ગુજરાત તકેદારી આયોગને સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશન તરફથી ભ્રષ્ટાચારના કેસોમાં પ્રાથમિક તપાસના રિપોર્ટ અધુરા અથવા તો મોડાં મળતા નહીં હોવા અંગે આયોગે સરકારના વિભાગોની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. આયોગે કહ્યું છે કે અમારા બનાવેલા પત્રક પ્રમાણે પ્રાથમિક તપાસ થતી નથી તેથી રિપોર્ટમાં વિલંબ થાય છે અને આવશ્યક પગલાં લઇ શકાતા નથી.
આયોગને એક વર્ષમાં ભ્રષ્ટાચાર અને ગેરરિતીઓની 8792 ફરિયાદો મળી છે જે ગયા વર્ષ કરતાં વધારે છે. આયોગને સૌથી વધુ ફરિયાદો શહેરી વિકાસ વિભાગના સંદર્ભમાં મળી છે, જ્યારે બોર્ડ કોર્પોરેશનો પૈકી સૌથી વધુ ફરિયાદો મેરીટાઇમ બોર્ડમાં ભ્રષ્ટાચાર બાબતે છે.
તકેદારી આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષની શરૂઆતમાં આયોગને પડતર હોય તેમજ વર્ષ દરમ્યાન મળ્યા હોય તેવા કુલ 1577 તપાસ અહેવાલો આગોગની વિચારણામાં હતા તે પૈકી 1192 તપાસ અહેવાલોનો નિકાલ કરવામાં આવ્યો છે. વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશન તરફથી પડતર કેસોના નિકાલ અંગે આયોગે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસના 2150 કેસો અને 203 સંદર્ભ કેસો મળીને કુલ 2353 કેસો પડતર રહ્યાં છે.
જે કેસો પડતર છે તેમાં મહેસૂલ વિભાગના સૌથી વધુ 342 કેસો છે. એ ઉપરાંત શહેરી વિકાસના 310, પંચાયતના 284, શિક્ષણના 149, માર્ગમકાનના 137, આરોગ્યના 99 અને નર્મદાના 90 કેસો મુખ્ય છે. પ્રાથમિક તપાસના 2150 કેસો પૈકી 280 કેસ પાંચ વર્ષથી વધુ સમયથી પડતર છે. તકેદારી આયોગે 639 આક્ષેપિત અધિકારી તેમજ કર્મચારીઓ સામે પગલાં લેવાની ભલામણ કરી છે.
આયોગને લાંચરૂશ્વત બ્યુરો તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુનામાં ફોજદારી કાર્યવાહી પડતર હોય તેવા 1461 કેસ વિવિધ અદાલતોમાં પડતર છે જે પૈકી 154 કેસો દસ વર્ષ કરતાં વધુ સમયથી પડતર છે.
વર્ષ દરમ્યાન આયોગને કુલ 8792 ફરિયાદો મળી હતી તે પૈકી 915 અરજીઓમાં કરવામાં આવેલા આક્ષેપો ગંભીર હોવાથી સરકારના વિભાગોને પ્રાથમિક તપાસ કરીને આયોગને આપવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યારે 5939 જેટલી અરજીઓ યોગ્ય કાર્યવાહી કરવા સબંધિત સત્તાધિકારીઓને મોકલવામાં આવી હતી. આ સાથે અઘુરી 1820 અરજીઓ દફતરે કરવામાં આવી છે.
અહેવાલના વર્ષ દરમ્યાન સૌથી વધુ 1505 અરજીઓ શહેરી વિકાસ વિભાગ માટે આવી હતી. પંચાયતની 1272 અને મહેસૂલની 1154 અજીઓ હતી. એ ઉપરાંત ગૃહ વિભાગને લગતી 925 અને શિક્ષણને લગતી 514 અરજીઓ આયોગને મળી હતી. બીજી તરફ બોર્ડ કોર્પોરેશનને લગતી આવેલી 572 અરજીઓ પૈકી સૌથી વધુ 125 અરજીઓ મેરીટાઇમ બોર્ડ માટે હતી.
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા તકેદારી આયોગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ દરમ્યાન કુલ 1176 જાહેર સેવકો સામે જુદી જુદી ભલામણો કરવામાં આવી હતી. લાંચરૂશ્વત વિરોધી બ્યુરો અને અન્ય એજન્સીઓ તરફથી મળેલા અહેવાલની ચકાસણી કરીને 24 અધિકારીઓ સામે પ્રોસીક્યુશનની મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી છે. સચિવાલયના વિભાગો, ખાતાના વડા અને બોર્ડ કોર્પોરેશન તરફથી મળેલા અહેવાલોની ચકાસણી કરીને 388 જાહેર સેવકો સામે ભારે શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે. 25 અધિકારીઓ સામે પેન્શન કાપની તેમજ 134 અધિકારીઓ સામે હળવી સજાની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના 68 કર્મચારીઓ સામે વસૂલાત જેવી કાર્યવાહી કરવાની તેમજ 639 કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે 537 કર્મચારીઓ સામે કરવામાં આવેલા આક્ષેપોમાં તથ્ય નહીં હોવાથી તેમના પ્રકરણ દફતરે કરવામાં આવ્યા છે. તકેદારી આયોગે આઠ થી દસ વર્ષ જૂના કેસોની સમીક્ષા પણ હાથ ધરી છે.