[:gj]ગાંધીનગરના સૌથી પહેલા ફીઝીશીયન ડો.વ્યાસાનું અવસાન, જ્યાં રાજકારણી પણ વારા પ્રમાણે લાઈનમાં બેસતા[:]

[:gj]હિરેન ભટ્ટ દ્વારા

એક ડૉક્ટરનું નિધન… અને ગાંધીનગરમાં હજ્જારો લોકોને આઘાત લાગ્યો. લોકોને ફાળ પળી કે હવે શું ? હવે માંદા પડીશું તો ક્યાં જઈશું ? આઘાત.. દુઃખ.. અને ચિંતાની આ લાગણી હજી નથી શમી.

ગાંધીનગરના સૌથી પહેલા ફીઝીશીયન
ડૉ. અરૂણભાઈ બાલમુકુંદરાય વ્યાસાનું ૧૯મી ઓગસ્ટે હાર્ટએટેકથી દુઃખદ અવસાન થયું.
ડૉ. વ્યાસા સાહેબ જરાય લોકપ્રિય ન હતા. એમનો સ્વભાવ ખૂબજ કડક. શિસ્ત અને સમય પાલનના તેઓ પ્રખર આગ્રહી. ગાંધીનગર એટલે વગદાર લોકોનું નગર. આ નગરના નાનામાં નાના માણસની પહોંચ છેક પેરિસના પ્રધાનમંત્રી સુધી હોઈ શકે…! આમ છતાં ડૉ. વ્યાસા સાહેબની ‘લાઈન’માં બધા સરખા. ત્યાં ‘નંબર’ પ્રમાણે જ વારો આવે. કોઈ લાગવગ નહીં-કોઈ ભલામણ નહીં- કોઈ ઓળખાણ કામ ના આવે. આવી હાલત છતાં લોકો ડૉ. વ્યાસા સાહેબની લાઈનમાં કલાકો પ્રતિક્ષા કરતા. ડૉ. વ્યાસા સાહેબ એક વાર નસ પકડે એટલે બેડો પાર…!

ડૉ. વ્યાસા સાહેબ ૪૯ વર્ષના હતા ત્યારે તેમણે બાયપાસ સર્જરી કરાવી હતી. એમને ડાયાબિટીસ પણ હતો. આમ છતાં ૭૮ વર્ષની વયે પણ તેઓ સેલ્ફ ડ્રાઈવ કરીને દવાખાને જતા અને સાત-સાત કલાક સુધી સાવ સામાન્ય ફી લઈને દર્દીઓની સારવાર કરતા. તેઓ ભાગ્યેજ બહારની દવાઓ લખી આપતા. તેમની લાલ-પીળી-લીલી ગોળીઓની પડીકી ભલભલી બિમારીનો રામબાણ ઈલાજ હતી.

કોઈ ડૉક્ટરનું નિધન થાય અને દર્દીઓમાં સોંપો પડીજાય એવું ગાંધીનગરમાં ડૉ. વ્યાસા સાહેબના નિધનથી થયું.
હવે તો માંદા પડતાં પણ વિચાર કરવો પડશે… હવેતો માંદા ના પડાય… હવે વ્યાસા સાહેબ નથી…!!!
એક દર્દીપ્રિય ડૉક્ટરનું નિધન થયું છે… [:]