો પુરસ્કાર હોય તે પછીના ગત પાંચ વર્ષમાં મૃત્યુ પામેલા સાહિત્યકારને જ તે મળી શકે છે. સાહિત્ય અકાદમી ભાષા સમ્માન તેમ જ અકાદમીના ફેલો હોય તેવાં સર્જકોને આ પુરસ્કાર આપવામાં નથી આવતો.
૪. સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર :
ભારતીય ભાષાઓમાંથી સંલગ્ન ભાષામાં અનુવાદકનેે તેના શ્રેષ્ઠ અનુવાદ માટે ૧૯૮૯થી આ પુરસ્કાર આપવામાં આવે છે. અનુવાદક તેમ જ મૂળ લેખકની રાષ્ટ્રીયતા ભારતીય હોય તે શરતની પૂર્તિ આ પુરસ્કાર માટે અનિવાર્ય છે. જે વર્ષનો એવોર્ડ હોય તે વર્ષ પહેલાના પાંચ વર્ષમાં પુસ્તક પ્રકાશિત થયું હોવું જરૂરી છે. જેમ કે વર્ષ ૨૦૧૭નો ઍવોર્ડ હોય તો પુસ્તક ૨૦૧૧થી ૨૦૧૫માં પ્રકાશિત થયું હોવું જોઈએ. આ પુરસ્કાર અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોત્તર પણ આપવામાં આવે છે. વધુમાં, જો કોઈ કૃતિના બે અનુવાદક હોય તો પણ જે-તે પુસ્તક માટે બંને અનુવાદકની પસંદગી કરી શકાય છે. આમ થયું હોય ત્યારે પુરસ્કારની રકમ બંને અનુવાદક વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે છે.
૫. સાહિત્ય અકાદમી ભાષા સમ્માન :
પૂર્વ અને પશ્ચિમ એમ બે ક્ષેત્રોમાંથી ક્લાસિક તેમ જ મધ્યકાલીન સાહિત્યના બે અભ્યાસુ કે વિદ્વાન સર્જકોને ૧૯૯૯થી આ પુરસ્કાર આપવામાં આવે છે. આ માટે સર્જકનું જે-તે ભાષામાં પ્રશિષ્ટ અને મધ્યકાળની કૃતિઓનું વિવેચન, આસ્વાદ કે સંશોધન વિષયક પ્રદાનને ધ્યાને લેવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે.
* ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક :
ગુજરાત સરકાર દ્વારા ૧૯૮૨માં સ્થપાયેલી ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ગાંધીનગરમાં છે. આ સંસ્થા મુખ્યત્વે ૧. ગુજરાતી ભાષાનાં વિવિધ વિષયનાં ઉત્તમ પુસ્તકોના સર્જકોને રોકડ રકમના ઍવોર્ડની યોજના ૨. ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, કલા, ભાષા-સાહિત્ય (નવલકથા, નવલિકા, નાટક, વગેરે), બાળસાહિત્ય વગેરે વિષય-ક્ષેત્રોની – કૃતિઓના પ્રકાશન માટે સહાયક અનુદાની યોજના ૩. અંગ્રેજી, હિંદી, સિંધી તથા ઉર્દૂ ભાષા સિવાયની અન્ય અર્વાચીન ભાષાઓમાં અનુવાદ કૃતિઓના પ્રકાશન માટે સહાયક અનુદાનની યોજના તેમ જ અન્ય યોજનાઓ ચલાવે છે. ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક નીચે મુજબ છે.
