વડગામ-છાપીમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ

પાલનપુર, તા.૨૨   શનિવારે સાંજના ચારેક વાગે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં વડગામ તાલુકામાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. ઊંઝામાં સાંજના 4થી 6 બે કલાકમાં વાવાઝોડા સાથે અઢી ઇંચ (62 મીમી) પાણી પડ્યું હતું. જ્યારે સતલાસણામાં 10 મીમી અને વિજાપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. પાટણના કોઇટા ગામે તબેલા પર લીમડા નું વૃક્ષ ધરાશાયી થતા આઠ ભેંસો દટાઈ હતી જેમાં બેના મોત થયા હતા અને બે ભેંસો ને ગંભીર ઇજાઓ થઇ હતી.

લાંબા વિરામ બાદ પાલનપુરમાં સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું હતું. તેમજ ગઢ ખાતે શનિવારે બપોરે વરસાદી ઝાપટું પડતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતાં. ઉપરાંત વડગામ-છાપી પંથકમાં શનિવારે બપોરે કાળાડિબાંગ વાદળો સાથે પવનના સુસવાટા વચ્ચે મેઘરાજાએ બેટીંગ કરતા ભર ભાદરવે અષાઢી માહોલ સર્જાયો હતો. જેમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા લોકોમાં આનંદ છવાયો હતો. અનેક માર્ગો ઉપર પાણી ભરાયા હતા. ધાનેરામાં છેલ્લા ચાર દિવસની ભારે ઉકળાટ બાદ શનિવારે બપોરે મેધરાજાએ મહેર કરતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી અને 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ધાનેરા જુના બસ સ્ટેન્ડ અને સરકારી હોસ્પીટલમાં ગટરના ગંદા પાણી ભરાઇ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.

બીજી તરફ ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓ કોરાધાકોર જોવા મળ્યા હતા, પરંતુ મોડી સાંજ સુધી વાદળો ઘેરાયેલા રહેતા ખેડુતોમાં વરસાદની આશા જોવા મળી હતી. આ ઉપરાંત કાંકરેજના શિહોરી, બુકોલી, ઉંબરી સહિતના વિસ્તારોમાં 13 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ડીસા, દાંતીવાડા, દાંતા, વાવ, થરાદમાં 3 મીમી વરસાદ પડ્યો હતો. વાવમાં શનિવારે બપોરના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું. પાટણ, સિદ્ધપુર,ચાણસ્મા અને સમીમાં ઝાપટાં પડ્યા હતા.

કોઇટા ગામમાં વાવાઝોડામાં તબેલા પર ઝાડ તૂટી પડતાં 8 ભેંસો દટાતા બેના મોત

ઉ.ગુ.માં શનિવારે વડગામમાં દોઢ કલાકમાં 2 ઇંચ, ઊંઝામાં બે કલાકમાં અઢી ઈંચ, ધાનેરામાં 21 મીમી, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા, સમી પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. રાધનપુરમાં ઝરમર વરસાદ થયો હતો. કોઇટા ગામે તબેલા પર લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા 8 ભેંસો દટાઈ હતી જેમાં બેના મોત થયા હતા અને બે ભેંસોને ગંભીર ઇજાઓ થઇ હતી.

વિરામ બાદ શનિવારે જિલ્લામાં મેઘગર્જના અને ઠંડા પવનના સુસવાટા સાથે ઝાપટા પડ્યા હતા. સિદ્ધપુરમાં 17 મીમી સરસ્વતીમાં 6 મીમી અને પાટણમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં સરસ્વતી તાલુકાના કોઈટા જંગરાલ, કાતરા, ખોડાણા, વાહણા, ઉંટવાડા, મેસર, મુના, અજુજામાં ખેતરોમાં પાણી ભરાયા હતા.

સરસ્વતીના કોઈટા ગામના મુમન મોહમ્મદભાઈ ગનીભાઈના તબેલા ઉપર લીમડાનું ઝાડ પડવાથી તબેલામાં બાંધેલી 16 ભેંસોમાંથી 8 ભેંસો દટાઈ હતી. તેમાં 2 ભેંસોના મોત નિપજ્યા હતા અને 2 ગંભીર છે. જેસીબી, ટ્રેક્ટર અને લોકોની મદદથી ખુબ જહેમત બાદ ભેંસોને બહાર કાઢી હતી. સરપંચ રણજીતજી ઠાકોર,તલાટી હાદિૅકભાઈ પટેલ અને પશુ ચિકિત્સક જંગરાલ ડૉ.નિલેશભાઈ દેસાઈ પહોંચ્યા હતા.