પ્લે સ્ટોરમાં જીએસઆરટીસીની 10 એપ હોવાથી મુસાફરોમાં દ્વિધા

આજના ડિજિટલ યુગમાં સમગ્ર દેશમાં ઓનલાઈન એપનું ચલણ વધ્યું છે ત્યારે ગુજરાત સરકારે પણ પોતાના હસ્તકની એસટી નિગમની બસોમાં બૂકિંગ માટે નવી એપ લોન્ચ કરી છે. પરંતુ પ્લે સ્ટોરમાં જીએસઆરટીસી નામની એપ એક નહિ બે નહિ પણ દસ દસ હોવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. લોન્ચ કરવામાં આવેલી નવી એપમાં બસ ઉપડવાના એક કલાક પહેલાં ટીકિટ કેન્સલ કરાવી શકાશે. આ ઉપરાંત રેલવેની એપની માફક 60 દિવસ પહેલાં બસની ટિકીટ બૂક કરાવવાની સુવિધા પણ ઉપબ્ધ કરવામાં આવી છે. પણ દુઃખની વાત એ છે કે એસટી બસની સેવાનો જેટલા લોકો ઉપયોગ કરે છે તે પૈકીના માત્ર 11થી 12 ટકા લોકો જ આ એપનો ઉપયોગ કરે છે. મોટાભાગના બૂકિંગ એસટીની બારી ઉપરથી જ કરાવતા હોય છે. કેમ કે આ એપમાં ઘણી તકલીફો પડતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સરકારના દાવા

રાજ્ય સરકાર દ્વારા નવી એપ શરૂ કરાયા બાદ મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. સરકારના કહેવા પ્રમાણે આ મોબાઇલ એપ્લિકેશનને તમે એનરોઇડ ફોનનાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશનમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવી છે. જીએસઆરટીસીની ઓફિશિયલ મોબાઇલ એપ્લિકેશનમાં રેપિડ ગો એપ્લિકેશનની જેમ તમામ ફંકશન ઉમેરવામાં આવેલ છે. બસ લોકેશન, ટિકિટ કેન્સલ, રિફંડ, નજીકની બસનું લોકેશન, ટાઈમ ટેબલ, બસની તમામ સુવિધા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં ઉમેરવામાં આવી છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે.

એસટીની દસથી વધુ એપ

હાલમાં જ એસટી દ્વારા પોતાની નવી ઓફિશિયલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં યાત્રિકોને દરેક પ્રકારની માહિતી મળી શકશે. પરંતુ એન્ડ્રોઈડ ફોનના પ્લે સ્ટોરમાં જીએસઆરટીસી નામ સર્ચ કરવાથી 10થી વધુ અલગ અલગ જીએસઆરટીસી નામની જે એપ્લિકેશન દેખાય છે તેના કારણે મુસાફરો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. અને સાચી એપ્લિકેશન કઈ છે તેનો તેમને ખ્યાલ નથી આવતો.

જીએસઆરટીસીની એપના નામ

જીએસઆરટીસી

જીએસઆરટીસી બસ શિડ્યૂલ

જીએસઆરટીસી ઈન્ફો

ગુજરાત એસટી બસ ઈન્કવાયરી

એસટી બસ ટ્રેકર

એસટી બસ ટાઈમટેબલ

અભિક જીએસઆરટીસી

આ ઉપરાંત બસ બૂકિંગ કરતાં ખાનગી ઓપરેટર્સની વિવિધ એપ પણ છે. જેમાં જીએસઆરટીસીની બસોનું ઓનલાઈન બૂકિંગ થાય છે. આ સંજોગોમાં રાજ્યના મુસાફરો અનેક પ્રકારની જીએસઆરટીસીની એપ હોવાના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ઓનલાઈન કેટલું બૂકિંગ થાય છે

