વાયબ્રન્ટ સમિટ ૨૦૧૫માં ૧૬,૩૦,૩૦૯ કરોડના ઉદેશ સામે માત્ર ૨,૮૬,૭૨૯ કરોડનું રોકાણ

વાયબ્રન્ટ સમિટ ૨૦૧૫માં રૂ. ૧૬,૩૦,૩૦૯ કરોડના ઈન્વેસ્ટમેન્ટ ઇંટેન્શન (રોકાણ ઉદેશ) સામે માત્ર રૂ. ૨,૮૬,૭૨૯ કરોડનું રોકાણ થયું હોવાની મુખ્યમંત્રી (ઉદ્યોગ) દ્વારા આજે વિધાનસભામાં લેખિતમાં માહિતી આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ૨૦૧૫ અને ૨૦૧૭માં થયેલા ઈન્વેસ્ટમેન્ટ ઇંટેન્શનના આધારે રાજયમાં નવી ૭૨,૧૧,૮૦૦ રોજગારી ઊભી થવાનો અંદાજ હતો.

વિધાનસભામાં કોંગ્રેસનાં નિરંજન પટેલ અને ગેનીબેન ઠાકોર દ્વારા સવાલ ઉપસ્થિત કરાયા હતા કે, તા. ૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ રાજયમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ -૨૦૧૫ અને ૨૦૧૭ માં વર્ષ વાર નવા ઉદ્યોગો માટે કેટલી રકમના, કેટલા પ્રોજેકટના તે પૈકી એમઓયુ કરવામાં આવ્યા અને તે પૈકી કેટલા ઉદ્યોગો મૂડીરોકાણ સાથે કાર્યાન્વિત થયા? અને સમિટ વાર કેટલી રોજગારી ઊભી થવાનો અંદાજ હતો?

જેના જવાબમાં મુખ્યમંત્રી (ઉદ્યોગ) દ્વારા લેખિતમાં માહિતી આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે, વાયબ્રન્ટ-૨૦૧૫માં રૂ. ૧૬,૩૦,૩૦૯ કરોડના સૂચિત ઈન્વેસ્ટમેન્ટ ઇંટેન્શન મંજૂર થયા હતા. તે પૈકીના કમિશન્ડ થયેલા ૧૫,૦૭૮ પ્રોજેક્ટ્સથી માત્ર રૂ. ૨,૮૬,૭૨૯ કરોડનું રોકાણ થયું છે. જ્યારે વાયબ્રન્ટ-૨૦૧૭માં ૨૪,૭૭૪ ઈન્વેસ્ટમેન્ટ ઇંટેન્શન મંજૂર થયેલ છે. જેમાં સૂચિત મૂડી રોકાણ ધ્યાને લેવાયું નથી.

જ્યારે તા. ૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૫માં ૨૯,૧૪,૦૦૦ રોજગારી અને વાયબ્રન્ટ ૨૦૧૭માં ૪૨,૯૭,૮૦૦ વ્યક્તિને રોજગારી મળવાનો અંદાજ હતો. આમ આ બે વાયબ્રન્ટ દ્વારા રાજયમાં નવા ઉદ્યોગો ઊભા થવાથી નવી ૭૨,૧૧,૮૦૦ નવી રોજગારી ઉત્પન થવાનો સરકારનો અંદાજ હતો.