અમદાવાદ,તા:૧૦
આપણે અહીંથી ઘેરી મંદીમાં પ્રવેશ કરીશુ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બેઝ મેટલ્સ બજાર જે અત્યારે માંગ પુરવઠાની સમતુલા ધરાવે છે તે અસમતોલ બની, વધુ ભાવઘટાડાનો સામનો કરશે. તમામ બેઝ મેટલમાંથી કોપરે ૨૦૧૯મા સૌથી ખરાબ સ્થતિનો સામનો કર્યો છે. વૈશ્વિક મેક્રો અર્થવ્યવસ્થાનાં નિરાશાજનક સેન્ટીમેન્ટે કોપરના નીચા ભાવ નીર્ધારણમાં મુખ્ય ભૂમિકા કરી છે. રોકાણકારો પૂછી રહ્યા છે કે ડો. કોપરને આ શુ થઇ ગયું છે? માંગ અત્યારે મુખ્ય મુદ્દો છે પણ ૧૦ અને ૧૧ ઓક્ટોબરે ચીન અને અમેરિકા વચ્ચે યોજાનારી વેપાર વાટાઘાટોમાંથી શુ નીપજે છે અને યુએસ ફેડરલ રીઝર્વ તેની નાણાનીતિમાં કેવુંક પાણી નાખે છે તેના પર ભાવનો બધો આધાર છે.
અત્યારે તો ડો. કોપરે પોતાનો વૈશ્વિક અર્થતંત્રોની તંદુરસ્તી સંદર્ભનો મત વ્યક્ત કરી દીધો છે અને તે કઈ સારો તો નથી જ. આપણે કહી શકીએ કે બેન્ચમાર્ક મેટલમાં અફડાતફડી પણ શક્ય છે. અલબત્ત, અર્થતંત્ર અને કોમોડીટી બજારની સર્વાંગી તંદુરસ્તીનું બેરોમીટર કહેવાતી ધાતુને આથી જ ડો. કોપરનું હુલામણું નામ આપવામાં આવ્યું છે. વોશિંગટન ખાતે મળનારી ચિન-અમેરિકા વેપારવાર્તા અગાઉ બુધવારે એલએમઈ કોપર બે વર્ષની બોટમે ૫૬૮૦ ડોલર બોલાઈ હતી. અત્યારે આપણે એવા સમય સ્થાને ઉભા છીએ, જ્યાંથી ટ્રેડ વોર વાટાઘાટો પૂર્વે જબ્બર આશાવાદ નિર્માણ થાય અને પછી જાણે કઈ ન બન્યું હોય તેવા નકારાત્મક સમાચાર આવતા હોય છે.