૧. સર્વશ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક :
ગુજરાત સાહિત્ય અકાદમીની શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષિક આપવાની યોજનામાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી ભાષાનાં વિવિધ સાહિત્ય સ્વરૂપોનાં તથા બાળસાહિત્યનાં પુસ્તકોને પારિતોષિક આપવામાં આવે છે, જેમાં પ્રૌઢ વિભાગ અંતર્ગત ૧. નવલકથા ૨. ટૂંકી વાર્તા ૩. એકાંકી-નાટક ૪. હાસ્ય-વ્યંગ-કટાક્ષ ૫. નિબંધ-પ્રવાસ ૬. કવિતા ૭. વિવેચન ૮. સંશોધન-ભાષા-વ્યાકરણ ૯. આત્મકથા-રેખાચિત્ર-પત્ર-જીવનચરિત્ર-સત્યકથા (સંયુક્ત) ૧૦. લોકસાહિત્ય ૧૧. અનુવાદ એમ ૧૧ વિભાગો અંતર્ગત પ્રથમ ઇનામ રૂપિયા ૧૧,૦૦૦, દ્વિતીય ઇનામ રૂપિયા ૭,૦૦૦ અને તૃતીય ઇનામ રૂપિયા ૫,૦૦૦ એનાયત કરવામાં આવે છે.
બાળવિભાગ અંતર્ગત ૧. કાવ્ય ૨. વાર્તા ૩. નાટક ૪. ચરિત્રાદિ એમ ૪ વિભાગો અંતર્ગત પ્રથમ ઇનામ રૂપિયા ૧૧,૦૦૦, દ્વિતીય ઇનામ રૂપિયા ૭,૦૦૦ અને તૃતીય ઇનામ રૂપિયા ૫,૦૦૦ એનાયત કરવામાં આવે છે.
ઉપર્યુક્ત બંને વિભાગો અંતર્ગત પુસ્તક જે કેલેન્ડર વર્ષમાં પુસ્તક પ્રકાશિત થયું હોય ત્યાર બાદના વર્ષની ૩૧ માર્ચ પહેલાં અકાદમીને મોકલવાનું રહે છે. જેમ કે, વર્ષ ૨૦૧૬ના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક માટે ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ દરમિયાન પુસ્તક પ્રકાશિત થયું હોય તે જરૂરી છે. વધુમાં આ પુસ્તકને ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધી અકાદમી ખાતે બે નકલમાં જે તે સ્વરૂપની નોંધ, લેખક-તસવીર અને બાયોડેટા સાથે મોકલવાનું રહે છે.
૨. યુવા ગૌરવ પુરસ્કાર :
ગુજરાત સાહિત્ય અકાદમી યુવા સાહિત્યકારની ૩૫ વર્ષની વયમર્યાદાને ધ્યાને લઈ તેનાં પ્રથમ અથવા તો તેની કૃતિમાંની કોઈ એક કૃતિને અથવા તો તેના સમગ્ર સર્જનને ધ્યાને લઈને ૨૦૦૭થી યુવા ગૌરવ પુરસ્કાર આપે છે. આ માટે યુવા સાહિત્યકારની વય લઘુત્તમ ૧૮ વર્ષ અને મહત્તમ ૩૫ વર્ષ ગણવામાં આવે છે. આ વય જે તે ઍવોર્ડવર્ષની ૩૧ માર્ચના રોજ ગણવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે.
૩. સાહિત્ય ગૌરવ પુરસ્કાર :
મૂર્ધન્ય સાહિત્યકારને તેના સમગ્ર સર્જનને ધ્યાને લઈ સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ આપવામાં આવે છે.
૪. શ્રી ક.મા. મુનશી સુવર્ણચંદ્રક :
મૂર્ધન્ય નવલકથાકારને દર બે વર્ષ આ પુરસ્કાર આપવામાં આવે છે.
૫. સાહિત્યરત્ન પુરસ્કાર :
મૂર્ધન્ય સાહિત્યકારને તેના સમગ્ર સર્જનને ધ્યાને લઈ સાહિત્યરત્ન પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૫૧,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે.
૬. મલયાનિલ વાર્તા પારિતોષિક :
મૂર્ધન્ય વાર્તાકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.
૭. ગોવર્ધનરામ નવલ પારિતોષિક :
મૂર્ધન્ય નવલકથાકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.
