દેહ વેચતી 9 મહિલાઓ અને દેહ લૂંટતા 11 પૂરૂષો પાટણથી પકડાયા, કોણ છે એ ?

પાટણ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસે કુટણખાના ઉપર એકસામટી રેઈડ કરી હતી. મહિલા પોલીસ સહિતની વિશેષ ટીમે ત્રણ સ્થળે રેઈડ કરતાં કુલ 9 મહિલા અને 11 પુરુષ ઝડપાઇ ગયા હતા. આ દરમ્યાન બે આરોપી નાસી ગયા હતા. લાંબા ગાળા બાદ દેહવ્યાપાર ઉપર પોલીસે એક જ દિવસમાં મોટી કાર્યવાહી કરી છે.
પાટણ શહેરમાં દેહવ્યાપાર મોટાપાયે ચાલતો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. નશીબ ગેસ્ટ હાઉસ, વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસ અને હાંસાપુર નજીક રહેણાંક મકાનમાં પોલીસની ટીમે રેઈડ કરી હતી. જેમાં 9 મહિલા દેહવ્યાપાર કરતી હોવાનું સામે આવ્યું હતું. આ દરમ્યાન 9 પુરુષ પકડાઈ જતાં ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસ પરથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવતાં અલગથી ગુન્હો નોંધવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણમાં અગાઉથી દેહવ્યાપાર સામે રેઈડ કરવામાં આવતી રહી છે. જોકે દેહવ્યાપાર સાથે સંકળાયેલા રેઈડ બાદ સ્થળ અને નામ બદલી ફરી અનૈતિક ધંધો ચાલુ કરે છે. આવી સ્થિતિમાં એકસામટી રેઈડ અને કાર્યવાહી પાટણમાં સદંતર અને કાયમી દેહવ્યાપાર અટકાવશે તે સવાલ સૌથી વધુ મહત્વનો બન્યો છે.