બાઈક સવાર પિતા-પુત્ર એસટી બસ નીચે કચડાતા બંનેના મોત

અમદાવાદ, તા.16

અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધુકા રોડ પર આજે સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા પિતા-પુત્રના મોત નિપજ્યા છે.રસ્તામાં વચ્ચે આવેલા કૂતરાને બચાવવા જતા બાઈક સવાર પિતા-પુત્ર એસ.ટી. બસની નીચે આવી જતા કચડાઈ ગયા હતા.

અકસ્માત અંગે મળતી વિગતો મુજબ અમદાવાદ જિલ્લાના બગોદરાથી ધંધુકા જવાના રોડ ઉપર ફેદરા પાસે સીએનજી પંપ નજીક એક બાઈક પાછળથી આવતી એસટી બસ સાથે અથડાઈ હતી. બસની પાછળથી ટક્કર વાગતા બાઈક પર સવાર પિતા-પુત્ર રોડ પર પટકાઈ ગયા હતા. અકસ્માતની ઘટનામાં બાઇક સવાર હાર્દિક પાનેલિયા અને રમણીકભાઈ પાનેલિયા પોતાની બાઇક ઉપર અમદાવાદથી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાનમાં ફેદરા પાસેના સીએનજી પંપ પાસે અચાનક રસ્તા વચ્ચે કૂતરું આવી ગયું હતું. કૂતરાને બચાવવા માટે ચાલકે પોતાનું બાઈક સાઈડમાં લીધું હતું. જે સમયે કૃષ્ણનગર અમદાવાદથી સાવરકુંડલા બસ જઈ રહેલી બસ સાથે બાઈક ટકરાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પિતા-પુત્ર પર બસના પાછળના ટાયર ફરી વળતા તેમના મોત નિપજ્યા હતા. આ ઘટના અંગે ધંધુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.