રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ 21 જાન્યુઆરી 2020ના રોજ ઈ-ટિકિટીંગ રેકેટ શોધી કાઢ્યું છે. આ ઘટનામાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડમાં બેંક ઓફ ઈન્ડિયાની 2400 બ્રાન્ચમાં એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. આ રેકેટનું મુખ્ય મથક દુબઈમાં હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના નેતા અને રેલ પ્રધાન પિયુષ ગોયેલ સામે આરોપો થઈ રહ્યાં છે.
ઇ-ટિકિટના રેકેટમાં પકડાયેલા ગુલામ મુસ્તફાની છેલ્લા 10 દિવસમાં આઈબી, સ્પેશ્યલ બ્યૂરો, ઇડી અને એનઆઈએ તેમજ કર્ણાટક પોલીસ પૂછપરછ કરી ચૂકી છે. ઝારખંડના રહેવાસી મુસ્તફાની ધરપકડ થઈ ગઈ છે. તેની પાસે આઈઆરસીટીસીના 563 આઈડી મળ્યા છે.
એસબીઆઈના 2400 અને સ્થાનિક ગ્રામિણ બેન્કની 600 શાખાઓમાં તેમના ખાતાઓ છે. ઈ-ટિકિટીંગ રેકેટમાં સંડોવાયેલા આ શખ્સ સાથે હાલમાં આઈબી, સ્પેશિયલ બ્યૂરો, ઈડી, એનઆઈએ અને કર્ણાટક પોલીસ પુછપરછ કરી રહી છે.
રેકેટનો માસ્ટર માઈન્ડ સોફ્ટવેર ડેવલપર હામિદ અશરફ 2019માં ગોંડામાં થયેલ સ્કુલમાં બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતો. હાલમાં તે દુબઈમાં છે. કાળા કારોબારથી હામિદ અશરફ દર મહિને 10થી 15 કરોડ રૂપિયાની કમાણી કરતો હતો. જેના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. આરપીએફ ડીજી અરુણ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, આની પાછળ ટેરર ફંડિંગ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ રેકેટના તાર મની લોન્ડરીંગ અને ટેરર ફંડિગ સાથે જોડાયેલા છે.