જીએસઆરટીસીના ઈડીપી મેનેજર કે. સી. બારોટના કહેવા પ્રમાણે એસટીની કુલ 48 હજાર ટ્રીપ પૈકી 5062 એક્સપ્રેસ ટ્રીપનું ઓનલાઈન બૂકિંગ કરવામાં આવે છે. અને તે માટે એસટી વિભાગ દ્વારા 1.08 ટકા કમિશન મુખ્ય ફ્રેન્ચાઈઝી, એજન્ટ વગેરેને ચૂકવવામાં આવે છે. એસટી નિગમ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તેની ઉપર નજર કરીએ તો મુસાફરો દ્વારા અલગ અલગ પ્રકારે બસની ટિકીટ બૂક કરાવવામાં આવે છે. જેમાં કાઉન્ટર બૂકિંગ, ઈ-બૂકિંગ, એમ-બૂકિંગ, ફ્રેન્ચાઈઝી બૂકિંગ અને બસ ઈન્ડિયા બૂકિંગનો સમાવેશ થાય છે. નિગમના અધિકારી દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તેમાં ઓક્ટો. 18થી ઓક્ટો. 19 દરમિયાન કાઉન્ટર પરથી 47 લાખ 85 હજાર 529 ટિકીટ બૂક કરવામાં આવી છે. જ્યારે ઈ-બૂકિંગ દ્વારા 19 લાખ 52 હજાર 608 ટિકીટ, એમ-બૂકિંગ દ્વારા 11 લાખ 92 હજાર 27, ફ્રેન્ચાઈઝી બૂકિંગ દ્વારા 10 લાખ 46 હજાર 618 અને બસ ઈન્ડિયા દ્વારા 31 લાખ 42 હજાર 523 ટિકીટ બૂક કરવામાં આવી છે. ટૂંકમાં જીએસઆરટીસીના ઈ-બૂકિંગ અને એમ બૂકિંગની કુલ બૂક થયેલી ટિકીટ કરતાં ચાર ગણી ટિકીટ કાઉન્ટર પરથી બૂક કરવામાં આવી છે. ત્યારે એસટી નિગમ દ્વારા લોન્ચ કરાયેલી એપ્લિકેશન દ્વારા ટિકીટના બૂકિંગમાં વધારો કેવી રીતે કરાશે એ એક મોટો સવાલ છે. આ મામલે જ્યારે ઈડીપી મેનેજર બારોટને પૂછ્યું ત્યારે તેમણે આ અંગે મૌન સેવી લીધું હતું.

સાયબર એક્સપર્ટનો મત

મોબાઈલ એપ્લિકેશન્સ મામલાના નિષ્ણાત વિશાલ પૂરાણીના કહેવા પ્રમાણે દરેક એપની કામ કરવાની ક્ષમતા તેની સાથે જોડાયેલા સર્વરની બેન્ડવિથ પર રહેલી છે. કેમ કે, ઓનલાઈન બૂકિંગ માટેની એપ હોય તો તેનો ઉપયોગ મહત્તમ લોકો એકસાથે કરતા હોય છે. ત્યારે જે તે સર્વરની ક્ષમતા પણ સામે એટલી હોવી જરૂરી છે. જીએસઆરટીસીની એપ મામલે તેઓ કહે છે કે, આ એપનો ઉપયોગ જો મહત્તમ લોકો કરવાના હોય તો તે પ્રમાણે સરકારે તેમના સર્વરની બેન્ડવિથ આ એપને આપવી જોઈએ જેના કારણે મુસાફરોને કોઈ હાલાંકી ન પડે અને સરળતાથી ઝડપભેર પોતાની ટિકીટ બૂક કરાવી શકે. તેમના કહેવા પ્રમાણે કોઈપણ એપને સરળતાથી લોકો ઉપયોગ કરી શકે તે માટે નાની સાઈઝની બનાવવામાં આવે છે. અને તેના કારણે તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. જીએસઆરટીસીની જે એપ તૈયાર કરાઈ છે તેમાં ફીચર્સ ઘણાં હોવાના કારણે તેના ઉપયોગમાં મુશ્કેલી આવે એ સ્વાભાવિક છે ત્યારે સરકારે અને એસટી નિગમે આ એપ્લિકેશનના ફિચર્સ મામલે પણ કોઈ યોગ્ય ઉકેલ લાવીને એપને હજુ વધુ સરળ બનાવવી જોઈએ.

