નાના વેપારીઓને રિટર્ન ફાઈલ કરવામાં એક વર્ષનું એક્શટેન્શન અપાવાની શક્યતા

અમદાવાદ,ગુરૂવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કાઉન્સિલની આગામી 20મી સપ્ટેમ્બરે મળનારી બેઠકમાં નાના વેપારીઓને તેમના 2017-18ના નાણાંકીય વર્ષનું રિટર્ન ફાઈલ કરવામાં એક વર્ષ સુધીની રાહત આપવામાં આવે તેવી સંભાવના હોવાનું સ્ટેટ જીએસટીના ટોચના સૂત્રોનું કહેવું છે. 2017આ માટે વેપારીઓને 2017-18ના પહેલા ત્રણ મહિનામાં વેલ્યુ એડેડ ટેક્સ -વેટની વ્યવસ્થા હતી અને પહેલી જુલાઈ 2017 પછી જીએસટીની વ્યવસ્થા અમલમાં આવી છે. વેટના જમા કરાવેલા નાણાંની ટેક્સ ક્રેડિટને કેરી ફોરવર્ડ કરવામાં તકલીફ પડી રહી છે. ડિપાર્ટમેન્ટ અને વેપારીઓ વચ્ચે તે મામલે મતમતાંતર પડી રહ્યા છે. તેથી આ મુદ્દામાં પહેલા મોટી સંખ્યાના વેપારીઓને બાદ કરી દઈને મોટી રકમવાળા વેપારીઓ કે કંપનીઓને આવરી લઈને તેમના કેસ નિપટાવી દેવાનું વલણ સરકાર ધરાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ તેઓ નાના વેપારીઓને આવરી લે તેવી સંભાવના છે.

રૂા.2 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધારવાત વેપારીએ તેના જીએસટીઆર-9ની સાથે જ તેમના એકાઉન્ટ ઓડિટ કરાવીને મેળવણું કરાવીને જીએસટીઆર-9સી પણ ફાઈલ કરવાનું છે. તેવી જ રીતે કોમ્પોઝિશન (લમસમ)ની સ્કીમનો ઉપયોગ કરનારા રૂા.1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારા વેપારીઓએ જીએસટીઆર-9એ પણ ફાઈલ કરવું પડશે. આ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30મી નવેમ્બર છે. જ્યારે 2018-19ના રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2019 છે. નાના વેપારીઓને તેમના રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ પડી રહી છે. વાર્ષિક રિટર્નમાં માસિક અને ત્રિમાસિક રિટર્નની જ વિગતો એકત્રિત કરીને મૂકવાની છે. તેના પરથી ટેક્સની જવાબદારી અને ટેક્સની ક્રેડિટની વિગતો રિફ્લેક્ટ થાય છે. પરંતુ ટેક્સ ક્રેડિટનું ઇનપુટ સર્વિસમાં, વેપારી દીઠ વિભાજન કરવામાં એચએસએન (હારમોનાઈઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર) અને ઇનવાર્ડ સપ્લાયની જીએસટીના રેટ પ્રમાણેની સમરી જેવી વધારાની જરૂરિયાતો વેપારીઓની પરેશાનીમાં વધારો કરી રહી છે.

આ આયોજનને અમલમાં મૂકવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ વાર્ષિક બે કરોડનું અને વાર્ષિક પાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને બે અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરી દે તેવી સંભાવના છે. જાણકારોનું કહેવું છે કે આ વેપારીઓને હજી એક વર્ષ સુધી જીએસટીનું 2017-18ના વર્ષનું રિટર્ન ફાઈલ કરવામાંથી મુક્તિ આપવામાં આવે તેવી સંભાવના છે. દેશમાં 2018-19ના નાણાંકીય વર્ષ પછી જૂન 2019 સુધીમાં દેશમાં 1.39 કરોડ જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતા કરદાતાઓની આકારણી કરવાની થાય છે. તેમાંથી 86 ટકાનું ટર્નઓવર રૂા. 2 કરોડથી ઓછાનું છે. તેમ જ રૂા. 5 કરોડ સુધીના ટર્નઓવર ધરાવનારાઓની સંખ્યા 6 ટકા છે. આ બંનેને એક વર્ષ સુધી રિટર્ન ભરવાની તારીખ લંબાવી આપવામાં આવે તો તેવા સંજોગોમાં બાકીના આઠ ટકા કેસ, જેમાં ડિપાર્ટમેન્ટને મહત્તમ આવક થાય છે, તેનો નીવેડો લાવી શકાશે. આગામી 20મી સપ્ટેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી મળી જવાની સંભાવના જોવામાં આવી રહી છે.

