મગફળી, કપાસ અને તલના પાકમાં નુકશાનની ભીતિ

ગાંધીનગર, તા.૧૫

ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા સારા વરસાદના કારણે ધરતીપુત્રોમાં સારો ખરીફ પાક થશે એવી આશા ઊભી થઈ હતી, પરંતુ છેલ્લા વીસ પચ્ચીસ દિવસથી જે રીતે વાતાવરણમાં બદલાવ આવ્યો છે, તેના કારણે તેમના પાકમાં ભારે નુકશાન થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અત્યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ પાક પૈકીના બાજરી, જુવાર, તલ, મગ, અડદ, મગફળી વગેરેનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લાં પચ્ચીસ દિવસ દરમિયાન વાતાવરણમાં આવેલા અચાનક પરિવર્તનને કારણે તેમના આ પાકને ભારે નુકશાન થયું હોવાના અહેવાલો છે. અને તેના કારણે ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે.

મગફળીના પાકમાં જીવાત પડી ગઈ

ચાલુ વર્ષે ગુજરાતમાં અંદાજે 15 લાખ 50 હજાર 503 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે આ વાવેતર 14 લાખ 67 હજાર 582 હેક્ટરમાં થયું હતું. આ વર્ષે ખેડૂતોએ વાયુ વાવાઝોડા સમયે થયેલા વરસાદને કારણે મગફળીનું વાવેતર શરૂ કરી દીધું હતું અને તેની ઉપર ફૂલ પણ આવવા માંડ્યા હતા પરંતુ તેના ફૂલ હજુ ખીલે અને ડેડો બને તે પહેલાં ભેજ અને વાદળછાયા વાતાવરણને કારણે ફૂલ ઉપર ફૂગ આવી ગઈ હતી અને તેના કારણે જીવાત પડી જવાથી મગફળીનો ઘણો પાક ખતમ થવાની તૈયારીમાં છે. આ અંગે કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા કહે છે કે, છેલ્લાં વીસ પચ્ચીસ દિવસથી જે રીતે વરસાદ પડે અને પછી અટકી જાય અને પાછો પડે તેના કારણે મગફળીના પાક ઉપર વિપરિત અસર પડી છે. સતત આવી સ્થિતિના કારણે મગફળીના પાક ઉપર આવેલા ફૂલ પર ફૂગ લાગી જવાથી જીવાત પડી ગઈ છે અને તેના કારણે મગફળીનું વાવેતર કરનારા જગતના તાતના માથે આભ તૂટી પડ્યું છે. તેઓ કહે છે કે, છેલ્લાં ત્રણ ચાર દિવસથી વરસાદે પોરો ખાધો છે ત્યારે મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલા મગફળીના પાક પર જે ફૂગ અને જીવાત પડી છે, તેને ખતમ કરવા સતત દવાનો છંટકાવ કરી રહ્યા છે. પરંતુ તેમનો આ પ્રયાસ મહદઅંશે નિષ્ફળ જાય એવી સ્થિતિ છે. આ અંગે તેઓ કહે છે કે, ફૂગ અને જીવાતના કારણે ફૂલ ખીલીને ડેડો બને તે પહેલાં જ તે ખતમ થઈ ગયું છે ત્યારે આ પાક સફળ થાય એવી શક્યતાઓ હાલના સંજોગોમાં તો નહિવત છે.

તલનો તાલ પૂરો થઈ ગયો

રાજ્યના ઘણાં ખેડૂતો ખરીફ મોસમમાં ખેતી કરતાં હોય છે અને તેઓ તલ, બાજરી, જુવાર, મગ, અડદ વગેરે જેવો પાક લેતા હોય છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની મહેર રહી છે. પરંતુ વધારે પડતા વરસાદના કારણે તલ જેવા પાક તો સદંતર નિષ્ફળ જ ગયા છે. તેને કારણે તલનો પાક લેતા ખેડૂતોને ભારે નુકશાન ઉઠાવવાના દિવસ આવી ગયા છે. રાજ્યમાં આ વર્ષે તલનું વાવેતર અંદાજે 1 લાખ 16 હજાર 29 હેક્ટરમાં વાવેતર કરાયું છે અને લગભગ મોટાભાગનાં તલના પાકમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.

