અમદાવાદ,તા.11
ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લાખો રૂપિયાની ફેક કરન્સી રેકેટમાં સૌરાષ્ટ્રના ભાવનગરના શખ્સ અને અમદાવાદની પણ એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાજ્યભરમાં ગમે ત્યાં નકલી ચલણી નોટનો કાંડ થાય પરંતુ તેનો છેડો તો મોટેભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ જ હોય છે, એમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના ખૂંટવાડામાં ફેક કરન્સી મામલે તપાસ કરી રહેલી ભાવનગર પોલીસ અમદાવાદના ઘાટલોડિયાનાં યશ ઠાકરની ધરપકડ કરતા આરોપીઓ કેવી રીતે ટેકનોલોજીની મદદથી ફેક કરન્સીનો કારસો રચ્યો તે જાણી શકાયું છે. આ લોકો નકલી કરન્સી આબેહૂબ અસલી કરન્સી જેવી જ છાપતા હતાં. જેને સામાન્ય માણસ યોગ્ય જાણકારી ઓળખી પણ શકે નહીં.
બીજી બાજુ આ પ્રકારના લોકોને કારણે જ સામાન્ય નાણાકીય વ્યવહાર કરતાં આપણે ચલણી નોટોની ચકાસણી કરી લઈએ છીએ. આમ છતાં ઘણાં લોકો અસલી અને નકલી નોટમાં ફરક કરી શકતા નથી.
જેથી પોલીસ પણ ફેક કરન્સીના કેસમાં ફોરેન્સિક એકસપર્ટ પાસે યોગ્ય ચકાસણી કરાવે છે. જેને કોર્ટ પણ વૈજ્ઞાનિક પુરાવા તરીકે માન્ય ગણે છે.
ગાંધીનગર ખાતે આવેલી ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના ફિઝિક્સ વિભાગના ફોરેન્સિક એકસપર્ટ કહે છે કે, નોટબંધીને આટલો સમય થઈ ગયો હોવા છતા હજુ પણ જૂની બંધ થઈ ગયેલી રૂ ૫૦૦ અને રૂ ૧૦૦૦ની ચલણી નોટો તપાસ માટે આવી રહી છે. તો બીજીબાજુ સરકારે બહાર પાડેલી નવી રૂ ૨૦0 રૂ ૫૦૦ રૂ ૨૦૦૦ નકલી ચલણી નોટ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન માટે આવી રહી છે. જેમાં નવી રૂ ૨૦૦૦ની નકલી નોટનું પ્રમાણ સૌથી વધુ છે.
તેઓ ઉમેરે છે કે અમારી પાસે તપાસમાં આવતી નકલી ચલણી નોટ મોટે ભાગે લેસર પ્રિન્ટર, ઇન્કજેટ, સ્કેનર અને ડોટ મેટ્રિકસ પ્રિન્ટ હોય છે. આ પ્રકારના પ્રિન્ટરમાં મુખ્યત્વે ચાર રંગ હોય છે જેમા મજેન્ટા, સાયન, પીળો અને કાળો રંગ મુખ્ય હોય છે. આ રંગોનો બેઝ લઈ આરોપીઓ કલર મિક્સ કરીને નકલી નોટ છાપતા કે પ્રિન્ટ કરતા હોય છે. જેથી નકલી નોટ ક્યારેક ઘાટી તો ક્યારેક આછી છપાયેલી હોય છે. એફ એસ એલમાં તો અસલી અંને નકલી ચલણી નોટની ચકાસણી માટેના અદ્યતન સાધનો ઉપલબ્ધ છે.
મોટા ભાગની ફેક કરન્સી સૌરાષ્ટ-ઉ.ગુજરાતમાંથી મળે છે
સામાન્ય નાગરિક આર બી આઈ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી ચકાસણી કરવાથી અસલી અને નકલી ચલણી નોટ વચ્ચેનો તફાવત જાણી શકે છે. અલબત્ત આ મામલે ગ્રામ્ય વિસ્તારોમાં હજુપણ લોકો પૂરતી જાણકારી ધરાવતા નથી. જેનો લાભ નકલી નોટ છાપનારા લેતાં હોય છે. ફોરેન્સિક એકસપર્ટ કહે છે કે પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન માટે આવતા મોટાભાગના કેસ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને વાપી વિસ્તારોમાંથી આવે છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી માંડ 5 ટકા જેટલા કેસ આવે છે.
નકલી નોટની ઈન્ક પ્રસરી જાય છે
સામાન્ય માણસ પણ નકલી અને અસલી ચલણી નોટ વચ્ચેનો ભેદ પારખી શકે તે માટે ફોરેન્સિક એકસપર્ટ કહે છે કે અસલી ચલણી નોટની ઇન્ક ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા વળી હોય છે. અસલી નોટને પાણીમાં પલાળવા છતાં તેની ઇન્ક ફેલાતી નથી તેનું પ્રિન્ટિંગ પણ એવું ને એવું જ રહે છે.
પરંતુ જો આ જ પ્રકારની ચકાસણી નકલી ચલણી નોટની કરવામાં આવે તો તેની ઇન્ક તરત જ કાગળ ઉપર ફેલાઈ જાય છે. જેથી તુરંત જ અસલી અને નકલી નોટ વચ્ચેનો ભેદ પારખી શકાય છે, એમ તેઓ જણાવે છે.