પર્યાવરણની મંજૂરી વિના જ ચાઈનિઝ કંપનીનું ભૂમિપૂજન કરતાં રૂપાણી

ઉદઘાટનો કરવામાં શૂરા વિજય રૂપાણી સરકારનો મોટો છબરડો

મુંદ્રા

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. જેમાં રૂપાણીએ પોતે જે ચાઇનીઝ કંપનીનું વાજતે ગાજતે ભૂમિપૂજન કર્યું તે કચ્છના મુન્દ્રા તાલુકાના કુંદરોડી ખાતે આવેલી ક્રોમેની સ્ટીલ કંપનીએ પર્યાવરણ અંગેની મંજૂરી વગર જ બાંધકામ અને ઉત્પાદન શરૂ કરી દેતા સ્થાનિક નાગરિક ગજુભા જાડેજા અને ભરત પટેલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(એનજીટી)માં પડકારતાં એનજીટીએ રૂપાણી સરકારના જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટના આધારે ચાઇનીઝ કંપનનીના કામકાજ પર રોક લગાવીને સૌથી પહેલા કેન્દ્રીય મંજૂરી લેવા આદેશ આપ્યો છે. સવાલ એ છે કેશું સરકારને જાણ નહોતી કે કંપનીએ પર્યાવરણની મંજૂરી લીધી નથી? અને મોટા ઉપાડે ભૂમિપૂજન માટે સરકાર દોડી ગઇ?

સ્થાનિક આગેવાન અને અરજદાર ગજુભા જાડેજાએ એનજીટીના હુકમની નકલો દર્શાવીને કહ્યું કે ૨૦૧૮માં ચાઇનીઝ કંપની ક્રોમેની સ્ટીલ પ્રા. લિ.નું ભૂમિપૂજન સીએમ રૂપાણી દ્વારા ૨૩ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કરવામાં આવ્યું હતું. કંપનીને વાર્ષિક ૭ લાખ ટન સ્ટીલ ઉત્પાદનની મંજૂરી આપવામાં આવી હતી. આવા પ્રકારના પ્રોજેક્ટ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેન્દ્રના પર્યાવરણ અને વન વિભાગની મંજૂરી અનિવાર્ય કરવામાં આવી છે. ઇઆઇએ નોટીફિકેશન-૨૦૦૬ હેઠળ આ પ્રજેક્ટથી પર્યાવરણને અસર નહીં થાય તેની ખાતરી સાથેના જરૂરી દસ્તાવેજો સાથે પર્યાવરણની મંજૂરી જરૂરી હોવા છતાં ખુદ સીએમ ભૂમિપૂજન માટે આવતા હોય તો પર્યાવરણ વિભાગની મંજૂરીની શું જરૂર છે એવા કોઇ મદમાં રાચીને કંપનીએ સીએમ પાસે ભૂમિપૂજન કરાવ્યું હતું.

તેમણે કહ્યું કે જ્યાં આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે ત્યાં પ્રદૂષણ સહન કરવાની ક્ષમતા પૂરી થઇ ગઇ છે. છતાં ૯ લાખ મેટ્રીક ટન સ્ટીલના ઉત્પાદનની ક્ષમતાવાળા પ્રોજેક્ટને કેમ મંજૂરી આપવામાં આવી તે એક અલગ વિષય હોઇ શકે. પણ અમે તેને એનજીટીમાં પડકાર્યું. અને સુનાવણીમાં એવું બહાર આવ્યું કે કંપનીએ ગુજરાત બોર્ડ કે કેન્દ્રીય પર્યાવરણ વિભાગની કોઇ જ મંજૂરી લીધી નહોતી અને વારંવાર ચેતવવા છતાં બાંધકામ પૂર્ણ કર્યુ.

એનજીટીએ ગુજરાતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપાયેલી માહિતી કે આ કંપની માટે કેન્દ્રના પર્યાવરણ અને વન-ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયની મંજૂરી અનિવાર્ય છે અને મંજૂરી ના મળે ત્યાં સુધી કંપનીને તમામ કામગીરી બંધ કરવા વચગાળાનો મનાઇ હુક્મ ફરમાવ્યો છે. સ્ટીલ રી-રોલીંગ પ્લાન્ટને ઇઆઇએ-૨૦૦૬ મુજબ પર્યાવરણ મંત્રાલયની મંજૂરી ફરજિયાત છે. તો શું રૂપાણી સરકારે કેન્દ્રમાં મોદી સરકારના પર્યાવરણ મંત્રાલયને અંધારામાં રાખીને બારોબાર બાંધકામ અને ઉત્પાદનની તથા બીઆઇએસની મંજૂરી આપી દીધી હતી?

એકતરફ ભાજપ ચાઇનીઝ પ્રોડક્ટનો મનામાં આવે ત્યારે બહિષ્કાર કરવાના એલાનો આપે અને બીજીબાજુ ચીનની કંપનીને ગુજરાતમાં વર્ષે ૭ લાખ મે. ટન સ્ટીલના ઉત્પાદનની મંજૂરી આપીને ભારતની સ્ટીલ કંપનીને મુશ્કેલીમાં મૂકવાનું કામ તો કર્યું નથી ને.?  એવા સવાલો પણ થઇ રહ્યાં છે. જે વિસ્તારની પ્રદૂષણ સહન કરવાની ક્ષમતા જ સમાપ્ત થઇ ગઇ છે ત્યાં આવડા મોટા પ્લાન્ટ નાંખવાની શું જરૂર પડી એમ પણ સ્થાનિક કક્ષાએ ચર્ચાઇ રહ્યું છે. પર્યાવરણની રક્ષા માટે સ્થાનિક આગેવાનો પોતાની લડત ચાલુ રાખશે એમ પણ જાણવા મળે છે.