૮. સુંદરમ્ કાવ્ય પારિતોષિક :
મૂર્ધન્ય કવિને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.
૯. સુરેશ જોશી નિબંધ પારિતોષિક :
મૂર્ધન્ય નિબંધકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.
૧૦. અસાઇત ઠાકર નાટ્ય પારિતોષિક :
મૂર્ધન્ય નાટ્યકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.
૧૧. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિવેચન પારિતોષિકઃ
મૂર્ધન્ય વિવેચકને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.
૧૨. ગિજુભાઈ બધેકા બાળસાહિત્ય પારિતોષિક :
મૂર્ધન્ય બાળસાહિત્યકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.
૧૩. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક :
મૂર્ધન્ય હાસ્યકારને આ પુરસ્કાર અંતર્ગત ૭૫,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.
૧૪. વલી ગુજરાતી ગઝલ એવોર્ડ :
મૂર્ધન્ય ગઝલકારને ૨૦૦૫થી આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને એક પ્રશસ્તિપત્ર તેમ જ શાલ એનાયત કરવામાં આવે છે.
* મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમીનાં પારિતોષિકઃ
મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમીનું કાર્યાલય મુંબઈમાં છે. આ અકાદમીનાં ગુજરાતી સાહિત્યનાં પારિતોષિક નીચે મુજબ છે.
૧. નર્મદ ઍવોર્ડ :
મૂર્ધન્ય સાહિત્યકારને આ પુરસ્કાર અંતર્ગત ૫૧,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
૨. જીવન ગૌરવ પુરસ્કાર :
મૂર્ધન્ય સાહિત્યકારને આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને એક સન્માનપત્ર તેમ જ સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
* ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિક :
૧૯૦૫માં અમદાવાદ ખાતે સ્થપાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યનાં વિવિધ સ્વરૂપો માટેનાં પુરસ્કારો આ મુજબ છે.
૧. સચ્ચિદાનંદ સમ્માન :
સચ્ચિદાનંદ સમાજસેવા ટ્રસ્ટ, દંતાલી તરફથી મળેલા દાનમાંથી પ્રતિ વર્ષ મૂલ્યવાન અને સત્ત્વશીલ સાહિત્ય પ્રદાન કરનાર સાહિત્યકારને સચ્ચિદાનંદ સમ્માનથી સન્માનવામાં આવે છે. ૧૯૯૭થી શરૂ થયેલા આ પુરસ્કાર અંતર્ગત ૨૫,૦૦૦ ધનરાશિ આપવામાં આવે છે.
૨. સર્વશ્રેષ્ઠ પુસ્તક સમ્માન :
વિવિધ સાહિત્ય-સ્વરૂપોને ધ્યાને લઈને વાર્ષિક ધોરણે ગુજરાતી સાહિત્ય પરિષદ નીચે મુજબના ૩૨ પુરસ્કારો આપે છે. જે-તે વર્ષના પુરસ્કાર માટે તે પછીના વર્ષની ૩૦ મે સુધી પુસ્તક મોકલવાનું રહે છે. જેમ કે વર્ષ ૨૦૧૪ના પુરસ્કાર માટેનું પુસ્તક ૩૦ મે,૨૦૧૫ સુધીમાં મોકલવાનું રહે છે. પુસ્તકનું પ્રકાશન વર્ષ કૅલેન્ડર વર્ષ છે.
૧. શ્રી ભગિની નિવેદિતા પારિતોષિક :
હરિઓમ આશ્રમ પ્રેરિત આ પુરસ્કાર લેખિકાઓનાં સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૨. શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક પારિતોષિક :
હરિઓમ આશ્રમ પ્રેરિત આ પુરસ્કાર ભક્તિવિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૩. શ્રી ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક :
સર્વશ્રેષ્ઠ પુસ્તકને (સામાન્ય રીતે કવિતા) આપવામાં આવે છે.
