બીજી મેડિકલમાં બંધ બાયોમેટ્રિક્સનું વર્ષે સવા લાખ ભાડું ચૂકવાયું

અમદાવાદ,તા.04

સરકારી તંત્ર દ્વારા ઘણી યોજનાઓની મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે પરંતુ જ્યારે  તેના યોગ્ય અમલીકરણની વાત આવે છે ત્યારે જ આ યોજનાનું સુરસુરીયું થઈ જાય છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને સ્થાને બનેલા બોર્ડ ઓફ  ગવર્નન્સ (બીઓજી) દ્વારા મેડિકલ કોલેજમાં સ્ટાફની બાયોમેટ્રિક એટેન્ડન્સ અંગે કડક બનાવાયેલા કાયદાની પણ સ્થિતિ કંઈક એવી જ છે. જેનું તાદૃશ ઉદાહરણ બી.જે મેડિકલ કોલેજમાં જોવા મળ્યું છે.

બી.ઓ.જી દ્વારા થોડા સમય અગાઉ રાજ્યભરની મેડિકલ કોલેજોમાં ટીચિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ સહિતની હાજરી ફરજિયાતપણે બાયોમેટ્રિક કરવા અને આ બાયોમેટ્રિક એટેન્ડન્સને બી.ઓ.જીની અને જે તે મેડિકલ કોલેજની વેબસાઈટ ઉપર અપલોડ કરવા ગેઝેટ બહાર પાડીને કડક કાયદો બનાવ્યો હતો.

40માંથી 37 મશીન બગડી ગયા

રાજ્યની સૌથી જૂની અને પ્રખ્યાત બી જે મેડિકલ કોલેજમાં બી.ઓ.જી દ્વારા બાયોમેટ્રિક એટેન્ડન્સ માટે લગાવવામાં આવેલા ૪૦ જેટલા મશીનમાંથી ૩૭ જેટલાં મશીન બગડી ગયા હોવાનું કોલેજના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે બી જે મેડિકલ કોલેજ પાસેથી આ મશીનોના વાર્ષિક ભાડા પેટે બી.ઓ.જી દ્વારા રૂ ૧,૨૦,૦૦૦ વસૂલી લેવામાં આવ્યા છે. પરંતુ તે બાયોમેટ્રિક મશીનોમાંથી મોટાભાગના મશીન બંધ હાલતમાં છે.

બીઓજીની એજન્સીએ મશીન ઈન્સ્ટોલ કર્યા

બી.જે મેડિકલ કોલેજના જ એક પ્રોફેસર નામ નહીં આપવાની શરતે જણાવે છે કે, બી.ઓ.જી દ્વારા ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યા બાદ અમે બાયોમેટ્રિક એટેન્ડન્સના મશીનો બી.ઓ.જી દ્વારા નિમાયેલી એજન્સી દ્વારા ઇન્સ્ટોલ કરાવ્યા હતા. જેમાં શરૂઆતથી જ સોફ્ટવેર અને હાર્ડવેરની ખરાબી હતી. જેથી અમે બી.ઓ.જીને લેખિતમાં ફરિયાદ પણ કરી છે. જેથી અમે તેમના માર્ગદર્શન મુજબ ખાનગી કંપની દ્વારા સ્વખર્ચે રીપેરીંગ પણ કરાવ્યું હતું પણ મશીનો વારંવાર બગડી જાય છે. મહત્વની વાત એ છે કે બી.ઓ.જીના નિષ્ણાતો પણ આ મશીનોને રીપેર કરી શક્યા નથી. જેથી હાલપણ મોટાભાગના મશીનો બંધ હાલતમાં છે. જેનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી.  બી.ઓ.જી દ્વારા નિમાયેલા નોડલ ઓફિસર સમક્ષ પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે.

અભ્યાસનું સ્તર સુધારવાનો આશય

ઉલ્લેખનીય છે કે બી.ઓ.જી દ્વારા બાયોમેટ્રિક એટેન્ડન્સને ગૅઝટ દ્વારા કાયદાનું સ્વરૂપ આપવાનો મૂળ ઉદ્દેશ ખાનગી મેડિકલ કોલેજોમાં ભૂતિયા પ્રોફેસરો અને સરકારી મેડિકલ કોલેજમાં ઇન્સ્પેકશન વખતે મેડિકલ ફેકલ્ટીની કરવામાં આવતી ટ્રાન્સફરો રોકી મેડિકલ એજ્યુકેશનનું સ્તર સુધારવાનો હતો. જેથી તેનો યોગ્ય લાભ વિદ્યાર્થીઓને મળે. પરંતુ યોગ્ય અમલીકરણના અભાવે એ હેતુસર થઈ શક્યો નથી.

બાયોમેટ્રિકમાં ભૂલ માટે ડીન જવાબદાર

બી.ઓ.જી દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું તે મુજબ જો કોઈ મેડિકલ કોલેજ દ્વારા બાયોમેટ્રિક એટેન્ડન્સ ભરવામાં ભૂલચૂક થાય તો તે માટે જે તે મેડિકલ કોલેજના ડીનને જવાબદાર ઠેરવી તેમને નોટિસ મોકલવા સુધીનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. પરંતુ જ્યારે બી.ઓ.જી દ્વારા ઇન્સ્ટોલ કરાયેલા મશીનો જ કામ કરતા નથી ત્યારે કોલેજ દ્વારા કરાયેલી ફરિયાદનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી.

જૂની પધ્ધતિથી હાજરી પુરાય છે

પ્રાપ્ત માહિતી મુજબ બી.જે મેડીકલ કોલેજમાં હાલ તેમની જૂની આધાર કાર્ડ આધારિત બાયોમેટ્રિક સિસ્ટમથી સ્ટાફની એટેન્ડન્સ લેવામાં આવે છે જેને હેલ્થ કમિશનર જાતે મોનિટરિંગ કરે છે તેનાથી કામ ચલાવવું પડે છે. આમ મોટા ઉપાડે જાહેરાત થયેલી યોજનાનું સુરસુરીયું થઈ ગયું છે. બી.ઓ.જી દ્વારા ઇન્સ્ટોલ કરાયેલા ૪૦ મશીનોમાંથી મોટાભાગના મશીનો બગડી ગયા અંગે બી. જે મેડિકલ કોલેજના ડીન ડો. પ્રણય શાહને પૂછતાં તેમણે આ વાતને સમર્થન આપ્યું છે. પરંતુ આનાથી વધુ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.