[:gj]ગુજરાતમાં 130 કંપનીએ 15 લાખ લોકોના 25 હજાર કરોડ 18 વર્ષમાં ઠગી લીધા [:]

[:gj]ગુજરાતમાં વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધીમાં ૧૩૦થી વધુ લેભાગુ કંપનીઓએ ૧૫ લાખ રોકાણકારોના ૨૫ હજાર કરોડથી વધુ રૂપિયા ડુબાડયા છે. આજ દિન સુધી એક પણ રોકાણકારને નાણાં પરત મળ્યા નથી. લોકોને ધોળા દિવસે હથેળીમાં ચાંદ બતાવી રાતોરાત લખપતિ, કરોડપતિ બનાવી દેવાની લાલચ આપી કરોડોનાં કૌભાંડો આચરવાની મોસમ પુરબહારમાં ખીલી ઊઠી છે. કૌભાંડીઓ ભોળી જનતાને આબાદ ઊલ્લુ બનાવી જાય છે અને તેમનો વાળ પણ વાંકો થઈ શક્તો નથી એ કમનસીબી છે. કાયદાની છટકબારીઓ એવી છે કે, જેનો પૂરેપૂરો લાભ કૌભાંડીઓ આસાનીથી મેળવી જ લે છે. કાનૂની પ્રક્રિયા એટલી લાંબી અને જટિલ હોય છે કે સજા ક્યારે થશે અને શું સજા થશે એ વિશે કહેવું મુશ્કેલ બની જાય છે. આપણી આસપાસ સમાજમાં એવા પણ લોકો છે કે, જેમણે રાતોરાત લાખોમાં આળોટતા થઈ જવું છે અને તેના માટે રાતોરાત એકના ડબલ કરી આપવાની દુકાન ખોલીને બેસનારાઓ તૈયાર જ હોય છે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ કહેવત મુજબ, ધૂતારાઓની દુકાનો ધમધોકાર ચાલે છે અને લોકોના તો એકના ડબલ ન થાય પણ તેમના બેન્ક બેલેન્સ રાતોરાત રોકેટગતિએ વધી જાય છે અને પછી ઓફિસોને ખંભાતી તાળાં મારીને છૂમંતર થઈ જાય છે. છેલ્લા કેટલાક સમયથી આવા કૌભાંડીઓએ ભોળી જનતાના કરોડો રૂપિયા પચાવી પાડયા છે અને કોઈ પોલીસ પકડથી દૂર છે તો કોઈની સામે કાનૂની પ્રક્રિયા શરૂ થઈ છે તો કોઈ જામીન ઉપર પણ આસાનીથી છૂટી ગયા છે. વગર મહેનતનો વકરો એટલો નફાની જેમ ૨૦૦ કરોડનું કૌંભાંડ કર્યું હોય એટલે કૌભાંડીઓ તપાસ કરતી પોલીસ કે રાજકારણીને બે-પાંચ,દસ-પંદર કે પચ્ચીસ કરોડ આપતા અચકાતા નથી. એટલે અંતે છૂટી જાય છે અને રોકાણકારોને આજ દિન સુધી રાતી પાઈ પણ પાછી મળી નથી.