૪. શ્રી કાકાસાહેબ કાલેલકર પારિતોષિક :
નિબંધ, પ્રવાસ, સ્મરણો, જીવનચરિત્રો ઇત્યાદિ પ્રકારનાં સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૫. શ્રી બટુભાઈ ઉમરવાડિયા એકાંકી પારિતોષિક :
એકાંકીનાં સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૬. શ્રી પ્ર. ત્રિવેદી પારિતોષિક :
શિક્ષણ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૭. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિકઃ
સમાજ, શિક્ષણ વિષયક ચિંતનાત્મક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૮. શ્રી જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક :
હાસ્ય, વિનોદ, કટાક્ષ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૯. શ્રી બી.એન.માંકડ ષષ્ટિપૂર્તિ પારિતોષિક :
લોકભોગ્ય વિજ્ઞાન વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૧૦. શ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી પારિતોષિકઃ
સાહિત્યશાસ્ત્ર વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૧૧. શ્રી હરિલાલ માણેકલાલે દેસાઈ પારિતોષિક :
વિવેચન અથવા સામાજિક તત્ત્વજ્ઞાન વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૧૨. શ્રી નટવરલાલ માળવી પારિતોષિક :
બાળસાહિત્ય વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૧૩. શ્રી ઉશનસ્ પારિતોષિક :
દીર્ઘકાવ્યો (સૉનેટમાળા, ખંડકાવ્યો, પદ્યનાટક કે ચિંતનાત્મક કૃતિ) વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને અથવા તો કોઈ એક સામયિકમાં પ્રકાશિત કૃતિને આપવામાં આવે છે.
૧૪. શ્રી મહેન્દ્ર ભગત કાવ્યસંગ્રહ પારિતોષિકઃ
સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહને આપવામાં આવે છે.
૧૫. શ્રી રમણ પાઠક ષષ્ટિપૂર્તિ પારિતોષિક :
સર્વશ્રેષ્ઠ નવલિકાને આપવામાં આવે છે.
૧૬. શ્રી સદ્વિચાર પરિવાર પારિતોષિક :
પ્રેરક સાહિત્ય વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૧૭. શ્રી ગોપાળરાવ વિદ્વાંસ પારિતોષિક :
સર્વશ્રેષ્ઠ અનુવાદને આપવામાં આવે છે.
૧૮. શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસ પારિતોષિક :
ભૂગોળ-સમાજશાસ્ત્ર વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૧૯. શ્રી રમણલાલ સોની પારિતોષિક :
બાળ-કિશોર સાહિત્ય વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૨૦. શ્રી સુરેશા મજૂમદાર પારિતોષિક :
સ્ત્રી-અનુવાદકનાં અનુવાદગ્રંથને અથવા કવયિત્રીનાં કવિતાનાં સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૨૧. ડૉ. રમણલાલ જોશી પારિતોષિક :
વિવેચન વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૨૨. ડૉ. ઉપેન્દ્ર પંડ્યા મહાનિબંધ પારિતોષિકઃ
યુનિવર્સિટી દ્વારા પદવી માટે માન્ય રખાયેલ પ્રકાશિત-અપ્રકાશિત એમ.ફિલ., પીએચ.ડી. મહાનિબંધને આપવામાં આવે છે.
૨૩. ડૉ. ઉપેન્દ્ર પંડ્યા લલિતનિબંધ પારિતોષિકઃ
સર્વશ્રેષ્ઠ લલિતનિબંધને આપવામાં આવે છે.
૨૪. શ્રી દોલત ભટ્ટ પારિતોષિક :
ગ્રામજીવન વિષયક નવલકથાના અથવા લોકસાહિત્ય વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૨૫. શ્રી પ્રિયકાન્ત પરીખ નવલકથા પારિતોષિકઃ
નવલકથા વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૨૬. શ્રી પંડિત બેચરદાસ જી. દોશી પારિતોષિક :
સંસ્કૃત-પ્રાકૃત ગુજરાતી વ્યાકરણ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૨૭. શ્રી ભાનુપ્રસાદ પંડ્યા પારિતોષિક :
સર્વશ્રેષ્ઠ ગીતસંગ્રહને આપવામાં આવે છે.
