વેજલપુર વિસ્તારમાં શિક્ષિકાને તેના પતિએ ત્રિપલ તલાક આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આઝાદી હાઉસમાં રહેતી ફરહાનાના લગ્ન અગાઉ થયા હતા. ર૦૧રમાં તેના છુટાછેડા પણ થઈ ગયા હતાં. આ લગ્નજીવન દરમિયાન તેને એક પુત્રીનો જન્મ થયો હતો. છુટાછેડા લીધા બાદ ર૦૧૬ના વર્ષમાં ફરહાનાના લગ્ન તન્વીર મલિક નામના યુવક સાથે થયા હતા અને તન્વીર મલિક સાથે લગ્ન થયા બાદ એક પુત્રનો પણ જન્મ થયો હતો.
બીજા લગ્ન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. ફરહાનાના પતિ તન્વીરે જણાવ્યું હતું કે તેને વિદેશ જવાનું હોવાનું હોવાથી અગાઉની પુત્રીના આવેલા રૂપિયા માંગ્યા હતાં. ફરહાનાએ પતિને વિદેશ જવાનું હોવાથી રોકડા રૂપિયા ર લાખ તથા સોનાના દાગીના આપી દીધા હતા. ત્યારબાદ ઘરમાં નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતાં. જેનાથી કંટાળી ફરહાના પોતાના પિયર રહેવા જતી રહી હતી. આ દરમિયાનમાં તેનો પતિ તન્વીર મલિક સાઉદી અરેબિયા જતો રહયો હતો.
વિદેશથી તેનો પતિ અવારનવાર ફોન કરી ફરહાના પાસે રહેતા તેના પુત્ર સાથે વાતચીત કરતો હતો. આ દરમિયાનમાં ફરહાનાએ પણ તેની સાથે વાત કરી હતી. તન્વીર મલિકે ફરહાનાને તેની અગાઉની પુત્રીને બીજે ક્યાંક રહેવા મોકલી દેવા જણાવ્યું હતું. ફરહાના તેના માટે તૈયાર થઈ હતી પરંતુ તેના રૂપિયા પરત માંગતા તન્વીર ગુસ્સે ભરાયો હતો. તેણે ફોન પર જ તથા મેસેજ કરી ને ત્રિપલ તલાક આપી દેતા ફરહાના માનસિક રીતે પડી ભાંગી હતી. આ અંગે તેણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.