અમદાવાદ, તા.22
અતિ સંવેદનશીલ ગણાતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની દિવાલ તૂટી ગઈ છે. નશાખોર ટ્રેકટરચાલકે કાબૂ ગુમાવતા એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના બાદ આરોપી ટ્રેકટર ચાલક સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો. એરપોર્ટની દિવાલ તૂટી પડતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. કોઈ વ્યક્તિ રન-વે પર ઘૂસીના જાય તે માટે સીઆઈએસએફના જવાનોને તૈનાત કરી દેવાયા છે.
અમદાવાદ એરપોર્ટની કુબેરનગર માયા સિનેમા તરફની દિવાલમાં એક ટ્રોલી સાથેનું ટ્રેકટર ઘૂસી ગયું હતું. નશામાં ધૂત ચાલકે ટ્રેકટર પરનો કાબૂ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. દિવાલ સાથે ટ્રેકટર ટકરાતા એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતા એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળતી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને એરપોર્ટ ઓથોરિટીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. રવિવાર હોવાથી તૂટી ગયેલી દિવાલ પાસે રન-વે અને પ્લેન જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. સુરક્ષાના કારણોસર સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસેબંદોબસ્ત ગોઠવી દઈ લોકોને દૂર કર્યા હતા. જી ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ફરાર ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધી ટ્રેકટર-ટ્રોલી કબ્જે કરી હતી.