ગાંધીનગર,તા.11
ગુજરાતમાં કોઇપણ વસાહતનું નિર્માણ થાય અને તેને ભૂગર્ભના જળનો ઉપયોગ કરવો પડે તો બનાવવામાં આવનારા બોરવેલ પહેલાં રાજ્ય સરાકારમાં તેણે લેખિતમાં બાંહ્યધરી આપવાની હોય છે કે બોરવેલની સાથે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે રીચાર્જીંગ વેલ બનાવવામાં આવશે. જો કે આ કાયદાનું પાલન 80 ટકા વસાહતોના નિર્માણમાં થઇ રહ્યું નથી. ખાનગી તો ઠીક સરકારી બાંધકામ કરતી વખતે પણ બોરવેલના કામો થાય છે પરંતુ રીચાર્જીંગ વેલ બનાવવામાં આવતા નથી.
ફરજિયાત રીચાર્જીંગ વેલ બનાવવાના આદેશ
ઉત્તરગુજરાતમાં જ્યારે ભૂગર્ભ જળ ઉંડાઇએ જતાં રહ્યાં હતા ત્યારે ગુજરાત સરકારે બોરવેલની સાથે રીચાર્જીંગ વેલનો કાયદો બનાવી તમામ બિલ્ડર્સ તેમજ ડેવલપર્સને ફરજીયાત રીચાર્જીંગ વેલ બનાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. જો કોઇ બિલ્ડર કાયદાનું પાલન ન કરે તો તેની સામે કાર્યવાહી કરીને તેની બિલ્ડીંગ સાઇટને બંધ કરી દેવામાં આવતી હતી.
ધૂળ, કચરો અને પ્લાસ્ટીકને કારણે રીચાર્જીંગ વેલ નકામા બન્યા
ગાંધીનગરમાં વર્ષો પહેલાં બનાવવામાં આવેલા વરસાદી પાણીના સંગ્રહ માટેના પરકોલેટીંગ વેલ મરામતના અભાવે નામશેષ થયા છે. સરકારી તેમજ પ્રાઇવેટ બાંધકામમાં સરકારના જ પાલનનું ઉલ્લંઘન થઇ રહ્યું છે છતાં અધિકારીઓ સામે કોઇ પગલાં લેવામાં આવતા નથી. સરકારનો કાયદો બનતાં ગાંધીનગરમાં પ્રત્યેક સેક્ટરમાં સરકારે બોરવેલની સાથે રીચાર્જીંગ વેલ બનાવ્યા હતા પરંતુ વર્ષોથી તેમાં ધૂળ, કચરો અને પ્લાસ્ટીકનો ભરાવો થતાં આ રીચાર્જીંગ વેલ નકામા બની ગયા છે.
ભૂર્ગભમાંથી ખેંચવામા આવતુ પાણી જાળવવાનો હેતુ
આ વેલ બનાવવા પાછળનું કારણ એવું હતું કે ભૂગર્ભમાંથી ખેંચવામાં આવતું જળ જળવાઇ રહે અને પાણીના તળ ઉપર આવે પરંતુ આદેશનું પાલન ન થતાં ગાંધીનગરમાં ભૂગર્ભ જળ ઉંડા જઇ રહ્યાં છે. ગાંધીનગર વિકાસ સત્તામંડળમાં અસંખ્ય સ્કીમો બની ચૂકી છે અને તમામ સ્કીમોમાં બોરવેલ બનાવવામાં આવ્યા છે પરંતુ તે સાથે રીચાર્જીંગ વેલ બનાવવામાં આવ્યા નથી પરિણામે ગાંધીનગરની ભૂમિમાં ભૂગર્ભ જળ મેળવવું દોહ્યલું બની ગયું છે.
ખુદ સરકારના અઘિકારીઓ જ પાલન નથી કરતા
ગુજરાત સરકારે 17 વર્ષ પહેલાં આ કાયદો બનાવ્યો હતો. આ કાયદાનો હેતુ એવો હતો કે બોરવેલના પાણી ખેંચાતા ભૂગર્ભના જળ ઉંડા ઉતરી જાય છે તેથી ભૂગર્ભમાં પાછું જળ નાંખવા માટે વરસાદી પાણી એકમાત્ર ઉકેલ છે. બોરવેલની બાજુમાં રીચાર્જીંગ વેલ બનાવવામાં આવતા હોય છે. સરકારે બનાવેલા કાયદાનું પાલન ખુદ સરકારના અધિકારીઓ કરતાં નથી. ગુજરાત સરકાર માટે આ અતિ ચિંતાજનક વિષય છે, કારણ કે ગાંધીનગરની આસપાસના નવા ડેવલપ થઇ રહેલા વિસ્તારમાં સરકારના જ કાયદાનું પાલન ખાનગી બિલ્ડરો કરતાં નથી. એટલું જ નહીં સરકારનું માર્ગ-મકાન ખાતું ખુદ આ કાયાદાનું પાલન કરતું નથી. બીજી તરફ ગાંધીનગરની જેમ રાજ્યભરમાં મૂકવામાં આવતી બાંધકામોની સ્કીમોમાં આ કાયદાનું પાલન થતું નથી. રાજ્યના પાણી પુરવઠા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે જો રાજ્યમાં રીચાર્જીંગ વેલ સિવાય બોરવેલ બનાવવામાં આવશે તો ભવિષ્યમાં આ પ્રકારની ઇમારતો અને આવાસોમાં જળસંકટનો ભય તોળાઇ રહ્યો છે.