અમદાવાદ,તા:૧૭ કોર્પોરેશનની બેદરકારીના કારણે શહેરભરમાં ગંદકીના ઢગ ખડકાઈ રહ્યા છે, પરંતુ કરોડોનો યુઝર્સ ચાર્જ ઉઘરાવતું નઘરોળ તંત્ર હજુ નિદ્રામાં જ છે. એક તરફ પિરાણા સાઈટ પર રસ્તાના અભાવે અને કચરાના ગંજ પડવાના કારણે હૂક લોડર વાહનો ફસાઈ રહ્યાં છે, જેનાથી ચારથી પાંચ ફેરા કરવાના બદલે માંડ બે ફેરા જ થઈ શકે છે. બીજી તરફ આરટીએસ સ્ટેશન ખાતેના અધિકારી પણ હાજર રહેતા ન હોવાથી ડોર ટુ ડોર કચરો ઉપાડતાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ચોમાસું આવતાં જ વરસાદના કારણે પિરાણા ખાતે કચરાના ગંજ બનાવેલા કાચા રસ્તા પર પડી જાય છે, જેનાથી યાતાયાતને ભારે અસર પડે છે. ત્યાં સુધી કે કલાકો સુધી હૂક વાહનો ફસાઈ જવાના કિસ્સા પણ બની રહ્યા છે. જેના કારણે શહેરમાંથી કચરો ઠાલવવાની પ્રક્રિયાને અસર પડે છે અને ચારથી પાંચ ફેરા કરવાના બદલે હૂક વાહન માંડ બે ફેરા કરી શકે છે.
આ અંગે તપાસ કરતાં મ્યુનિના વિપક્ષ નેતાએ ખાડિયા આરટીએસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી હતી, જેમાં સ્થળ પર એકપણ અધિકારી હાજર ન હોવાનું જણાયું હતું, ઉપરાંત આરટીએસ સેન્ટર ખાતે ડોર ટુ ડોર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
આ અંગે ડોર ટુ ડોર પ્રોજેક્ટના વાહનના ડ્રાઈવરના જણાવ્યા પ્રમાણે એક મહિનાથી આ સ્થિતિ હોવાથી શહેરમાંથી 50 ટકા કચરો જ ઉપડી રહ્યો છે. એટલે કે વિવિધ આરટીએસ સેન્ટર ખાતેથી માંડ 50 ટકા કચરો જ ઉપડી રહ્યો છે, એટલે કે સોસાયટીની બહાર, જાહેરમાર્ગો અને કચરાપેટીમાં કચરો ખદબદતો જ રહે છે. કચરાનું વહન ન થતું હોવાથી શહેરીજનોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે, ઉપરાંત યુઝર્સ ચાર્જ તરીકે લેવાતાં નાણાંમાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન સોસાયટી અને રોડ પરથી કચરો ઉપાડવાના યુઝર્સ ચાર્જરૂપે વર્ષે અંદાજિત 100 કરોડ રૂપિયા શહેરીજનોના ખિસ્સામાંથી સેરવી લે છે, પરંતુ જે કામ માટે નાણાં લેવાય છે તે કચરો ઉપાડવાનું કામ યોગ્ય રીતે થતું નથી. નઘરોળ તંત્રના કારણે શહેરના વાસણા, સોલા, નરોડા, રખિયાલ, વટવા અને આરટીઓ સહિતના આઠ આરટીએસ સેન્ટર્સ બંધ હાલતમાં હોય તેવો ઘાટ સર્જાયો છે, જ્યાંથી માત્ર 50 ટકા કચરો જ ઉપડી ડમ્પિંગ સાઈટ સુધી પહોંચી રહ્યો છે.