રામોલ પોલીસનો રેર્કોડ, એક જ દિવસમાં વાહન ચોરીની 10 ફરિયાદ નોંધી

બંકિમ પટેલ

અમદાવાદતા:૨૬

શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોય તો ચપ્પલના તળીયા ઘસાઈ જાય છે. કાગળ ઉપર ગુનાખોરી ઘટાડવામાં માહેર પોલીસ અધિકારીઓ વણઉકેલાયેલા કેસમાં ફરિયાદ નોંધવાનું ટાળે છે. આવી જ સ્થિતિમાં રામોલ પોલીસે ફરિયાદ નોંધવામાં એક અનોખો રેર્કોડ સર્જયો છે. વાહન ચોરીની 10 ફરિયાદો એક જ દિવસમાં નોંધી છે.

છેલ્લા એકાદ મહિનાથી રામોલ પોલીસ સ્ટેશનની હદમાં ઉપરાછાપરી એક ડઝન જેટલા ટુ વ્હિલર ચોરાઈ ગયા. એકાદ દિવસના આંતરે એક ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવતો અને પોલીસે તેને ઢગલાબંધ સવાલો પૂછીને મૂંઝવી નાંખતી. ફરિયાદ કરવાનો આગ્રહ રાખતા લોકોની અરજી લઈને પોલીસ તેમને તગેડી મૂકતી. દરમિયાનમાં એક અરજદારે ચોરને પેટ્રોલ ખાલી થયેલું વાહન મુકીને અન્ય વાહન લઈ જતા સીસીટીવી ફૂટેજમાં પકડી પાડ્યો હતો. આખરે આ ચોરને ફરિયાદીએ ચોરી કરેલા ટુ વ્હિલર સાથે પકડાવી દેતા રામોલ પોલીસને લોટરી લાગ્યા જેટલો આનંદ થયો હતો.

ચોરીના વાહન સાથે પ્રકાશ બટુકભાઈ લખતરીયા (ઉ.30 રહે. નૈયા પેરેડાઈસ, રામોલ રીંગ રોડ) ઝડપાઈ જતા રામોલ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન પ્રકાશ લખતરીયાએ એકાદ મહિનામાં 19 જેટલા વાહન ચોરીની કબૂલાત કરી હતી. ચોરી કરેલા વાહનો જે તે સ્થળે બિનવારસી છોડી દેવાયા હતા ત્યાંથી રામોલ પોલીસ તમામ વાહનો ઉપાડીને લઈ આવી હતી. ત્યારબાદ રામોલ પોલીસે અરજદારોને બોલાવી ધડાધડ ફરિયાદો નોંધવાનું શરૂ કરી દીધું હતું. બે દિવસમાં એક ડઝનથી વધુ ફરિયાદો રામોલ પોલીસે નોંધી હતી. તા. 20 નવેમ્બરના રોજ વાહન ચોરીના 10 ફરિયાદો નોંધવામાં આવી હતી. ફરિયાદો નોંધવામાં વિલંબ કરવાના મામલે ઉચ્ચ પોલીસ અધિકારીએ રામોલ પોલીસ સામે તપાસનો આદેશ આપ્યો છે.

ચોરીના બે વાહનો વધ્યા, ફરિયાદી નથી મળતા 

વાહન ચોર પ્રકાશ લખતરીયા ઝડપાતા એક પછી એક એમ દોઢ ડઝન જેટલા વાહનો પોલીસને મળી આવ્યા. જો કે, ફરિયાદો માત્ર 17 જ વાહન ચોરીની થઈ છે. જે પૈકી રામોલ પોલીસના ચોપડે 13, નિકોલની બે અને ઓઢવ તથા કલોલની એક-એક એમ કુલ 17 ફરિયાદ નોંધવામાં આવી છે. રામોલ પોલીસ પાસે ચોરીના બે વાહનો વધતા પોલીસ ચિંતામાં મુકાઈ ગઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર બે વાહનના માલિક મળતા નહીં હોવાથી તેમની તપાસ ચાલી રહી છે.

મળી ગયેલું ટુ વ્હિલર પોલીસે જમા લઈ લીધું 

રામોલ રીંગ રોડ નૈયા પેરેડાઈસમાં રહેતો અને ગાંજાનો નશો કરતો પ્રકાશ લખતરીયા ચોરી કરેલા ટુ વ્હિલરમાં પેટ્રોલ ખાલી થાય એટલે તેને બિનવારસી મુકી દેતો. રામોલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનું ટુ વ્હિલર ચોરાતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જો કે, પોલીસે ફરિયાદ નોંધવાના બદલે તેમની અરજી લીધી હતી. દરમિયાનમાં ચોરી કરેલું વાહન મળી જતા અરજદાર તેનો ઉપયોગ કરવા લાગ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને જન ભાગીદારીથી પ્રકાશને ઝડપી લેવાતા પોલીસે અરજદારને પોલીસ સ્ટેશન બોલાવી તેમની ફરિયાદ નોંધી વાહન મુદ્દામાલ તરીકે કબ્જે લઈ લીધું હતું.