વી. એસ. હોસ્પિટલને તાળા કરોડો કમાવી આપે એ મેડિકલ કોલેજ માટે ખેલ

અમદાવાદની ઐતિહાસિક વાડિલાલ સારાભાઈ – વી.એસ. હોસ્પિટલ બંધ કરવા ભાજપના સત્તાધીશો ઉતાવળા થયા છે. સરદાર પટેલે બનાવેલી અને ગાંધીજી દ્વારા જેના કામની પ્રશંસા થઈ હતી તે હોસ્પિટલ ધીમે ધીમે બંધ કરવામાં આવી રહી છે. 20 ફેબ્રુઆરી 1933માં મુલાકાતીઓની પોથીમાં ગાંધીજીએ લખ્યું હતું,‘સરદાર વલ્લભભાઈ પટેલની જય હો, આ ઈસ્પિતાલ જોઈ હું બહુ રાજી થયો છું.’

1931ના સમયગાળા દરમિયાન વાડીલાલ સારાભાઈના કુટુંબના રૂ.4 લાખની જમીનના દાનથી શરૂ કરાયેલી વાડીલાલ જનરલ હોસ્પિટલમાં 120 પથારી હતી જે 1155 સુધી પહોંચી છે. હવે 87 વર્ષ પછી દાતાની જમીન પર બનેલી હોસ્પિટલને તાળા મારવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલ મૃત્યુ શૈયા પર છે.

17 ડિસેમ્બર 2019માં વી.એસ. હોસ્પિટલના બોર્ડમાં ખાસ ઠરાવ લાવીને 500 પથારી સાથે અલગ કરવાનો ઠરાવ કરીને તેને ખતમ કરવાનું નક્કી કરાયું હતું. વી.એસ. હોસ્પિટલનું એન.એચ.એલ. મેડિકલ કોલેજ સાથે જોડાણ રહેશે નહીં. મતલબ કે 169 પ્રોફેસરો કે જે ગુજરાતના જાણાતી તબિબો છે જે જૂની હોસ્પિટલ સાથે નહીં રહે. પીજી ડોક્ટરો તથા એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ પણ નવી હોસ્પિટલમાં જ સેવા આપશે.

વર્ષે 80 હજાર દર્દી, 15 હજાર મેજર ઓપરેશન,  20 હજાર માઈનોર ઓપરેશન, ઈ એન્ડ ટી, ગેસ્ટ્રો તથા પ્લાસ્ટિક સર્જરીમાં વર્ષે 4506 ઓપરેશન થાય છે. રોજ 175 ઓપરેશન થાય છે. હવે નવી હોસ્પિટલમાં આ બધા ઓપરેશન ઊંચી ફી લઈને કરાઈ રહ્યા છે. ગરીબો માટે અહીં કોઈ સ્થાન નહીં રહે. જે માટે લોખંડી પૂરુષે હોસ્પિટલ બનાવી હતી. તે હેતુ જ માર્યો જાય છે.

ગરીબો માટે સસ્તી અને સારી સારવાર આપતી આ હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ બંધ કરી દીધું છે. આ પહેલા તમામ સુપરસ્પેશીયાલીસ્ટ તબિબોને નવી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. 15 મે 2019માં સર્જરી અને મેડીસીન વિભાગના તમામ આઈસીયુ બેડ બંધ કરી દેવાયા છે.

ભાજપના નેતાઓને મેડિકલ કોલેજમાં પ્રવેશના નામે કરોડોની કમાણી દેખાઈ રહી છે. તેથી તેના ટ્રસ્ટીઓને દૂર કરી દેવા માટે નવી હોસ્ટિલમાં 2008માં મેટની રચના કરી હતી. હવે 10 વર્ષ પછી વી.એસ. હોસ્પિટલ ભાજપના હાથમાં આવી ગઈ છે. મેડિકલ કોલેજ પોતાના હસ્તક રહે તે માટે રૂ.750 કરોડ નવી હોસ્પિટલ માટે ખર્ચવામાં આવ્યા છે. જ્યાં શહેર કે ગુજરાતના કોઈ ગરીબ દર્દી સારવાર લઈ શકે તેમ નથી. જે બતાવે છે કે, ભાજપની ગરીબ વિરોધી નીતિ અહીં પણ છે. નવીને ચલાવવા અને ભાજપ પોતાનું પ્રભુત્વ વધારવા માટે જૂની હોસ્પિટલ બંધ કરીને નવી બનાવી હતી. 25 હજાર ગરીબ દર્દીઓના અહીં મફતમાં ઓપરેશન થતાં હતા. તે હવે બંધ કરી દેવાયા છે. અત્યારે ઘણાં વિભાગો બંધ કરી દીધા હોવા છતાં રોજ 1500 દર્દીઓ સારવાર માટે જૂની હોસ્પિટલમાં આવે છે.