૨૮. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પારિતોષિક :
ચિંતન વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૨૯. શ્રી રામુ પંડિત પારિતોષિક :
અર્થશાસ્ત્ર-વાણિજ્ય-પ્રબંધ-ઉદ્યોગમાં માનવીય સંબંધ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૩૦. શ્રી પ્રભાશંકર તેરૈયા પારિતોષિક :
ભાષાવિજ્ઞાન-વ્યાકરણ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૩૧. ભગવાન મહાવીર પારિતોષિક :
લોકસાહિત્ય વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે.
૩૨. ગુજરાત દર્પણ પારિતોષિક :
દરિયાપારના સાહિત્યકારોના સર્વશ્રેષ્ઠ નવલકથાસંગ્રહને આપવામાં આવે છે.
* સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અપાતાં પારિતોષિક :
દલિત સાહિત્યની આગવી ઓળખને ધ્યાને લઈ ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નીચે મુજબના પારિતોષિકો પ્રતિ વર્ષ આપવાનું નક્કી કર્યું છે.
૧. સંતશ્રી કબીર દલિત સાહિત્ય ઍવોર્ડ :
દલિત સાહિત્યકારોને તેમનાં યોગદાનને ધ્યાને લઈ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
૨. સાવત્રીબાઈ ફૂલે દલિત મહિલા ઍવોર્ડ :
દલિત મહિલા-કલા-સાહિત્ય- હસ્તકલાકારને આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
૩. દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ ઍવોર્ડ :
સર્વશ્રેષ્ઠ દલિત સાહિત્યની કૃતિ માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૦,૦૦૦ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
* સંસ્થાગત પારિતોષિક :
રાષ્ટ્રીય અને રાજ્ય અકાદમી, પરિષદ સિવાય અનેક સાહિત્ય સંસ્થાઓ નોંધપાત્ર પારિતોષિકો આપે છે. આવાં પારિતોષિકોને અહીં વર્ગીકૃત કર્યા છે.
૧. ગુજરાત વિદ્યાસભા :
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને ‘મહિપતરામ રૂપરામ રૌપ્યચંદ્રક’ આપે છે.
૨. નર્મદ સાહિત્ય સભા :
નર્મદ સાહિત્ય સભાનું કાર્યાલય સુરતમાં આવેલું છે. આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને ‘નર્મદચંદ્રક’ એનાયત કરે છે. ટૂંકી વાર્તાના પ્રદાન બદલ કેતન મુનશી પારિતોષિક એનાયત કરે છે.
૩. પ્રેમાનંદ સાહિત્ય સભા :
પ્રેમાનંદ સાહિત્ય સભાનું કાર્યાલય વડોદરામાં આવેલું છે. આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને ‘પ્રેમાનંદ ચંદ્રક’ એનાયત કરે છે.
૪. ગુજરાતી સાહિત્ય સભા :
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરે છે. ૧૯૨૮થી રણજિતરામની સ્મૃિતમાં આ ચંદ્રક આપવામાં આવે છે.
૫. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ :
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને ‘કરસનદાસ પારિતોષિક’ એનાયત કરે છે.
૬. નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ :
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ, જૂનાગઢ ૧૯૯૯થી ‘નરસિંહ મહેતા ઍવોર્ડ’ એનાયત કરે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૫૧,૦૦૦ રૂપિયા અને એક નરસિંહ મહેતાની પ્રતિમા એનાયત કરવામાં આવે છે.
