અમદાવાદ, તા.17
ટ્રાફિક નિયમનના ભંગ બદલ અમલમાં આવેલી દંડની મોટી રકમનો સોશીયલ મિડીયામાં ભારે વિરોધ થતા સરકારનો દંડો ઠંડો પડી ગયો છે. સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક પોલીસ પર દંડ-કાર્યવાહીને લઈને હુમલા થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડ્રાઈવ નહીંયોજવા તેમજ દંડનો ટાર્ગેટ આપવાનો ટાળ્યો છે. પાછળના દિવસોની સરખામણીમાં અમદાવાદ શહેર ખાતે સ્થળ માંડવાળના કેસો65થી 70 ટકા ઓછા નોંધાયા છે, પરંતુ દંડની રકમમાં વધારો થયો છે. જ્યારે ઈ-મેમોની સંખ્યા સામાન્ય દિવસો કરતા ત્રીસેક ટકા જેટલી વધારી દેવાતા દંડની રકમમાં સિત્તેરેક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
રાજયભરમાં ટ્રાફિક ડ્રાઈવ નહી યોજવા આદેશ અપાયો
એક ઉચ્ચ પોલીસ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે, ટ્રાફિક દંડમાં કરાયેલા તોતીંગ વધારા બાદ સોશીયલ મિડીયામાં લોકોએ ખૂબ વિરોધ નોંધાવ્યો છે. લોકોના વિરોધનો ભોગ ટ્રાફિક પોલીસના બને તે માટે રાજ્યભરમાં ટ્રાફિકની ડ્રાઈવ નહીં યોજવા તેમજ દંડની રકમ ઉઘરાવવા માટે ટાર્ગેટ આપવાની ઉચ્ચકક્ષાએથી સૂચના આપવામાં આવી છે. જો કે, પાછળના દિવસોમાં ઉઘરાવવામાં આવતા દંડની રકમની સરખામણીને ધ્યાને રાખવાની પણ સૂચના મૌખિક રીતે અપાઈ છે. બીજી તરફ ટ્રાફિક નિયમન ભંગ બદલ ઈસ્યુ થતા ઈ-મેમોની સંખ્યા વધારી દેવામાં આવી છે. જેથી ટ્રાફિક પોલીસ સાથે લોકોનું સીધુ ઘર્ષણ ટાળી શકાય.
ઈ-મેમોના આંકડા
13 સપ્ટેમ્બર 2401 કેસ 5.92 લાખ રૂપિયા
14 સપ્ટેમ્બર 2454 કેસ 5.22 લાખ રૂપિયા
15 સપ્ટેમ્બર 2017 કેસ 4.25 લાખ રૂપિયા
16 સપ્ટેમ્બર 2773 કેસ 20.56 લાખ રૂપિયા (નવા દર લાગુ)
સ્થળ માંડવાળના આંકડા
13 સપ્ટેમ્બર 5575 કેસ 6,09,200 રૂપિયા
14 સપ્ટેમ્બર 5821 કેસ 6,32,000 રૂપિયા
15 સપ્ટેમ્બર 6034 કેસ 6,88,300 રૂપિયા
16 સપ્ટેમ્બર 1866 કેસ 7,02,300 રૂપિયા (નવા દર લાગુ)
 ગુજરાતી
 ગુજરાતી English
 English