વ્હાઈટ કોલર ક્રિમિનલો

ગુજરાતમાં વ્હાઈટ કોલર ક્રિમિનલોએ હાહાકાર મચાવ્યો છે. તેમની સામે કાયદાનો કડક કોરડો ન વિંઝાતાં મોકળું મેદાન મળી ગયું છે અને જનતાની પરસેવાની કમાણી આંખના પલકારામાં હડપ કરી ગયા છે. એકના ડબલ અને એકના ત્રણ કરવાની લ્હાયમાં ધૂતારાઓને શરણે જઈને નાણા તેમના ચરણોમાં ધરી દે છે અને ધૂતારાઓ પછી પોતાની કળા કરવાની એક પણ તક ચૂકતા નથી. કૌભાંડીઓએ લોકોને જે રીતે છેતર્યા છે તેનો આંકડો ખૂબ મોટો થાય છે અને તેમની યાદી પણ ઘણી લાંબી થવા જાય છે. જય માડીના ઓથા હેઠળ એક કા તીન કરવાની લાલચ આપી ૧,૨૦૦ કરોડ ઉલેસી જનાર અશોક જાડેજા, જય ખોડિયારનો રાજુ મેવાડા ૭૫૦ કરોડનું કરી ગયો, આર્ચર કેર કંપનીમાં ઓનલાઇન જાહેરાતના નામે વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહનું ૨૬૦ કરોડનું કૌભાંડ, ડ્રીમ પેસેફિક વિઝન કંપનીનું જાહેરાત જોવાનું કહીં ૧૮થી ૨૦ ટકા વળતર આપવાનું કહી કૌભાંડી મુકેશ કટારાનું ૨૦૦ કરોડનું કૌભાંડ. નીમબલનેસ મહેબૂબ છીપા, આરીફ છીપા, જહાંગીર-સમૃદ્વનું ૭૦૦ કરોડનું કૌભાંડ, શુકનના મનીષ શાહ અને ગીતા શાહનું ૭૦૦ કરોડનું કૌભાંડ, કેજી એન ઇન્વેસ્ટમેન્ટના વસીમ સૈયદનું ૩૫૦ કરોડનું કૌભાંડ, આલિયા ઈન્વેસ્ટમેન્ટના નામે મોઈન સૈયદ, રાજા સૈયદનું ૫૦૦ કરોડનું કૌભાંડ, ઈમ્તિયાઝ સૈયદ, ઈમ્તસનનું ૮૦૦ કરોડનું કૌભાંડ, એઆઈએસઈના અભય ગાંધીનું ૮૦૦ કરોડનું કૌભાંડ, ઝહીર રાણા રેમોનું ૨૫૦ કરોડનું કૌભાંડ. આ ઉપરાંત અન્ય ૧૩૦થી વધારે કંપનીઓ કે રાતોરાત કરોડો રૂપિયા ઉસેળીને કૌભાંડીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે અને ભોળી જનતા પરસેવાની કમાણી પાછી મેળવવા માટે પગથિયા ઘસી રહી છે. આ કૌભાંડીઓ એવા મગરમચ્છ છે કે, જેમના કૌભાંડનો આંકડો ઓછામાં ઓછો ૨૦૦ કરોડથી શરૂ થાય છે. બોલો, અત્યારે આમાંના અનેક કૌભાંડીઓ ભોળી જનતાના પૈસા તાગડધિન્ના કરી રહ્યા છે. કોઈને સજા થઈ નથી.પોલીસ ધરપકડ કરે છે, કોર્ટમાં રજૂ કરે છે, પછી તારીખ-પે-તારીખ પડે છે. ચુકાદો ક્યારે આવશે તે કોઈ કહેતું નથી.

કાયદાની છટકબારી

વ્હાઈટ કોલર ક્રિમિનલોનો આતંક વધી રહ્યો છે. લેભાગુ કંપનીઓ ખોલીને ઉઠમણાં કરવાની તેમની મોડસ ઓપરેન્ડીના તોલે બીજું કોઈ આવી શકે તેમ નથી. આ બધા પરિપ્રેક્ષ્યમાં ભોગવવાનું તો જનતાના ભાગે જ આવે છે. કૌભાંડીઓના એક પછી એક કૌભાંડના હાડપિંજર સામે આવે છે પણ કાયદાની છટકબારીઓ એટલી બધી હોય છે કે આસાનીથી જામીન ઉપર પણ છૂટી જાય છે. ક્રિમિનલો માયાજાળ એવી રચે છે કે, જનતા તેમના કુંડાળામાં પગ પણ મૂકી દે છે અને પછી જે ખેલ શરૂ થાય છે એ અટકતો નથી. લેભાગુ કંપનીઓની આપણી આસપાસ કમી નથી. રાતોરાત બોર્ડ લટકાવી દઈ ભરતીના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લઈ મોકો જોઈને શટર ડાઉન કરી દેવામાં આવે છે. સવારે આવીને રોકાણકારો જુએ ત્યારે તો ખબર પડે કે, આપણે છેતરાઈ ગયા છીએ. આવા કૌભાંડીઓ સામે કોઈ આકરી સજા ન થતાં બીજા કૌભાંડીઓ પણ લોકોને છેતરતા ડરતા નથી. ગુજરાતમાં થયેલા અનેક ઉઠમણા અને કૌભાંડો તેનો પુરાવો છે કે, એક પણ આરોપી સામે કડક કાર્યવાહી થઈ શકી નથી. કૌભાંડીઓ આસાનીથી પોતાના બચાવનો રસ્તો કરી નાંખે છે અને જનતા હાથ ઘસતી રહીં જાય છે. કૌભાંડીઓ માટે નવો કાયદો બનશે ખરો ? કાયદામાં બદલાવ નહીં થાય તો કૌભાંડીઓ ડરવાના જ નથી અને પોતાના મનસૂબા પૂરા કરવાના જ છે.

