વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરાત બંધ કરી દેવાયું !!!

બંકિમ પટેલ
કે ન્યૂઝ, અમદાવાદ,તા:24
જાન્યુઆરી 2019માં નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરમાં ખુલ્લી મુકેલી એસવીપી હોસ્પિટલને લાભ ખટાવવા માટે ટ્રસ્ટ સંચાલિત વી.એસ.હોસ્પિટલને સંપૂર્ણપણે બંધ કરી દેવાની પેરવી કેટલાય મહિનાઓથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ઈશારે વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરાત બંધ કરી દેવાયું છે. દોઢસો જેટલા ડોક્ટર્સે સત્તાવાળાઓ સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હોવા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

માત્ર 70 રૂપિયામાં ઘર જેવું ભોજન પિરસતા ભોજનાલયને અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિના બંધ કરી દેવાના નિર્ણયને ડૉક્ટર્સે તાનાશાહી ગણાવી છે. ભોજનાલયને બંધ કરી દેવાની વાત રેસીડેન્ટ અને ઈન્ટર્ન ડૉક્ટરના કાને પડી ત્યારથી જ તેમણે વિરોધ કરવાનો શરૂ કર્યો હતો. કે ન્યુઝના પ્રતિનિધિ ગત 20 નવેમ્બરના બુધવારે વી.એસ.હોસ્પિટલમાં ચાલતા ભોજનાલયની મુલાકાત લીધી હતી. તારીખ 21 નવેમ્બરથી ભોજનાલય બંધ કરી દેવામાં આવ્યું છે. ભોજનાલયમાં આવેલા ડૉક્ટર્સ સાથે થયેલી વાતચીતમાં સત્તાવાળાઓ તાનાશાહની જેમ વર્તી રહ્યા હોવાનો સૂર નિકળતો હતો.

ભોજનાલયમાં સરેરાશ 150 જેટલા ડૉક્ટર્સ દરરોજ બપોરે જમવા માટે આવે છે. અહીં માત્ર બપોરનું ભોજન જ પિરસવામાં આવે છે. અગાઉ મેસમાં સવારનો નાસ્તો 30 રૂપિયામાં પિરસવામાં આવતો હતો, પરંતુ ગત પહેલી સપ્ટેમ્બરથી બ્રેકફાસ્ટ બંધ કરી દેવાયો હતો અને માત્ર લંચની વ્યવસ્થા જ રાખવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં સારી એવી નામના ધરાવતા કેટલાય ડૉક્ટર્સ આજ ભોજનાલયમાં ભોજન કરી ચૂક્યા છે અને ક્યારેક ભોજનનો આસ્વાદ માણવા આ પૈકીના કેટલાક ડૉક્ટર મેસમાં આવતા હતા.

એપોલો ગ્રુપના સિંદુરી ફૂડને લાભ કરાવવાનો કારસો

ખાનગી કંપનીઓને લાભ કરાવી આપવાની પ્રથામાં માનતી ભાજપ સરકારે એસવીપી હોસ્પિટલનો વહીવટ એપોલો ગ્રુપને પધરાવી દીધો છે. સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીને સવારના નાસ્તાથી લઈને રાત્રિ ભોજન પિરસવાનો કોન્ટ્રાક્ટ પણ એપોલો ગ્રુપના સિંદુરી ફૂડને આપી દેવાયો છે. ભોજનાલય બંધ કરાવવા પાછળ સિંદૂરી ફૂડને લાભ કરાવવાનો કારસો હોવાનું ડૉક્ટર્સ માની રહ્યા છે. એસવીપી હોસ્પિટલમાં હાલ કેન્ટીન અને રેસ્ટોરેન્ટની કામગીરી ચાલી રહી છે અને તે પૂર્ણ થઈ નથી એટલે ડૉક્ટર્સ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ડૉક્ટર્સને આશંકા છે કે, હવે તેમને ભોજન-નાસ્તા માટે બમણી અથવા તો તેથી વધુ રકમ ચૂકવવી પડશે.

વિરોધમાં બોલો તો પરિક્ષામાં નાપાસ કરી દે છે – સ્ટુડન્ટ

અચાનક જ મેસ બંધ કરી દેવાના નિર્ણયની માહિતી મેળવવા કે ન્યુઝના પ્રતિનિધિ ભોજનાલય ખાતે ગયા તો પહેલા ડૉક્ટર્સે વાત કરવાની ના પાડી દીધી હતી. તેમની જ સમસ્યાને ઉજાગર કરવા અને લોકો સુધી આ વાત પહોંચાડવામાં ડૉક્ટર્સને શું વાંધો હતો તે અંગે પૂછવામાં આવતા તેમણે આંચકારૂપ વાત જણાવી હતી. કોઈ મિડીયા પર્સન સાથે નામ જોગ વાત કરવામાં આવે તો અમને પરિક્ષામાં નાપાસ કરી દેવાય છે અને ભૂતકાળમાં આવી કિસ્સાઓ બની ચૂક્યા છે. જેથી કે ન્યુઝે અહીં ડૉક્ટર્સના નામ અને ફોટા પ્રસિદ્ધ કરવાનું ટાળ્યું છે.

સિંદુરી ફૂડનું રસોડું ટ્રસ્ટની માલિકીના બિલ્ડીંગમાં ચાલે છે

એસવીપી હોસ્પિટલના દર્દીઓને ભોજન પિરસતા એપોલો ગ્રુપના સિંદૂરી ફૂડને જુની ગર્લ્સ હોસ્ટેલ વાપરવા માટે આપી દેવામાં આવી છે. ખાનગી કંપનીને વી.એસ.હોસ્પિટલ ટ્રસ્ટની જગ્યા કોના આદેશથી વાપરવા માટે આપવામાં આવી છે અને તેના ઉપયોગ પેટે કોઈ રકમ ટ્રસ્ટ વસૂલે છે કે કેમ તેની માહિતી મેળવવા હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ એસ.ટી.મલ્હાનનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. જો કે. તેમની સાથે વાત થઈ શકી ન હતી. મોટી સંખ્યામાં અન્ય રાજ્યમાંથી આવેલો કેટરીંગ સ્ટાફ ટ્રસ્ટની માલિકીની બિલ્ડીંગનો ઉપયોગ કરે છે. સારો એવો નફો રળતા સિંદૂરી ફૂડનું રસોડું અને સ્ટાફની રહેવાની વ્યવસ્થા પણ ટ્રસ્ટની માલિકીના બિલ્ડીંગમાં જ કરાઈ છે.