૭. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, સૌરાષ્ટ્ર :
લોકસાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય ઍવોર્ડ’ એનાયત કરે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
૮. મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશન :
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને દર્શક ફાઉન્ડેશન સાહિત્ય ઍવોર્ડ અંતર્ગત ‘દર્શક ઍવોર્ડ’ એનાયત કરે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
૯. હરીન્દ્ર દવે સ્મૃિત પારિતોષિક :
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ ૨૦૦૫થી ‘હરીન્દ્ર દવે ઍવોર્ડ’ એનાયત કરે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૧,૦૦૦ રૂપિયા અને સન્માનપત્ર તેમ જ શાલ અર્પણ કરવામાં આવે છે.
૧૦. કાગ ઍવોર્ડ :
લોકસાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને ‘કાગ ઍવોર્ડ’ એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૨૫,૦૦૦ રૂપિયા અને એક સ્મૃિતચિહ્ન આપવામાં આવે છે.
૧૧. જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ :
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનારને ‘સ્વ.ધીરજલાલ ધ. શાહ સુવર્ણચંદ્રક’ એનાયત કરે છે.
૧૨. શ્રી ચંદુલાલ સેલારકા સા. નિધિ, મુંબઈ :
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને ‘કલાગૌરવ પુરસ્કાર’ એનાયત કરે છે.
૧૩. આઇ.એન.ટી., મુંબઈ :
ઇન્ડિયન નેશનલ થીએટર, મુંબઈ દ્વારા ગઝલકારોને બે વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવે છે.
૧. નવોદિત ગઝલકારને તેના સર્જનને ધ્યાને લઈ ‘શયદા પુરસ્કાર’ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧૧,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે.
૨. મૂર્ધન્ય ગઝલકારને તેના સર્જનને ધ્યાને લઈ ‘કલાપી પુરસ્કાર’ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૨૧,૦૦૦ રૂપિયા અને એક શિલ્ડ એનાયત કરવામાં આવે છે.
૧૪. વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા :
વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા દ્વારા ચાર વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવે છે.
૧. નવોદિત આશાસ્પદ સાહિત્યકારને તેના સર્જનને ધ્યાને લઈ ‘નાનાભાઈ હ. જેબલિયા સ્મૃિત સાહિત્ય પુરસ્કાર’ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૨૫,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
૨. યુવા સાહિત્યકારને તેના સર્જનને ધ્યાને લઈ ‘રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા ઍવોર્ડ’ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૧,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
૩. મૂર્ધન્ય સાહિત્યકારને તેના સર્જનને ધ્યાને લઈ ‘દર્શક સાહિત્ય સમ્માન’ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૫૧,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
૪. વિદેશમાં રહી ઉત્તમ ગુજરાતી સાહિત્ય સર્જતા સાહિત્યકારને તેના સર્જનને ધ્યાને લઈ ‘ઉમાશંકર જોશી વિશ્વગુર્જરી સમ્માન’ અંતર્ગત સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
૧૫. દલપતરામ ઍવોર્ડ :
મૂર્ધન્ય સાહિત્યકારને તેના સર્જનને ધ્યાને લઈ ‘દલપતરામ ઍવોર્ડ’ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૨૫,૦૦૦ રૂપિયા અને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
૧૬. આચાર્ય તુલસી સમ્માન :
આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ સંસ્થા દ્વારા સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ પ્રદાનને ધ્યાને લઈ ‘આચાર્ય તુલસી સમ્માન’ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત ૧,૦૦,૦૦૦ રૂપિયા અને માનપત્ર એનાયત કરવામાં આવે છે.
૧૭. રમેશ પારેખ ઍવોર્ડ :
કવિશ્રી હરિશ્ચંદ્ર જોશી પ્રેરિત ‘રમેશ પારેખ ઍવોર્ડ’કવિને તેના સર્જનને ધ્યાને લઈ આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત સર્જકને સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
૧૮. દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ :
૧૯૯૬માં સ્થપાયેલી દલિત સાહિત્ય અકાદમી દલિત સાહિત્ય ક્ષેત્રે સર્જકનાં યોગદાનને ધ્યાને લઈ કવિતા માટે ‘શ્રી ચીમનલાલ સોમાભાઈ પટેલ ઍવોર્ડ’, નવલકથા માટે ‘શ્રી ચીમનલાલ મહેતા ઍવોર્ડ’, ટૂંકી વાર્તા માટે ‘શ્રીમતી લીલાવતી મહેતા ઍવોર્ડ’, સમગ્ર સર્જન માટે ‘શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સરવૈયા શ્રેષ્ઠ દલિત સાહિત્યકાર ઍવોર્ડ’ તેમ જ દલિત સાહિત્યના સમર્થકને ‘સવાયા દલિત સાહિત્યકાર ઍવોર્ડ’ આપવામાં આવે છે.
