યુનિવર્સિટીના કુલપતિએ ભવનોમાં ફરજ બજાવતાં અધ્યાપકોને બીજા-ચોથા શનિવારે રજા આપવાની તૈયારી શરૂ કરી

અમદાવાદ,તા:૧૦
ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં દર બીજા અને ચોથા શનિવારે કામકાજ બંધ રાખવામાં આવે છે. પણ કેમ્પસમાં આવેલા ભવનોમાં શૈક્ષણિક કાર્યો ચાલુ રાખવામા આવે છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન ગુટા દ્વારા ટાવરની જેમ ભ‌વનોમાં પણ બીજા અને ચોથા શનિવાર રજા જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. યુનિવર્સિટીએ હાલ તો તેનો સ્વીકાર કરી લીધો છે. આ મુદ્દે આગામી દિવસોમાં વિવાદ ઉભો થાય તેમ છે કારણ કે, ઉચ્ચ શિક્ષણ વિભાગ એકબાજુ સપ્તાહમાં છ દિવસ સાત કલાક હાજરી આપવા માટે પરિપત્ર કરે છે ત્યારે યુનિવર્સિટી હવે ભવનોમાં બીજા અને ચોથા શનિવારે રજા જાહેર કરવાની તૈયારી શરૂ કરી છે.

યુનિવર્સિટીમાં સરકારી નિયમો પ્રમાણે ટાવરમાં દર બીજા અને ચોથા શનિવારે કચેરી બંધ રાખ‌વામાં આવે છે.આગામી દિવસોમાં ભવનોમાં ચાલતાં શૈક્ષણિક કાર્યને પણ બંધ કરી દેવામાં આવે તેવી શકયતાં છે. પ્રોફેસરો કહે છે એકબાજુ હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રોફેસરોને સપ્તાહમાં શનિવાર સહિત દરરોજ સાત કલાક હાજર રહેવા માટે આદેશ કરે છે ત્યારે હાયર એજ્યુકેશનના અધિકારીના પ્રિતિપાત્ર કુલપતિ હવે ભવનોમાં ચાલતાં શૈક્ષણિક કાર્યને પણ બીજા અને ચોથા શનિવારે બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ નિર્ણયને કુલપતિ દ્વારા બહાલી આપી દેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. જો આમ થાય તો વર્ષોથી ભવનોમાં શનિવારે ચાલતુ શિક્ષણકાર્ય બંધ થઇ જશે. યુનિવર્સિટી સરકારે કરેલા પરિપત્રને કોલેજોમાં મોકલીને પ્રોફેસરોને શનિવાર સહિત તમામ દિવસોએ સાત કલાક હાજર રહેવા આદેશ કરે છે અને આજ યુનિવર્સિટી પોતાના ડીપાર્ટમેન્ટમાં શનિવારે શૈક્ષણિક કાર્ય બંધ કરતાં નવો વિવાદ ઉભો થાય તેમ છે.