મહારાષ્ટ્રમાં શનિવારે વહેલી સવારે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લઈને ઉગતા સૂર્યની સાથે સાથે રાજ્યની નવી સરકારનો ઉદય પણ થયો હતો. પરંતુ આ સરકાર માત્રને માત્ર મંગળવાર બપોર સુધી જ રહી એટલે કે માત્ર 80 કલાક જ ચાલી અને સરકારનું પતન થયું. આ આખા ઘટનાક્રમમાં નીતિ ઘડવામાં ધૂરંધર ગણાતા ભાજપની જૂગલ જોડીને રાજકારણ ના અઠંગ અને ખેરખાં ગણાતા એક મરાઠા નેતાએ ધોબીપછાડ આપી દેતાં ભાજપના માત્ર મહારાષ્ટ્ર નહિ પણ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અને આમ સત્તાની સાઠમારી અને સોગઠાંબાજી ગોઠવવામાં એનસીપીના કાકા પવાર ના પાવર સામે ભાજપના અમિત શાહની કારમી હાર થતાં ભાજપમાં પણ ભારે ગણગણાટ ફેલાઈ ગયો છે.
કાકા પવારના પાવર સામે જૂગલજોડી નબળી પડી
ભાજપના ખેરખાં કહેવાતા અને કોઈ પણ રાજ્યમાં બહુમતી ન હોવા છતાં સરકાર બનાવવા માટે તખ્તો ગોઠવી શકનારા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ ઉંધા માથે પટકાયા છે. અને તેમની આ ધોબી પછાડ માટે કાકા પવારનો જે પાવર છે એ વધુ પાવરફૂલ સાબિત થયો. ભાજપની હંમેશાથી અંગ્રેજો જેવી નીતિ રહેલી છે ભાગલા પાડો રાજ કરો. એ જ નીતિને અનુસરીને ભાજપની જૂગલજોડીએ કાકા-ભત્રીજા વચ્ચે તિરાડ પાડવાનો કારસો રચ્યો. પરંતુ અજિત પવારના કાકા શરદ પવાર આ બન્ને નેતાઓની ચાલ સમજી ગયા હતા અને તેમણે મોદી-શાહની જોડીને મોટી માત આપી અને સાબિત કરી દીધું કે મરાઠા રાજકારણમાં આ બે નેતાઓ ક્યારેય સફળ નહિ થઈ શકે. શરદ પવારે પોતાની રાજકીય કૂનેહથી ચાલ ચાલીને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જે પાસાં ફેંક્યા કે તેમાં તેઓ સફળ થયા અને અજિત પવારના રાજીનામાના પગલે ભાજપના મોદી અને શાહ સફાળા જાગ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ બન્ને નેતાઓને એમ હતું કે અજિત પવારને ફોડીને તેમને સાથે રાખીને યેનકેનપ્રકારેણ સરકારનું ગઠન થઈ જશે અને વિધાનસભામાં બહુમતી પણ મળી જશે. પરંતુ મોદી-શાહની જોડી પોતાની જ જાળમાં એવી ફસાઈ ગઈ કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ગૃહમાં શક્તિ પ્રદર્શન થાય એ પહેલાં જ ભાજપની સરકારનું બાળ મરણ થઈ ગયું અને છેવટે ભાજપને વિપક્ષમાં જ બેસવાનો વારો આવ્યો.
