કચ્છના રણમાં રહસ્યમય ભૂતનો પ્રકાશ દેખાય છે

અંધારી રાત્રિઓમાં એક અગમ્ય નૃત્ય કરતો કે ડોલતો પ્રકાશ જેને સ્થાનીય ભાષામાં ચીર બત્તી કે ભૂતોનો પ્રકાશ કચ્છના રણમાં ફાલાવા લાગ્યો છે. જે બન્ની અને ઘોરડો આસપાસમાં આ ગેબી પ્રકાશ હવે દેખાવા લાગ્યો છે. કચ્છી ભાષામાં ચીર બત્તી ને ભૂતનો પ્રકાશ કહે છે. ઘોરડોમાં સફેદ કે બ્રાઉન રણમાં જે લોકો જાય છે તેની આસપાસ જ આ પ્રકાશ દેખાય છે. જેને કચ્છી લોકો ચીર બત્તી એટલે કે ભૂતીયો પ્રકાશ કહે છે.

તે એક અવર્ણનીય પ્રકાશ છે. ઘણાં લોકોએ તે જોયો છે. અંધારી રાતે મર્ક્યુરી દીવા જેવા પ્રકાશ હોય છે. જાણે આગના ગોળો લીસોટા સાથે પડતો હોય એ રીતે જોવા મળે છે. જેનો રંગ ભૂરો, રાતો અને પીળો હોય છે. જે ક્યારે કો દોડતા દડા જેવો દેખાય છે. ગોળો તીર જેટલી ઝડપે ઉડે છે કાંતો તે સ્થિર થઈ જાય છે.

બન્નીના ઘાસીયા મેદાનોમાં ગાયો ચરાવતાં માલધારીઓની કચ્છની દંત કથા પ્રમાણે સદીઓથી આ પ્રકાશનું અસ્તિત્વ છે. પણ ગુજરાત કે ભારતના લોકો આ રહસ્યને જાણતાં નથી.

માલધારીઓ તેને ગેબી પ્રકાશ કે ભૂતિયો પ્રકાશ કહે છે. માલધારીઓ કહે છે કે તે અમારી સાથે સંતાકૂકડી રમતો હોય કે પછી ક્યારેક પીછો કરતો હોય એવું લાગે છે. જે રાતના 8 લાગ્યા પછી જ દેખાવાનું શરૂ કરે છે. જમીનથી 2 થી 8 ફૂટ ઊંચાઈએ જોવા મળે છે. પશુ પાલકો તેનો પીછો કરે તો તે ગાંડા બાવળના જંગલ કે કાંટાળા ઝાંખરા સુધી લઈ જાય છે. અનંત મરુ ભૂમિ સુધી તે ખેંચી જાય છે. સરહદ પર ફરજ બજાવતાં સૈનિકો ક્યારેક આ ગેબી પ્રકાશ જૂએ છે.

વિજ્ઞાન શું કહે છે

આધુનિક વિજ્ઞાન કહે છે કે, કચ્છના બંજર રણમાં કે ઘોરડોની આસપાસ પ્રકાશનો ઉદભવ ફોસ્ફાઈન (PH3), ડાયફોસ્ફેટ (P2H4) અને મિથેન (CH4) ના ઓક્સિડેશનને કારણે થાય છે. જેને કારણે ફોટોન ઉત્સર્જીત થાય છે. આ સંયોજનો કાર્બનિક પદાર્થોના વિઘટનને કારણે ઉત્પન્ન થઈ શકે છે. ફોસ્ફાઈન (PH3), ડાયફોસ્ફેટનું મિશ્રણ હવામાંના ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી સ્વયંભૂ સળગી ઊઠે છે. નાના પ્રમાણમાં સળગેલા ફોસ્ફાઈન (PH3), ડાયફોસ્ફેટ (P2H4) હવાના અન્ય મિથેનના મોટા જથ્થાને સળગાવે છે. થોડો સમય માટે તેમાં આગ લાગે છે. બસ આ જ રહસ્ય હોવાનું વિજ્ઞાનીઓ માને છે.