૧૯. ધૂમકેતુ પુરસ્કાર :
ગુર્જર પરિવાર અને ધૂમકેતુ પરિવારના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૦થી શ્રેષ્ઠ નવલિકાસંગ્રહ માટે દર ત્રણ વર્ષે આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત સર્જકને ૫,૦૦૦ રૂપિયા સ્મૃિતચિહ્ન એનાયત કરવામાં આવે છે.
* સામયિક પારિતોષિક :
સામયિકો પ્રતિ વર્ષ તેનાં અંકોમાં પ્રકાશિત સર્જનને ધ્યાને લઈ પ્રકાશિત કૃતિ કે વાર્ષિક પ્રદાન બદલ પુરસ્કાર આપે છે.
* કુમાર માસિક, અમદાવાદઃ
૧૯૨૪માં શરૂ થયેલું ‘કુમાર’ માસિક તેમાં પ્રકાશિત સર્જનને આવા પુરસ્કારો આપે છે.
૧. કુમાર સુવર્ણચંદ્રક :
૧૯૪૪થી શરૂ થયેલો ‘કુમાર ચંદ્રક’ વર્ષ દરમિયાન ‘કુમાર’માં પ્રકાશિત કૃતિને ધ્યાને લઈને આપવામાં આવે છે.
૨. શ્રીમતી કમલા પરીખ પારિતોષિક :
‘કુમાર’માં પ્રકાશિત મહિલા સર્જકનાં સર્જનને ધ્યાને લઈ આપવામાં આવે છે.
૩. અરવિંદલાલ ચીમનલાલ આધ્યાત્મિક પારિતોષિક :
‘કુમાર’માં પ્રકાશિત અધ્યાત્મ વિષયક સર્જનને ધ્યાને લઈ આપવામાં આવે છે.
* પરબ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ :
ગુજરાતી સાહિત્ય પરિષદ મુખપત્ર ‘પરબ’માં પ્રકાશિત કૃતિ માટે આ મુજબનાં પારિતોષિકો આપે છે.
૧. શ્રી ચંદ્રકાન્ત ન. પંડ્યા પારિતોષિક :
શ્રેષ્ઠ લેખને આપવામાં આવે છે.
૨. શ્રી ન્હાનાલાલ અને રા.વિ.પાઠક પારિતોષિકઃ
શ્રેષ્ઠ કાવ્યને આપવામાં આવે છે.
૩. શ્રી નાનુભાઈ ફાઉન્ડેશન પારિતોષિક :
શ્રેષ્ઠ નિબંધને આપવામાં આવે છે.
૪. શ્રી નાનુભાઈ સુરતી ફા. પારિતોષિક :
શ્રેષ્ઠ નવલિકાને આપવામાં આવે છે.
* કવિતા દ્વિમાસિક, મુંબઈ :
શ્રેષ્ઠ કૃતિને આપવામાં આવે છે.
* અન્ય પારિતોષિકો :
સાહિત્ય ક્ષેત્રે ગામ-શહેર, રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે અનેક નામી-અનામી પુરસ્કારો જાહેર થતા હોવાથી દરેક વિશે વિગતે વાત કરવી અહીં શક્ય નથી. કેટલાકની માત્ર ઝાંખી મેળવીએ.
