આગ લાગ્યાની ગણતરીની સેકન્ડમાં જ ફાયર બ્રિગેડને ઘટનાસ્થળના લોકેશન સાથે સંદેશો મળી જશે

અમદાવાદ, તા. 06

છ મહિના પહેલા સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગમાં 20 વિદ્યાર્થીઓનાં મોતની ઘટનાનું પુનરાવર્તન રોકવા અમદાવાદના ચાંદખેડાના એક વિદ્યાર્થીએ નવી એડવાન્સ ફાયર સેફ્ટી એલાર્મ સિસ્ટમ ડેવલપ કરી છે. જેનું વર્કિંગ મોડેલ પણ તૈયાર કરી દેવાયું છે.

આ એલાર્મ ગોડાઉન, હોટેલ, હોસ્પિટલ, મોલ જેવા સ્થળો પર અચાનક આગ લાગવા પર તે સ્વયં ફાયરબ્રિગેડને એસએમએસ, ફોનકોલ દ્વારા જે સ્થળે આગ લાગી છે તેનું લોકેશન પણ માત્ર ત્રણથી પાંચ સેકન્ડમાં ફાયરબ્રિગેડને મોકલી આપશે.

શું છે આખી સિસ્ટમ?

આ સિસ્ટમને શહેરના ચાંદખેડામાં આવેલી વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રા. એ. એમ. હકના માર્ગદર્શનમાં કોલેજના પાંચ વિદ્યાર્થીઓએ વિકસિત કરી છે. આ વિદ્યાર્થીઓ પૈકીના એક કેતન પ્રજાપતિ કહે છે, સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સના ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગમાં તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ ન મળવાના કારણે ઘણાં વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના બાદ આવી સિસ્ટમને વિકસિત કરવાનો વિચાર આવ્યો.

વિદ્યાર્થી ભાર્ગવ સિદ્ધપરાએ કહ્યું કે, આ નવી એડવાન્સ ફાયર સેફ્ટી એલાર્મ સિસ્ટમમાં આર્ડિનો મેગા, જીએસએમ મોડ્યૂલ અને ફ્લેમ સેન્સરનો ઉપયોગ કરાયો છે. જેના દ્વારા ફાયરબ્રિગેડ અને જે જગ્યાએ આગ લાગી છે તે મકાનના મેનેજરને ઓટોમેટિક કોલ, એસએમએસ પહોંચાડે છે. જે તાત્કાલિક મદદ પહોંચાડવામાં ઉપયોગી બનશે.

આ ટીમના અન્ય વિદ્યાર્થી હર્ષ ઠુમરે જણાવ્યું કે, આ સિસ્ટમ વધારે મોંઘી નહિ હોય. તેને રૂ. 1500માં જ વિકસિત કરવામાં આવી છે, જેથી તેને સરળતાથી કોઈપણ વ્યક્તિ લગાવી શકે છે. ટીમના સભ્ય જય પટેલ કહે છે આ સિસ્ટમ ગોડાઉન, હોટેલ, હોસ્પિટલ, દુકાન, મોલ વગેરે સ્થળો પર પણ ઉપયોગમાં લઈ શકાશે. જ્યાં આગ લાગવાનું જોખમ હોય છે. વિદ્યાર્થી દિવ્યેશ પાંડવનું કહેવું છે કે આ સિસ્ટમ વર્તમાન ફાયર એલાર્મ સિસ્ટમથી વધારે એડવાન્સ છે. જેને હજુ વધારે યોગ્ય બનાવવાની શક્યતા છે.

તાત્કાલિક મદદ પહોંચાડવામાં ઉપયોગી

આ પ્રોજેક્ટ જેમની દેખરેખ હેઠળ તૈયાર થયો છે તે પ્રા. એ. એમ. હક કહે છે વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત કરાયેલી આ એડવાન્સ ફાયર એલાર્મ સિસ્ટમ દ્વારા ઘટનાસ્થળ સુધી તાત્કાલિક મદદ પહોંચાડી શકાશે. કેમ કે આગ લાગે ત્યારે કોઈ વ્યક્તિ મારફતે નહિ પણ ખુદ સિસ્ટમ મારફતે જ આ સંદેશો મોકલવામાં આવશે. જે આગ લાગવાના કારણે ધૂમાડો ઉદભવતા જ ત્રણથી પાંચ સેકન્ડમાં મેસેજ મોકલી દેશે.