અમદાવાદના જીએસટીના નિષ્ણાત વારિશ ઇસાનીનું કહેવું છે કે  વેપારીઓએ જીએસટીઆર-1માં વેચાણની વિગતો આપેલી છે. વેચાણની વિગતો, બિલ નંબર, એમાઉન્ટ વગેરી વિગતો આપવામાં આવેલી છે. આ રિટર્મ માસિક અને ત્રિમાસિક ધોરણે ટર્નઓવરના સ્લેબ પ્રમાણે ભરવાના થાય છે. જ્યારે જીએસટીઆર – 3બીમાં ખરીદી અને વેચાણની સમરી ભરવાની હોય છે. તેમાં સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટીની અલગ અલગ વિગતો દર્શાવવાની હોય છે. પરચેઝ કોની પાસેથી કરી તેની વિગતો સાથેનું બાઈફર કેશન તેમાં આપવાનું હોય છે. આ બંને ફોર્મ આવ્યા ત્યારે સરકારે જણાવ્યું હતું કે આ બંને રિટર્નમાં આપવામાં આવેલી વિગતો એન્યુઅલ રિટર્ન જીએસટીઆર9-1માં આપોઆપ જ રિફ્લેક્ટ થઈ જશે અને વેપારીઓએ મહેનત કરવી પડશે નહિ. વાસ્તવમાં તેવું નથી. વેપારીઓએ ભરેલા રિટર્નની તમામ વિગતો રિફ્લેક્ટ થતી નથી. તેથી વેપારીઓની જફા વધી ગઈ છે.

આ રિટર્ન ફાઈલ કરવાની જવાબદારી માત્ર ચાર્ટર્ડ  એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટને સોંપી હતી. તેમની કુશળતા વધુ હોવાનું દર્શાવીને આ રિટર્ન ફાઈલ કરવાથી એડવોકેટને દૂર રાખ્યા હતા. હવે સી.એ.ને તથા કોસ્ટ એકાઉન્ટન્ટને પણ તેમાં તકલીફ પડી રહી છે. તેમાં આવડતનો અભાવ નથી, પરંતુ જફા વધારે છે. દરેક ડિટેઈલ માગવામાં આવી છે. તેમાં એચએસએન કોડ નાખવાની જફા પણ વચ્ચે વધારવામાં આવી હતી.

હવે બીજો એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. અગાઉના રિટર્નમાં વેપારીએ તેની ટેક્સ ક્રેડિટ સો રૂપિયાની બતાવી હોય, પરંતુ વાર્ષિક હિસાબ કરે ત્યારે તેને ખબર પડે કે તેણે તો 130 રૂપિયાની ક્રેડિટ લેવાની થાય છે. હવે આ રિટર્નમાં વધારાની ક્રેડિટ ક્લેઈમ કરવાના ઓપ્શન જ આપવામાં આવ્યા નથી. બીજી તરફ જીએસટીઆર-9માં કોઈ વેપારીને લાગે કે તેની ટેક્સ ક્રેડિટ રૂા. 100 નહિ, પણ માત્ર રૂા. 60 જ થાય છે તો તે ઘટાડવાનો ઓપ્શન તેમણે આપ્યો છે. આ બધી જોગવાઈઓ બંધારણની મૂળભૂત ભાવનાથી વિપરીત છે. તેને કારણે મોટા કરદાતાઓની હાલાકીનો અંત આવતો નથી. તેમને માટે નવા ફોર્મ્સ તૈયાર કરવા જ પડશે. ટેકનિકલ અવરોધને પરિણામે વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાનું મુલતવી રાખવું પડે તે કોઈપણ રીતે સારો નિર્દેશ નથી. ડિજિટલ ઇકોનોમિની દિશામાં આપણે આગળ વધી રહ્યા હોવાની વાત કરી રહ્યા છીએ ત્યારે આ વલણ ઉચિત નથી જ નથી. રિટર્ન ફાઈલ કરવાનું વિલંબમાં મૂકવાને પરિણામે સરકારને થનારી આવક પર પણ અસર પડશે અને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આવકમાંથી આપવાના થતાં હિસ્સાની રકમ આપવામાં પણ તકલીફ પડશે.