છેલ્લા બે વર્ષમાં રાજયના પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બની રહેલા આત્મહત્યાના કિસ્સા

અમદાવાદ,તા.21

રાજ્યના પોલીસ બેડામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર કામગીરીનું ભારણ માનસિક તણાવ રહેતો હોય છે. જેના કારણે છેલ્લા બે વર્ષમાં એક ડીવાયએસપી અને ચાર પીએસઆઈ સહિત પાંચ અધિકારીઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી જ ગોળી મારી આત્મહત્યા કરી લીધાના બનાવો બનેલા છે. જ્યારે રાજકોટમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલની હત્યા-આત્મહત્યાનો બનાવ પણ ભારે ચર્ચાસ્પદ બનેલો છે.

આત્મહત્યાનું મુખ્ય કારણ: નોકરીમાં માનસિક તાણ

પોલીસની નોકરી એટલે સતત 24 કલાકની નોકરી અને તેની સાથે ભરપૂર શારીરિક અને માનસિક દબાણ રહેલું હોય છે. પોલીસ કર્મચારી અને અધિકારીઓએ સતત એક પ્રકારના માનસિક તણાવમાં રહીને પોતાની કારકિર્દીને આગળ ધપાવવાની હોય છે. જો કે આ નોકરીમાં કેટલાક લોકો પોતે નિષ્ફળ રહેશે તેવા ડરથી પોતાના જીવનને ટૂંકાવી નાખતા હોવાના અનેક બનાવો બને છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં જ એક ડીવાયએસપી અને ચાર પીએસઆઇએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધાના બનાવો બન્યા છે.

સર્વિસ રિવોલ્વરથીજ જે પોલીસ અધિકારીઓએ જીવન ટુંકાવ્યુ

જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા મૂળરાજસિંહ વાળાએ ગત માર્ચ 2019માં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

જ્યારે ગત નવેમ્બર-2018માં અમદાવાદનાં ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા અને કરાઈ પોલીસ મથકમાં તાલીમી પીએસઆઇ તરીકે કાર્યરત એવા દેવેન્દ્રસિંહ રાઠોડે પોતાના ઘરે સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી પોતાની જીવાદોરી ટૂંકાવી નાખી હતી.

આવી જ રીતે ગાંધીનગર ખાતે ક્વિક રિસ્પોન્સ ટીમમાં પીએસઆઇ તરીકે ફરજ બનાવતા કુંવરસિંહ આહિરે પણ નવેમ્બર-2018માં પોતાના ઘરે સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી.

જ્યારે ગત સપ્ટેમ્બર-2018માં વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એસ.એસ. જાડેજાએ પણ કામગીરના ભારણથી ત્રસ્ત થઈને પોતાના ઘરે સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી.

તાજેતરમાં 17 સપ્ટેમ્બર-2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેવડીયા મુલાકાત દરમિયાન બંદોબસ્તમાં આવેલા નવસારીના પીએસઆઇ એન.સી. ફિનાવિયાએ સેલ્ફિ માટે સહકર્મીની સર્વિસ રિવોલ્વર માંગીને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે આ ઘટના ભારે ચર્ચામાં આવી હતી.

ચર્ચાસ્પદ ખુશ્બુ-રવિરાજ કેસ

 

રાજકોટ પોલીસમાં મહિલા એએસઆઇ તરીકે ફરજ બજાવતી ખૂશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. જેમાં રવિરજ પરિણીત હતો જ્યારે ખૂશ્બુ અપરિણીત હતી. જેના કારણે બંને વચ્ચે કોઈ કારણસર ઝગડો થયો હતો. જેમાં ખૂશ્બુએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી પહેલા રવિરજને ગોળી મારી અને ત્યારે બાદ પોતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.