કપાસનો ઊભો મોલ પડી ગયો

સામાન્ય રીતે કપાસનું વાવેતર ખેડૂતોએ આ વર્ષે વાયુ વાવાઝોડા સમયથી જ શરૂ કરી દીધેલું અને ચાલુ મોસમમાં સારા વરસાદના કારણે કપાસનો પાક સારો આવશે એવી આશા ધરતીપુત્રોને હતી જે ઠગારી નિવડી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર રાજ્યમાં કપાસનું વાવેતર અંદાજે 26 લાખ 65 હજાર 720 હેક્ટરમાં કરવામાં આવ્યું હતું, અને અઢીથી ત્રણ ફૂટ ઊંચો કપાસ તૈયાર થઈ ગયો હતો અને તેની ઉપર ફૂલ-ભમરી અને જીંડવા બેસવાનુ પ્રમાણ વધ્યું હતું. પરંતુ રાજ્યમાં પડેલા સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને તેના કારણે ઊભા કપાસના પાક પડી જવાના કારણે અને કપાસના ફૂલ-ભમરી પણ ખરી જતાં તેને ભારે નુકશાન થયું હોવાના અહેવાલ છે. ખેડૂતોએ વરસાદના કારણે પોતાના ખેતરમાં ઢાળિયા પણ બનાવેલા પણ સતત વરસાદના કારણે આ ઢાળિયા પણ તૂટી ગયા હતા અને તેના કારણે ઊભો મોલ ખતમ થઈ ગયો હતો.

હવે શું?

સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમાનું કવચ પૂરું પાડવામાં આવે છે અને જે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેનો સર્વે કરીને સરકાર અને વીમા કંપની તેને પાક વીમાની રકમ ચૂકવે છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી વીમા કંપનીઓ દ્વારા ખેડૂત પાસેથી પ્રિમિયમ વસૂલવામાં આવે છે પણ તેમને થયેલા નુકશાન પેટે પાક વીમાની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. સામાન્ય રીતે વડાપ્રધાન પાકવીમા યોજનાની જોગવાઈ મુજબ પાકનું મૂલ્યાંકન કરવા માટે સાત સભ્યોની ગ્રામ સમિતિ બનાવવામાં આવે છે. જેમાં ચેરમન તરીકે તલાટી મંત્રી, સભ્ય સચિવ તરીકે ગ્રામ સેવક, વાઈસ ચેરમેન તરીકે સરપંચ, તેમ જ સભ્ય તરીકે પાકવીમા કંપનીના પ્રતિનિધિ, ઉપ સરપંચ અને ગામના બે ખેડૂત આગેવાનોની બનેલી હોય છે. પરંતુ હજુ સુધી આ ગ્રામ સમિતિએ પોતાની કામગીરી શરૂ નથી કરી. પાલભાઈ આ અંગે કહે છે કે, ગ્રામ સમિતિ અછતગ્રસ્ત, અતિવૃષ્ટિ કે ક્રોપ કટિંગની કામગીરીનું રોજકામ કરી ખેડૂતોના પાકવીમાનું નિર્ધારણ થતું હોય છે. ગયા વર્ષે ગુજરાતભરમાં ખેડૂત આગેવાનોએ કરેલી લડતના કારણે આ ગ્રામ સમિતિઓ પહેલી વખત અસ્તિત્વમાં આવી છે, નહિતર આ બધી જ સમિતિઓ કાગળ પર જ બની જતી અને કાગળ પર જ તમામ રિપોર્ટ થઈ જતા. હવે આ ગ્રામ સમિતિઓ અસ્તિત્વમાં આવી જ છે, તો તેમની પાસેથી ખેડૂતોની પરિસ્થિતિ પ્રમાણે કામ લેવું એ ખેડૂતોનો હક્ક અને ફરજ બન્ને છે.

શું છે માગણી?

પાલભાઈ કહે છે, નિંભર તંત્ર અને તેની સાથે મિલીભગત કરી ખેડૂતોને ચૂસતી ખાનગી પાકવીમા કંપનીઓ સરળતાથી ખેડૂતોને કાઈ વળતર આપશે નહિ પણ લડત કરવી જરૂરી છે. જેથી સરકાર અને ખાનગી વીમા કંપનીઓને પણ સમજાય કે, હવે ખેડૂત જાગૃત થઈ ગયો છે. તંત્રનું લોલંલોલ હવે નહિ ચાલે. જે જે ગામમાં ખેડૂતોના સામૂહિક ખેતરોમાં પાણી ભર્યા છે, જે જે ગામોમાં રેચ ફૂટી ગયા છે તેવા તમામ ગામોના આગેવાનોને વિનંતી છે કે, એક અરજી તૈયાર કરે અને ગ્રામ સમિતિ દ્વારા નુકશાનીની આકારણી અને વળતરની માગણી કરવામાં આવે.