શરદ પવાર કસાયેલા નેતા સાબિત થયા
મરાઠા રાજકારણમાં ઉંચા ગજાના રાજનેતા તરીકે જેમની ગણના થાય છે એવા શરદ પવાર રાજનીતિના અઠંગ ખેલાડી છે એ વાત તેમણે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારને બહુમત મેળવે એ પહેલાં જ રાજીનામું આપવા મજબૂર કરીને સાબિત કરી દીધી. શરદ પવારને પોતાની નજીક લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અથાગ પ્રયાસો કર્યા અને તેમાં તેમણે લોકસભામાં ઓન રેકર્ડ શરદ પવારના અને તેમના પક્ષના વખાણ કર્યાં. આ વખાણ કરવા પાછળની ચાલ શરદ પવાર સારી પેઠે જાણતા હતા. દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનસીપીના સુપ્રીમો શરદ પવાર સાથે અલગથી એક બેઠક પણ દિલ્હીમાં યોજી હતી. અને તે બેઠક બાદ એવું ચર્ચાતું હતું કે, મહારાષ્ટ્રમાં એનસીપી ભાજપને ટેકો આપશે. પરંતુ મરાઠા નેતાએ અગાઉ શિવસેના અને કોંગ્રેસને આપેલું વચન પાળી બતાવ્યું અને ભાજપના અમિત શાહને રાજકારણની ચેસની રમતમાં એવું તો ચેકમેટ કર્યું કે, આ પછડાટની કળ વળતાં શાહને ખાસ્સો સમય લાગી જશે.
મહારાષ્ટ્રના ‘મહા’નાટકનો અધ્યાય
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને એક મહિનો જેવો વીતી ગયો છતાં પણ બહુમત હોવા છતાં ભાજપ ત્યાં સરકાર નહોતી બનાવી શકી. પરિણામો જાહેર થતાં જ ભાજપના ઘટક પક્ષ શિવસેનાએ પોતાનું અસ્સલ રૂપ બતાવી દીધું અને તેના વડા ઉદ્ધવ ઠાકરેએ જિદ પકડી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે થયેલી સમજૂતી પ્રમાણે અઢી અઢી વર્ષ મુખ્યપ્રધાન પદ મળવું જોઈએ. આ બાબતમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વાત સ્વીકારી નહિ અને તે પણ દિલ્હીમાં બેઠેલા ભાજપના બે ધૂરંધર ગેમપ્લાનર્સ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઈશારે. અને આ અસ્વીકાર બાદ શરૂ થયો મહારાષ્ટ્રમાં મહા નાટકનો અધ્યાય. આ અધ્યાયમાં બેઠકોનો દોર ચાલુ થયો પણ કોઈ ઉકેલ ન આવ્યો. છેવટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સિંગલ લાર્જેસ્ટ પાર્ટીના નાતે ભાજપને સરકાર ચવાનું આમંત્રણ આપ્યું. પરંતુ ભાજપ પાસે માત્ર 105 ધારાસભ્યોનું જ સંખ્યાબળ હોવાના કારણે સરકાર રચવાનો ઈનકાર કરી દીધો. ત્યારબાદ આવ્યો શિવસેનાનો વારો પણ શિવસેના પણ તેમને અપાયેલી નિયત સમય મર્યાદામાં એનસીપી અને કોંગ્રેસ સાથે વાટાઘાટો કરવા છતાં પરિણામ ન આવતાં રાજ્યપાલે એનસીપીને આમંત્રણ આપ્યું. પણ એનસીપીને આપેલી સમયમર્યાદા પૂર્ણ થતાં પહેલાં જ કોશિયારીએ પોતાની હોશિયારી વાપરીને રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ દિલ્હી મોકલી આપી અને પછી કેન્દ્રીય કેબિનેટે રાજ્યપાલ કોશિયારીના અહેવાલના આધારે રાષ્ટ્રપતિને ભલામણ કરતાં છેવટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયા બાદ પણ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સત્તાની ભાગીદારી માટે બેઠકોનો દોર મુંબઈ અને દિલ્હીમાં ચાલતો રહ્યો અને અંતે જ્યારે ત્રણે પક્ષમાં સહમતી સધાઈ ત્યારે રાતોરાત ભાજપના મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના અજિત પવાર સાથે બેઠકો યોજીને તેમને નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લેવડાવવાની વાત કરતાં તેઓએ પોતાના પક્ષના 55 ધારાસભ્યોના સમર્થન હોવાનો દાવો કર્યો.