લાલચ બૂરી બલા

ગુજરાતની પ્રજા શાણી અને સમજુ છે પરંતુ સાથે-સાથે રાતોરાત પૈસાદાર થવાની ઘેલછા પણ એટલી જ છે. જેના પ્રતાપે કૌભાંડીઓ ફૂલ્યાફાલ્યા છે. એકના ડબલ કરવાની લાલચમાં ફસાયેલા લાખો રોકાણકારો હજુ પોતાના નાણા પરત મળે તેની રાહ જોઈ રહ્યા છે. અંધશ્રદ્વાની ચુંગાલમાં ફસાયેલા લોકો હજુ સમજવા તૈયાર નથી કે, આ બધું માત્રને માત્ર તરકટ છે અને તેનાથી કૌભાંડીઓ જ માલામાલ થાય છે. એકના ડબલ કરવાની રાતોરાત દુકાન ખોલનારા ધૂતારાથી વિશેષ કંઈ જ નથી. જેમાં ફસાયા બાદ જનતાના ભાગે તો અંતે રોવાનું જ આવે છે. પૈસાનું મોટું વળતર મળવાની લાલચમાં ફસાયેલાઓની આપણે ત્યાં કમી નથી. રોજબરોજ લેભાગુ કંપનીઓના પાટિયાં ઉતરી રહ્યાં છે છતાં જનતા તેમાંથી કોઈ જ બોધપાઠ લેવા માંગતી નથી એ કડવી વાસ્તવિક્તા છે. બધાને મહેનત કર્યા વિના, પરસેવો પાડયા વિના રાતોરાત કરોડપતિ થઈ જવું છે. ગાડી, બંગલો અને તગડું બેન્ક બેલેન્સ જોઈએ છે જે માટે હજુ કોઈ શોર્ટકટ શોધાયો નથી. હા, લેભાગુઓ આમાં માલામાલ થઈ જાય છે એ અલગ બાબત છે. રોકાણકારો પોતાની પરસેવાની કમાણી પરત લેવા માટે આખી જિંદગી ખર્ચી નાખે છે છતાં પણ વ્હાઈટ કોલર ક્રિમિનલોની પહોંચ એટલી ઊંચી હોય છે કે એક ફૂટી કોડીએ પણ પરત આપી શક્તા નથી. બિચારા, રોકાણકારોના રામ બોલો ભાઈ રામ થઈ જાય છે અને છતાં પણ અન્ય લોકો તેમાંથી કંઈ જ શીખવા માંગતા નથી. ખરેખર તો આવા કૌભાંડીઓની સાન ઠેકાણે લાવવી જોઈએ એ સમયની માંગ છે. પૈસો કેમ કરી કમાવાય છે એ તો એ જ જાણે છે કે, જે દિવસ-રાત કાળી મજૂરી કરે છે. લોકોના ઘરે પૈસાના ઝાડ ઊગતા નથી કે તેના ઉપરથી તોડી લાવીને ધૂતારાઓને આપી દે. પોલીસ કે કાયદાનો કોઈ ડર ન રાખનારા આવા કૌભાંડીઓ પ્રકાશમાં આવ્યા જ કરે છે. ક્યાંક રાજકીય પીઠબળ મળે છે તો ક્યાંક કાયદાની રક્ષક એવી પોલીસના પણ છૂપા આશીર્વાદ મળે છે. જેમાં મરો થાય છે રોકાણકારોને કે જેમની મદદ કરવામાં પણ ક્યારેક પોલીસ હાથ અધ્ધર કરી દે છે. આશા રાખીએ કે, જનતા અંધશ્રદ્વામાંથી બહાર આવે, લેભાગુ કંપનીઓ ઉપર આંધળો વિશ્વાસ ન મૂકે અને પોતાની જિંદગીની પરસેવાની કમાણી કૌભાંડીઓના હાથમાં ન આપે.

રાજ્યમાં બે દસકામાં 20,000 કરોડથી વધુના કૌભાંડ આચરાયાં

ગુજરાતની ભોળી પ્રજાને ફસાવવા માટે છેલ્લા બે દસકાથી વ્હાઈટ કોલર ક્રીમીનલો દ્વારા ૧૩૦ થી વધુ જુદી-જુદી સ્કીમો મુકીને રૂ.૨૦ હજાર કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ  છે. આ કૌભાંડીઓ સામે પોલીસે ગુના નોંધીને આરોપીઓની ધરપકડ તો કરી હતી પરંતુ તપાસની ખામીઓને લીધે કેટલાક આરોપીઓ ચાલુ કેસમાં ડીસ્ચાર્જ અરજીઓ મંજૂર કરી આવ્યા છે.

