એસટી નિગમ સરકારને 2800 કરોડ ચૂકવતું નથી, ખોટનું કારણ સરકારી કાર્યક્રમો

ગાંધીનગર, તા. 25

ગુજરાત સરકારના એસટી નિગમની બલિહારી જોવા જેવી છે. આટલી બઘી બસોનું સંચાલન છતાં નિગમ ખોટ કરે છે. મુસાફરોને નિયમિત બસ સુવિધા આપી શકતું નથી અને સરકારના 2800 કરોડ પણ ચૂકવતું નથી. એસટી નિગમના હાલના અધિકારીઓએ એસટી બસોનું સંચાલન જોવા મુસાફરો માટે એપ્લિકેશન શરૂ કરી છે પરંતુ તે નિરર્થક સાબિત થઈ છે.

એક બાબતનો સ્વીકાર કરવો પડે કે ગુજરાત એસટી નિગમ એ સામાન્ય જનતાની સુખાકારી માટે છે. લોકોની હેરફેર કરીને આવક મેળવે છે અને લોકોને સુવિધા આપે છે. એસટીમાં ભાડા વધારો કરાય છે છતાં એસટી નિગમ ખોટ કરે છે. જો કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો એકમાત્ર વિકલ્પ હોવાથી સરકાર આ ખોટને સરભર કરી આપતી હોય છે.

એસટી નિગમને સરકારે આપેલી લોન, લોનનું વ્યાજ, પેસેન્જર ટેક્સની આવક, મોટર વ્હિકલ ટેક્સ અને બીજી રકમ મળી કુલ 2800 કરોડ રૂપિયા વસૂલવાના થાય છે, છતાં એસટી નિગમ સરકારને આ ટેક્સ આપતું નથી. ખોટ કરતી એસટી માટે જવાબદાર તેના અધિકારીઓ છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના એક અધિકારીએ આંકડા આપતાં જણાવ્યું છે કે એસટી નિગમ પાસેથી સરકારને 2778.96 કરોડ રૂપિયા લેવાના નિકળે છે. આ રૂપિયા પૈકી એસટી નિગમે લીધેલી લોનના 2055.38 કરોડ લેવાના બાકી છે. આ લોનનું વ્યાજ પણ 668.22 કરોડ રૂપિયા જેટલું થાય છે. એ ઉપરાંત એસટી નિગમે સરકારના પેસેન્જર ટેક્સના 35.31 કરોડ તેમજ મોટર વ્હિકલ ટેક્સના 19.65 કરોડ રૂપિયા ભર્યા નથી.

છેલ્લા પાંચ વર્ષમાં એસટી નિગમે સરકારને 1461 કરોડનો પેસેન્જર ટેક્સ ચૂકવ્યો છે. મોટર વ્હિકલ ટેક્સના 25.44 કરોડ આપ્યાં છે અને લોન ભરપાઈ પેટે 370.05 કરોડ ચૂકવ્યા છે. બીજી અચરજ પમાડે તેવી બાબત એવી છે કે એસટી નિગમ સરકારને વિવિધ સરકારી કાર્યક્રમો માટે એસટી બસો ભાડે આપે છે પરંતુ સરકારના જે તે વિભાગો ભાડાની રકમ ચૂકવવા પણ અક્ષમ્ય વિલંબ કરે છે. સરકારના સાત વિભાગોએ એસટીને બાકી નિકળતાં લેણાં ચૂકવ્યાં નથી.

એસટી નિગમનો ઉપયોગ હવે મુસાફરોની હેરાફેરી ઉપરાંત સરકારી કાર્યક્રમોમાં લોકોને લાવવા લઈ જવા માટે કરવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળા હોય કે સહાય વિતરણ કાર્યક્રમ, સરકારના વિભાગો એસટી નિગમના મુસાફર જનતાને રૂટ બંધ કરીને આ કાર્યક્રમોમાં એસટી બસો મોકલે છે પરિણામે મુસાફરોને સુવિધા મળતી નથી અને એસટી નિગમને ભાડાની રકમ પણ મળતી નથી. એસટી નિગમ ખોટ કરતું હોવાનું મુખ્ય કારણ સરકારી કાર્યક્રમો છે.