અમદાવાદ, તા.૨૫ આંબાવાડી વિસ્તારમાં આવેલા અમૂલ્ય કોમ્પલેક્ષમાં આવેલી એડવોકેટ અને ફાઈનાન્સરની ઓફિસમાં કામ કરતી એક સગીરાની હત્યા કરી દેવાઈ છે. બપોરના સમયે ઓફિસમાં એકલતાનો લાભ લઈને એક શકમંદ યુવક 17 વર્ષીય સગીરાનું ચપ્પા વડે ગળુ કાપી નાંખી ફરાર થઈ ગયો છે. એલિસબ્રિજ પોલીસને ઘટનાસ્થળેથી એક ચપ્પુ મળી આવ્યું છે.
આજે બપોરે અઢી વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિએ ફોન કરી આંબાવાડી છડાવાડ ચોકી સામે આવેલા અમૂલ્ય કોમ્પલેક્ષમાં ઓફિસ નંબર 301માં યુવતિની હત્યા કરાયેલી લાશ પડી છે. આ સંદેશો મળતાની સાથે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈ અપૂર્વ પટેલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અમૂલ્ય કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલી 310 નંબરની ઓફિસમાં ઈશાની સંદીપભાઈ પરમાર (ઉ.17 રહે. નડિયાદ)ની ગળુ કાપી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. ઘટનાસ્થળેથી પોલીસને એક ચપ્પુ પણ મળી આવ્યું છે. હાઈકોર્ટના એડવોકેટ મહેમુદ આઈ. સંઘારીયાત અને ફાઈનાન્સર ટી.એમ. સંઘારીયાત આ ઓફિસનો ઉપયોગ કરતા હોવાની માહિતી બહાર લાગેલા બોર્ડ પરથી પોલીસને જાણવા મળી હતી. ઘટના સમયે બંનેમાંથી કોઈપણ ઓફિસમાં હાજર નહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
મૃતક ઈશાની પરમારના ગળામાંથી લોહી લાગેલું એર હોસ્ટસ ટ્રેનિંગનું ઓળખપત્ર પણ મળી આવ્યું છે. પોલીસને આશંકા છે કે, એર હોસ્ટેસ ટ્રેનિંગના કલાસમાંથી છૂટીને ઈશાની નોકરીના સ્થળે આવવા નિકળી હશે ત્યારે હત્યારો તેનો પીછો કરતા કરતા પાછળ આવી મોકાનો લાભ લઈને હત્યાને અંજામ આપ્યો છે.
એલિસબ્રિજ પોલીસે અમૂલ્ય કોમ્પલેક્ષમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા એક અજાણ્યો યુવક ઓફિસમાં ઘૂસતો તેમજ ત્રણેક મિનિટમાં બહાર નિકળી દોડીને ભાગી જતો જોવા મળ્યો છે. આ શકમંદ શખ્સનું નામ નિલેષ હોવાની માહિતી મળી છે. હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે.