બંકિમ પટેલ
અમદાવાદ,તા:25
દારૂ-જુગારના ધંધામાં આંખ આડા કાન કરી લાખો રૂપિયાના હપ્તા લેતી પોલીસનું સ્તર એટલી હદે કથળી ગયું છે કે, હવે અમદાવાદ પોલીસ ડ્રગ્સના હપ્તા પણ ખાવા લાગી છે. કેટલાક મહિના અગાઉ ડ્રગ્સ માફિયા ફિરોઝ ચોરનો ધંધો પતાવી દેવાની શેખી મારતા શહેરના એક ડીસીપી મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનો હપ્તો મેળવે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એમડી ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર ફિરોઝ ચોર મહિને દહાડે પોલીસને પંદરેક લાખ જેટલો હપ્તો પહોંચાડે છે અને આ હપ્તાબાજી છેલ્લા દોઢેક વર્ષથી ચાલી આવે છે.
કારંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સલાપસ રોડ પર વર્ષોથી રહેતો ફિરોઝ મોહંમદહનીફ શેખ ઉર્ફે ફિરોઝ ચોર વાહન ચોરી કરતો હતો ત્યારથી પોલીસ તેને ઓળખે છે. વાહન ચોરી બાદ ફાયનાન્સ કંપનીઓ માટે વ્હિકલ સીઝીંગનું કામ કરતો ફિરોઝ ચોર એમડી ડ્રગ્સનો શહેરમાં મુખ્ય સપ્લાયર બની ગયો. ફિરોઝ ચોરની ચઢતી અને પડતીની કારંજ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ સાક્ષી છે. દારૂ-જુગારના અડ્ડા ચલાવતા બુટલેગરો પાસેથી આઈપીએસ અધિકારીઓથી લઈને લોકરક્ષક સુધીના તમામ લોકો હપ્તા ઉઘરાવે છે.
ફિરોઝ ચોરે પાંચેક વર્ષ અગાઉ કોટ વિસ્તારમાં એમડી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. શરૂઆતમાં મ્યાંઉ મ્યાંઉના નામથી ઓળખાતું એમડી ડ્રગ્સ નજીવો નફો લઈને નશાખોરોને આપવામાં આવતું હતું. એમડી ડ્રગ્સનો ઉપયોગ થોડાક જ મહિનાઓમાં કોટ વિસ્તારથી આગળ વધીને પશ્ચિમ અને પૂર્વ અમદાવાદમાં ફેલાઈ ગયો હતો. સ્થાનિક પોલીસ અને પોલીસ એજન્સીઓના આર્શીવાદ તેમજ લાપરવાહીના કારણે ડ્રગ્સનો ધંધો રોકેટ ગતિએ વધ્યો અને રોજના ત્રણથી ચાર લાખનો નફો ફિરોઝ ચોર રળવા લાગ્યો. ફિરોઝનો ધંધો વધતા પોલીસનો હપ્તો પણ વધવા લાગ્યો. શહેર અને રાજ્યના કેટલાક આઈપીએસ અધિકારીઓ ફિરોઝ ચોરના ધંધાથી વાકેફ છે. ભૂતકાળમાં કેટલાક અધિકારીઓએ ફિરોઝ ચોરનો બાતમીદાર તરીકે ભરપૂર ઉપયોગ કર્યો છે અને કદાચ તેના અહેસાનનો બદલો ખિસ્સા ગરમ કરીને ચૂકવે છે.
અમદાવાદમાં રખડતા ફિરોઝને શોધવા ક્રાઈમ બ્રાંચનું નાટક
કોકેન અને એમડી ડ્રગ્સ કેસમાં પોલીસ ચોપડે વૉન્ટેડ દર્શાવાયેલા ફિરોઝ ચોર અને તેની પત્ની અંજુમની ધરપકડ હજી સુધી કરાઈ નથી. ઉમરાહ કરવા ગયેલો ફિરોઝ ચોર હજુ સુધી આવ્યો નથી તેમ કહી ક્રાઈમ બ્રાંચ નાટક રમી રહી છે. પાંચેક દિવસ પહેલાં અમદાવાદમાં આવી ગયેલો ફિરોઝ ક્યારે અને ક્યાં ગયો તેમજ પરત આવ્યો છે કે નહીં તેની જાણકારી મેળવવા ક્રાઈમ બ્રાંચે ઈમિગ્રેશન વિભાગને પત્ર લખ્યો છે. અંજુમે ગત મંગળવારે જોડીયા બાળકોને જન્મ આપ્યો હોવાથી માનવતાના ધોરણે તેની ધરપકડ નથી કરી તે સારી વાત છે. જો કે, ડ્રગ્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર ફિરોઝ ચોર છેલ્લા છ દિવસથી અમદાવાદમાં રખડી રહ્યો છે. આ વાત ક્રાઈમ બ્રાંચની મેલી મુરાદની ચાડી ખાય છે.
ચારેક મહિના અગાઉ કેસ નહીં કરવા પેટે લાખો પડાવ્યા
શહેર ક્રાઈમ બ્રાંચના રિઢા પોલીસ કર્મચારીઓએ ફિરોઝ ચોરનો ચારેક મહિના પહેલા લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. એક ચર્ચા મુજબ ફિરોઝ ચોરને ડ્રગ્સ સાથે રિલીફ રોડ પર પકડવામાં આવ્યો હતો. એનડીપીએસના કેસથી બચવા માટે ફિરોઝ ચોરે ક્રાઈમ બ્રાંચને હાથપગ જોડ્યા હતા. આખરે આ કેસમાં ક્રાઈમ બ્રાંચના કમાઉ બાતમીદારની એન્ટ્રી થાય છે અને લાખો રૂપિયા મળતા પોલીસ કેસ કર્યા વિના પરત ફરે છે. ભાઈ લોગોમાં થતી ચર્ચા મુજબ તોડની જુદીજુદી રકમ સાંભળવા મળે છે. પાંચ લાખથી લઈને 80 લાખ સુધીની રકમનો તોડ કર્યાની ચર્ચા થાય છે. તોડની વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા આ મામલે તપાસ કરવામાં આવી હોવાનું પણ ક્રાઈમ બ્રાંચના એક અધિકારીનું કહેવું છે. ફિરોઝ ચોરના ઘર તેમજ આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ આક્ષેપિત પોલીસવાળા ઓના મોબાઈલ ફોનના સીડીઆર-લોકેશન પણ તપાસ માટે મેળવવામાં આવ્યા હતા, પરંતુ ફળદાયી હકિક્ત સામે આવી ન હતી. એક સીનીયર અધિકારીએ તો એમડી કેસના આરોપી શહેજાદ તેજાબવાલાએ આ અફવા ઉડાડી હોવાનું કહી વાતનો છેદ ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો. એક ચર્ચા મુજબ તોડ કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર બાતમીદારને ફિરોઝ ચોરે ધમકી આપી હતી. જો કે, પાછળથી કેટલાક ભાઈ લોગોએ બંને વચ્ચે સમાધાન કરાવી દીધું અને ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓના આર્શીવાદથી બંનેનો ધંધો ફૂલ્યો ફાલ્યો.