રોડ પર કચરો ફેંકતા સફાઈ કર્મચારીને ઠપકો આપતા મહિલા કર્મચારી પર હુમલો કર્યો

અમદાવાદ, તા.28

શહેરના ગોળલીમડા વિસ્તારમાં રોડ પર કચરો નાંખી ગંદકી ફેલાવતા સફાઈ કર્મચારીને મહિલા સફાઈ કર્મચારીએ ઠપકો આપતા લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી છે. કારંજ પોલીસે આ મામલે મનિષ ગોપાલભાઈ નામના સફાઈ કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે,

રાજપુર-ગોમતીપુર મ્યુનિસિપલ કવાટર્સમાં રહેતા મધુબહેન રમેશભાઈ સોલંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી સફાઈ કામદાર તરીકે બે વર્ષથી નોકરી કરે છે. ગઈકાલે મંગળવારે સવારે મધુબહેન સોલંકી તેમની પૌત્રી ખૂશ્બુ સાથે ગોળલીમડા  વિસ્તારમાં સફાઈ કામગીરી માટે ગયા હતા. સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે મધુબહેન સોલંકી અને તેમની પૌત્રી ખમાસા ચાર રસ્તા પાસે સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે અન્ય સફાઈ કર્મચારી મનિષ ગોપાલભાઈ રોડ પર કચરો ફેંકી રહ્યો હતો. આ  જોઈને મધુબહેન સોલંકીએ મનિષને ઠપકો આપી કચરો નહીં ફેંકવા કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી લાકડી વડે મધુબહેન પર હુમલો કરી દીધો હતો.  મધુબહેનને લાકડીનો ફટકો વાગતા તેઓ નીચે પડી ગયા હતા. બૂમાબૂમ થતા આરોપી મનિષ ફરાર થઈ ગયો હતો અને  મધુબહેનને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.