કિસ કરવાનું કહીને પત્નીની જીભ કાપી પતિ ફરાર

અમદાવાદ, તા. 10.

અમદાવાદ શહેરના જુહાપુરામાં અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે તેની સાથે કુતૂહલ પણ સર્જાયું છે. આ ઘટનામાં એક પતિએ તેની પત્નીની જીભ કાપી નાખી છે. આ મામલે પરિણીતાએ પોતાના પતિ સામે જ ફરિયાદ દાખલ કરી છે. પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે તેના પતિએ છરી વડે જીભ કાપી નાખીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી સમા સોસાયટીના મેહરાજ ફ્લેટમાં તસ્લીમબાનુ અયુબભાઈ મન્સૂરી તેના પતિ અયુબ મહમદ આલમ મન્સૂરી સાથે રહે છે. બંને વચ્ચે ઘર કંકાસને લઈને બંને વચ્ચે અવાર નવાર ઝગડા થતાં હતા. પરંતુ બુધવારે મોડી રાત્રે તેના પતિએ તેની પાસે જીભથી જીભની કિસ કરવાની માંગણી કરી હતી. પતિની આવી વાત સાંભળીને પહેલા થોડું અચકાયા બાદ પત્નીએ જીભ બહાર કાઢતા પતિ અયુબે છરી વડે પત્ની તસ્લીમની જીભ જ કાપી નાખી હતી. પત્નીની જીભ કાપી નાખ્યા બાદ અયુબ ઘર બંધ કરીને નાસી ગયો હતો. આ પછી પત્નીએ પાડોશીઓને બોલાવીને મદદ માંગી હતી. પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલીને ઘાયલ મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. હાલ હોસ્પિટલ ખાતે મહિલાની સારવાર ચાલી રહી છે.

આ ઘટના અંગે તસ્લીમબાનુએ પોતાના પતિ અયુબ મહમદ આલમ મન્સૂરી સામે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે વેજલપુર પોલીસે તસ્લીમબાનુનીફરિયાદના આધારે તેના પતિ સામે આઈપીસીની કલમ 326, 498 ખ હેઠળ ગુનો દાખલ કરીને તેણે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.