જે આરોપીઓ ડીસ્ચાર્જ અરજીઓ મંજૂર કરાવી હતી તેઓ મોટા એજન્ટો હોવાનો આક્ષેપ હતો. જ્યારે નાના એજન્ટોને આરોપીઓ તરીકે કેસમાં હાલ ચાલુ રાખવામાં આવ્યા છે. ઈમ્તસન્સ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને ઈમ્તફામ સ્ટોક બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીઓ ચાલુ કરીને લાખો રોકાણકારોના રૂ.૮૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચરનારને સીબીઆઈએ પકડીને જેલમાં મોકલી આપ્યો હતો.જેની જાણ ક્રાઈમ બ્રાન્ચને હોવા છતા તેની ધરપકડ નહીં કરવાથી તે ફરીથી રફુચક્કર થઈ ગયો હતો. આમ ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઈમ્તિયાઝ સૈયદનું કોર્ટમાંથી બીન જામીન લાયક વોરન્ટ મેળવીને ફાઈલમાં રાખી મૂક્યું હતું.

ઈમ્તિયાઝ સૈયદે ઈમ્તસન્સ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને ઈમ્તફામ સ્ટોક બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીઓ ખોલીને ૮૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ હતું. જેમાં મુખ્ય એજન્ટો અને નાના એજન્ટોની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું. આ કરોડો રૂપિયાના કૌભાંડમાં ઈમિત્યાઝ સૈયદની મિલ્કતો પોલીસે જપ્ત કરીને ઈન્કમેટક્ષને જાણ કરી હતી. ઈન્કમેટક્ષ વિભાગે સૈયદની નવરંગપુરા, નહેરુબ્રિજ પાસે આવેલ સાકાર -૭ સહિતની જગ્યાએ આવેલી મિલકતો ટાંચમાં લીધી હતી.

2017માં મુંબઈમાં બૅન્કિંગની છેતરપિંડી

વ્હાઈટ કોલર ક્રાઈમ’ તરીકે ઓળખાતી આર્થિક છેતરપિંડીમાં ગયે વર્ષે આંશિક ઘટાડો નોંધાયો છે, પરંતુ જોકે, પ્રોપર્ટી સંબંધિત છેતરપિંડીનું પ્રમાણ વર્ષ 2016ના રૂા.4,273 કરોડથી બમણું થઈ 2017માં રૂા.9838 કરોડનું થયું હતું.

મુંબઈમાં વિવિધ નાણાકીય છેતરપિંડીના 70 ટકા જેટલા કેસ પોપર્ટીને લગતા છે. મુંબઈ પોલીસના આંકડા અનુસાર વર્ષ 2017માં આર્થિક ગુના વિભાગમાં 109 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2016માં 119 કેસ નોંધાયા હતા. રોકાણ સંબંધી અને ઘર સંબંધી છેતરપિંડીના આંકડાઓમાં વધારો થયો છે. 2017માં રોકાણ સંબંધિત પાંચ મોટા કેસ નોંધાયા છે જેમાં પેન કાર્ડ ક્લબ્ઝ કેસમાં રૂા.7,000 કરોડથી વધુ રકમ સંડોવાયેલી છે, એમ આર્થિક ગુના વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય નાણાકીય ગુના વર્ષ 2016ની સરખામણીમાં ઘટયા છે. બૅન્કિંગ સંબંધિત છેતરપિંડીના કેસ 12થી ઘટીને સાત થયા છે. સામાન્ય છેતરપિંડી કેસ 38થી ઘટીને 33 અને શૅર સંબંધિત કેસ 12થી ઘટીને પાંચ થયા છે.

ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અૉફ પોલીસ પ્રવીણ દીક્ષિતે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં વ્હાઈટ કોલર ગુનાઓમાં ઘટાડો થશે. કેમ કે લોકો જાગૃત થઈ રહ્યા છે અને કાયદા પણ સુવ્યવસ્થિત થયા છે. વ્યવસ્થાને સુરક્ષિત બનાવવા માટે આરબીઆઈએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

જોઈન્ટ કમિશનર અૉફ પોલીસ (આર્થિક ગુના વિભાગ) આશુતોષ દુમ્બરેએ જણાવ્યું હતું કે, લોકોમાં હવે જાગૃતિ આવી છે. પરંતુ અમને લાગે છે કે હજી ઘણું કરવાનું છે. જ્યારે પીડિત પોલીસ પાસે આવે ત્યારે તેને ખૂબ મોટી આશા હોય છે અને અમે તેની આશાને પૂરી કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ[:]