ફોરલેન બ્રિજ બનાવવા ગાયકવાડ સમયના લીમડાના 188 વૃક્ષો કાપવા સામે લોકોનો વિરોધ

સિદ્ધપુર, તા.૧૦

સિદ્ધપુરના ખળી ચાર રસ્તાથી રેલવે ફાટક પાસે ખેરાલુ રોડ પર બની રહેલા ઓવરબ્રિજની કામગીરી શરુ થવા જઇ રહી છે, ત્યારે નવરાત્રીથી રોડ પર આવતા ગાયકવાડ સમયના સરકારી નિશાની વાળા 188 લીમડાનું નિકંદન નીકળી રહ્યું છે, જેને લઇ લોકોમાં રોષ ફેલાઇ રહયો છે. આ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોત તો સારું હતું તેવો સૂર વ્યકત થઇ રહયો છે.

ઓવરબ્રિજનું કાર્ય અંદાજીત બે-વર્ષ ચાલવાનું હોઈ એને લઇ અત્યારથી જ ડાયવરર્જન બિન્દુસરોવર, ઓવરબ્રિજ, ગોવિંદમાધવ સોસાયટી, લાલપુર, બિલિયા માર્ગે થઈ ખેરાલુ અપાયો છે. આ સબંધે ફોરેસ્ટ અધિકારી ભરત પટેલના જણાવ્યા મુજબ ભોપાલથી વૃક્ષ છેદન (મંજૂરી) પત્ર આવ્યા બાદ પુનઃ પ્રક્રીયા હાથ ધરાઈ છે. ગાયકવાડ સમયના લીમડા કપાયા બાદ ફોરેસ્ટ ખાતામાં રહેશે. ઓવરબ્રિજનું સ્થળ ઉપર કામકાજ સંભાળતા રઘુભાઈ પટેલ જણાવે છે કે, રેલવે ઓવરબ્રિજ ફોરલાઈન બનશે. છેલ્લા બે વર્ષથી આ કાર્ય અધ્ધરતાલ હતું, પણ હવે તેનો પ્રારંભ કર્યો છે, જે અંદાજીત 2 વર્ષમાં પૂર્ણ થશે.

વૃક્ષ કાપવાનો કોન્ટ્રાકટ રાખનાર રમેશભાઈ ચૌધરીના કહેવા મુજબ રોડના 12 થી 13 મીટરમાં આવતા વૃક્ષ કાપવાનો કોન્ટ્રાકટ મળ્યો છે, જેમાં 95% સરકારી પટ્ટા(નિશાન) વાળા લીમડા છે. રોડથી 15 મીટર ઉપરના ઝાડ નથી કાપવાના. જોકે વૃક્ષો કાપવા સામે શહેરીજનોમાં નારાજગી છે. કેટલાક લોકોએ કહ્યું કે હાઇવે બને પણ જુના વૃક્ષો ન કાપવા જોઇએ.