નર્મદા બચાવો આંદોલનનો દાવો છે કે જો ડેમને આશરે 138 મીટરની મહત્તમ ઊંચાઈએ ભરવામાં આવે તો 192 ગામો અને આશરે 40,000 પરિવારોના ઘર, મિલકત અને ખેતરો ડૂબી જશે. તમામ વિસ્થાપિત લોકોને ન તો યોગ્ય વળતર આપવામાં આવ્યુ છે, ન તો તેમના યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા બચાવો આંદોલન નેતા મેધા પાટકરની આગેવાની હેઠળ વિસ્થાપનની સ્થિતિને કારણે નારાજ લોકોએ છોટા બરડા ગામે જળ સત્યાગ્રહ આંદોલન 2017માં કર્યું હતું અને અંજારથી છોટા બરડા ગામ સુધી વિરોધ કૂચ કાઢી હતી.
2017માં સરદાર સરોવરની સપાટી વધતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી
2017માં સરદાર સરોવર ડેમ 128 મીટરથી વધુની સપાટીએ વટાવાના કારણે મધ્યપ્રદેશના ધર અને બરવાની એમ બે જિલ્લાના ચીખલદા, ધર્મરી અને કાકરાણા અને નિસારપુર શહેર સહિતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ કારણે 300થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
નર્મદા નજીક આવેલા વિસ્તારો આંશિક ડુબી જવાનો ભય
ડેમ પ્રોજેક્ટથી વિસ્થાપિત હજારો લોકો હજી પણ આ નદીના કાંઠે તેમની મૂળ વસાહતોમાં છે. મોટાભાગના લોકોએ પાણીનું સ્તર વધવા છતાં ઘર છોડ્યું નથી સરકારી સ્ટાફ આ લોકોને શાંતિપૂર્ણ રીતે સ્થળ છોડી દેવા માટે વિનંતી કરી રહ્યું છે. જો નર્મદા બંધની સપાટી વધે તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાનો ભય છે.
મધ્ય પ્રદેશના વિસ્થાપીતો માટે 3000 હંગામી મકાનો, 88 કાયમી રહેણાંકો
સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટ આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વસન સ્થળો બનાવવામાં આવ્યા છે.