૧. પ્રા. અનંતરાય રાવળ વિવેચન પારિતોષિક :
પ્રા. અનંતરાય રાવળ સમિતિ, અમદાવાદ દ્વારા વિવેચન માટે આપવામાં આવે છે.
૨. ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂર :
અનુવાદનું પારિતોષિક આપવામાં આવે છે.
૩. ઇંદુબહેન સંઘવી બાળસાહિત્ય પારિતોષિકઃ
સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા બાળસાહિત્ય માટે બે વર્ષે આપવામાં આવે છે.
૪. ઉમાશંકર જોશી ઍવોર્ડ :
હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા, નડિયાદ દ્વારા સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહને આપવામાં આવે છે.
૫. ઉમાશંકર જોશી પારિતોષિક :
ચારુતર વિદ્યામંડળ, વિદ્યાનગર દ્વારા સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહને આપવામાં આવે છે.
૬. કથા ઍવોર્ડ :
કથા ફાઉન્ડેશન, દિલ્હી દ્વારા સર્વશ્રેષ્ઠ સર્જનાત્મક કથા-સાહિત્યને આપવામાં આવે છે.
૭. ક.ભા. દવે રૌપ્યચંદ્રક :
ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદ દ્વારા આપવામાં આવે છે.
૮. કવિશ્રી ડાહ્યાભાઈ પટેલ સુવર્ણચંદ્રક :
કવિશ્રી ડાહ્યાભાઈ પટેલ સાહિત્યરત્ન સુવર્ણચંદ્રક ટ્રસ્ટ, વડોદરા દ્વારા કવિને આપવામાં આવે છે.
૯. કંચનરશ્મિન શ્રેષ્ઠ બાળસાહિત્ય પારિતોષિકઃ
બાળસાહિત્ય અકાદમી, અમદાવાદ દ્વારા બાળસાહિત્ય સર્જન માટે આપવામાં આવે છે.
૧૦. ગિજુભાઈ બધેકા બાળસાહિત્ય ઍવોર્ડ :
બાળસાહિત્ય અકાદમી, અમદાવાદ દ્વારા બાળસાહિત્ય સર્જન માટે આપવામાં આવે છે.
૧૧. જ્યોતીન્દ્ર દવે હાસ્ય ઍવોર્ડ :
હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા, નડિયાદ દ્વારા હાસ્યકારને આપવામાં આવે છે.
૧૨. કાકાસાહેબ કાલેલકર ઍવોર્ડ :
હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા, નડિયાદ દ્વારા પ્રવાસ-નિબંધકારને આપવામાં આવે છે.
૧૩. જયશંકર સુંદરી ઍવોર્ડ :
હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા, નડિયાદ દ્વારા નાટ્યકારને આપવામાં આવે છે.
૧૪. જયંત પાઠક કવિતા પુરસ્કાર :
ડૉ. જયંત પાઠક પુરસ્કાર સમિતિ, સુરત દ્વારા કવિને આપવામાં આવે છે.
૧૫. ગુર્જર ગૌરવ ઍવોર્ડ :
કલાગુર્જરી, મુંબઈ દ્વારા ડાયસ્પોરા સર્જકને આપવામાં આવે છે.
૧૬. ચંદરયા સાહિત્ય પુરસ્કાર :
ચંદરયા ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા સર્જકને આપવામાં આવે છે.
૧૭. યુવા પુરસ્કાર :
ભારતીય ભાષા પરિષદ, કલકત્તા દ્વારા ચાર ભારતીય ભાષાઓમાં આપવામાં આવે છે.
૧૮. સદ્દભાવના ઍવોર્ડ :
સદ્દભાવના ફોરમ દ્વારા સંવેદનશીલ સાહિત્યકારને આપવામાં આવે છે.
૧૯. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક :
વિશ્વકલાગુર્જરી ફેડરેશન, મુંબઈ દ્વારા આપવામાં આવે છે.
૨૦. આંબેડકર ઍવોર્ડ :
દલિત સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા દલિત સાહિત્યકારને આપવામાં આવે છે.