એપ બનાવવા પાછળ ખર્ચો

આજના સ્માર્ટ ફોનના જમાનામાં બધું જ મોબાઈલ એપ્લિકેશન્સ પર ઉપલબ્ધ થઈ ગયું છે. કોઈપણ પ્રકારની એપ બનાવવી હોય તો તેની પાછળ ઓછામાં ઓછો ખર્ચો રૂ. 30થી 40 હજારનો થાય છે જ્યારે તેમાં કયા કયા ફિચર્સ છે તેના આધારે તે બનાવવા પાછળનો ખર્ચ વધતો જાય છે. અને એકદમ શ્રેષ્ઠ કક્ષાની એપ્લિકેશન તૈયાર કરવા પાછળ અંદાજે પંદર લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. પરંતુ એસટી નિગમના ઈડીપી મેનેજર કે. સી. બારોટને આ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, રાજ્યના એસટી નિગમ દ્વારા જે એપ તૈયાર કરવામાં આવી છે તેને ડેવલપ કરવા પાછળ એકપણ રૂપિયો ખર્ચ કરવામાં આવ્યો નથી. જો કે તેમની આ વાત ગળે ઉતરે એવી કોઈ સંજોગોમાં લાગતી નથી.

એપના ફાયદા

જીએસઆરટીસી દ્વારા લોન્ચ કરાયેલી નવી એપમાં રેલવેની એપની માફક 60 દિવસ પહેલાં બૂકિંગ કરાવી શકાશે. અગાઉ એપ દ્વારા બૂકિંગ નહોતું થતું હતું પરંતુ ઓનલાઈન બૂકિંગ જ થતું હતું. પણ હવે આ એપ દ્વારા બૂકિંગની વ્યવસ્થા શરૂ કરાઈ છે. અને તેના કારણે મુસાફરોને તેનો મહત્તમ લાભ મળશે એવો દાવો જીએસઆરટીસીના ઈડીપી મેનેજર કે. સી. બારોટે કર્યો હતો. તેઓ કહે છે કે, આ એપ દ્વારા હવે 60 દિવસ પહેલાં ટિકીટ બૂક કરાવી શકાશે તેમ જ જો છેલ્લી ઘડીએ પ્રવાસ રદ્દ કરવો પડે તો બસ ઉપડવાના એક કલાક પહેલાં મુસાફર તેમની ટિકીટ રદ્દ પણ કરાવી શકશે. આ ઉપરાંત એપ દ્વારા મુસાફર પોતાની બસ ક્યાં છે તેની માહિતી પણ મેળવી શકશે. સાથે સાથે બસનું ટાઈમ ટેબલ પણ જાણી શકાશે.

એપના ગેરલાભ

જીએસઆરટીસી દ્વારા લોન્ચ કરાયેલી એપમાં એટલી બધી ખામીઓ જોવા મળે છે કે, તે ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરનારા મુસાફરોએ તેમની કમેન્ટ પણ એપમાં મૂકી છે. જે મુજબ જોઈએ તો આ એપમાં ટેક્નિકલી સપોર્ટ કરતી નથી અને સાથે સાથે તેને ઓપન થતાં અને ઓનલાઈન બૂકિંગ થવામાં પણ ખાસ્સો સમય જાય છે અને તેના કારણે જે તે મુસાફરને જે તે બસનું બૂકિંગ કરવું હોય તે શક્ય નથી બનતું. આટલું ઓછું હોય એમ ઓનલાઈન એપ્લિકેશનમાં વારંવાર એરર આવી જવાના કારણે મુસાફરો એપ ડાઉનલોડ કરીને તેના ઉપર ટિકીટ બૂક કરાવવાનું ટાળે છે. આ એપ સરકારના સર્વર સાથે કનેક્ટ થતું હોવાના કારણે સરકારના સર્વર વિવિધ વેબસાઈટના ઓનલાઈન કામ માટે ઉપયોગમાં લેવાય છે અને તેમાં પણ અનેક મુશ્કેલીઓ આવતી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા સર્વર અંગે કોઈ યોગ્ય પગલાં નથી લેવાયા જેના કારણે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું મુસાફરો પણ ટાળશે એવું નિષ્ણાતોનું માનવું છે.