ગાંધીનગર, તા. 15
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર ભરાવવાના ઐતિહાસિક પ્રસંગે 17મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામી દેવી નર્મદે મહોત્સવમાં ભાજપમાં જોડાયેલા ગુજરાતના ગાયક કલાકારોને હવે સરકારે પણ ધંધે લગાવી દેવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે આ દિવસે આ તમામ કલાકારોને વિવિધ જિલ્લાઓમાં તેમના ગીત સંગીતના કાર્યક્રમ કરવાની કામગીરી સોંપી છે.
કેવડીયા ખાતે પીએમ મોદી રહેશે ઉપસ્થિત
ભાજપનાં સદસ્યતા અભિયાન સંદર્ભે ગુજરાતભરનાં વિવિધ કલાકારોએ કેસરી ખેસ ધારણ કર્યો હતો. અને તે સમયે કેટલોક વિવાદ પણ થયો હતો. જોકે, આ કલાકારો ભાજપમાં જોડાયા પછી તેમની કલાને રજૂ કરવા માટે રાજ્ય સરકારે તેમને મોકો આપ્યો છે. સરદાર સરોવર બંધ તેની ઐતિહાસિક સપાટી પર પહોંચવાની તૈયારીમાં છે ત્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં નમામી દેવી નર્મદે મહોત્સવનો મોટો તાયફો કરવાનું ઠરાવ્યું છે. તેના ભાગરૂપે મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાવાનો છે. સાથોસાથ સમગ્ર રાજ્યના તમામ જિલ્લા વડામથકો પર પણ વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાવાના છે.
કયા કલાકાર ક્યાં ગાશે?
રાજ્યના જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જનઉત્સવમાં લોક કલાકારો, પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મ કલાકારો, લોક સાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઈને નર્મદા મૈયાના જળ વધામણાં કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુતિ કરશે. જેમાં જૂનાગઢમાં ભીખુદાન ગઢવી, અમુદાન ગઢવી અને જીતુભાઈ દ્વારકાવાળા, અમદાવાદમાં કિંજલ દવે, બંકિમ પાઠક, ધનરાજ ગઢવી, અરવિંદ બારોટ અને ઈન્દિરા શ્રીમાળી, રાજકોટમાં ઓસમાણ મીર, સાંઈરામ દવે, પંકજ ભટ્ટ, કચ્છમાં ગીતા રબારી, પાટણમાં વિરાજ બારોટ અને મહેસાણામાં જીજ્ઞેશ કવિરાજ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં પોતાના ગીતો ગાઈને લોકોને મજા કરાવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે પ્રધાનમંડળનાં સભ્યો તેમ જ ભાજપનાં આગેવાનોને પણ જિલ્લાઓમાં આ તાયફામાં જોતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.