અમપાના 10 સ્ટાફ ક્વાર્ટર્સનાં 4424 મકાનનું કરવામાં આવશે રિડેવલપમેન્ટ

અમદાવાદ, તા.4 અમપાના વિવિધ વિસ્તારમાં આવેલા લગભગ દરેક સ્ટાફ ક્વાર્ટર્સની સ્થિતિ જર્જરિત જોવા મળી રહી છે, જે અંગે અમપા દ્વારા આશરે 40 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સને રિડેવલપ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

2018ના વર્ષમાં સોનરિયા ખાતેના બે બ્લોક તૂટી પડવાની ઘટના બાદ અમપાએ શહેરના વિવિધ મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ અને મ્યુનિ. સ્ટાફ ક્વાર્ટર્સની સ્થિતિ અંગે સરવૅ કર્યો હતો. સરવૅ બાદ જર્જરિત જણાતા સ્ટાફ ક્વાર્ટર્સના બ્લોકને તોડી પાડીને રાજ્ય સરકાર દ્વારા 2016માં પીપીપી આધારિત રિડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ યોજના હેઠળ નવા બનાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે., જે મુજબ 10 સ્ટાફ ક્વાર્ટર્સનાં 4424 મકાનો નવાં બાંધવામાં આવશે.

ક્યાં-કેટલાં મકાનોનો સમાવેશ કરાયો

સુખરામનગર, ગોમતીપુરમાં ત્રણ બ્લોકમાં ૯૬ મકાન, ઈન્ડિયા કોલોનીમાં આવેલા મ્યુનિસિપલ હેલ્થ ક્વાર્ટર્સમાં 348 મકાન, અસારવા વિસ્તારમાં આવેલી પતરાવાળી ચાલીમાં સ્લમ ક્વાર્ટર્સમાં 576 મકાન, સરસપુર-રખિયાલ સોનરિયા બ્લોકમાં 760 મકાન, ઓઢવ શિવમ આવાસમાં 1344 મકાન, રામનગર-સાબરમતીમાં 18 મકાન, ખોખરા વિસ્તારમાં નવા મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સમાં 288 મકાન, જૂના મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સમાં 452 મકાન, બાપુનગર હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સમાં 192 મકાન અને ડી-કોલોની-સૈજપુરમાં 360 મકાનો મળી કુલ 4424 મકાનનો રિડેવલપમેન્ટ સ્કીમમાં સમાવેશ કરાયો છે.